સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક સ્ક્રુ ગળી જતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ સ્ક્રુ બહાર કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.
નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો ૫ વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા ૫ સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી હતી.
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. સ્ક્રુને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવતા માતા-પિતાને જીવમાં જીવ આવ્યો હતો. જે બાદ માતા-પિતાએ પોતાના બાળકનો જીવ બચાવવા બદલ તબીબોનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો :-