દિલ્હીમાં હાઈકમાન્ડે રઘુ શર્માને ખખડાવ્યા, કોંગ્રેસ છોડનારા નેતાઓ મુદ્દે ઉધડો લીધો 

Share this story

Delhi High Command

  • રઘુ શર્માએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે, ત્યારથી સૌથી મોટો ફટકો દિગ્ગજ નેતાઓનુ પાર્ટી છોડવુ છે. દિલ્હીની બેઠકમાં હાઈકમાન્ડે આ મામલે નારાજગી વ્યક્ત કરી.

કોંગ્રેસ નેતૃત્વએ (Congress leadership) પોતાની ગુજરાત પ્રદેશ શાખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર વ્યક્તિગત હુમલા કરવાથી અંતર જાળવવાનું કહ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે તેઓ લોકોના મુદ્દાને ઉઠાવે અને આ વર્ષના અંતમાં થનારી વિધાનસભા ચૂંટણી (Assembly elections) દરમિયાન ભાજપની નીતિઓ પર નિશાન સાધે. સાથે જ આ બેઠકમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્માની (Raghu Sharma) ઝાટકણી કાઢવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યુ છે. તેમના પદગ્રહણ બાદ અનેક દિગ્ગજોએ પાર્ટીમાંથી વિદાય લીધી છે આ કારણે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાતના નેતાઓને ખખડાવાયા :

કોંગ્રેસની ટાસ્ક ફોર્સે સોમવારે લગભગ 5 કલાક સુધી બેઠક કરી જેમાં ગુજરાતના નેતાઓને બોલાવવામાં આવ્યા અને તેમને વિધાનસભા ચૂંટણી માટે એકજૂથ થઈને તૈયારી કરવા જણાવ્યું. હાલ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ પ્રવર્તી રહ્યો છે. જે અંગે બેઠકમાં હાઈકમાન્ડે નેતાઓને કહી દીધું છે કે, જૂથવાદ છોડી સામાન્ય જનતાને સ્પર્શે તેવા મુદ્દાઓ સાથે વિપક્ષની અસરકારક ભૂમિકા ભજવો.

રઘુ શર્માથી હાઈકમાન્ડ નારાજ :

રઘુ શર્માએ જ્યારથી ગુજરાતના પ્રભારી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો છે, ત્યારથી ગુજરાત કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. જેમાં સૌથી મોટો ફટકો દિગ્ગજ નેતાઓનુ પાર્ટી છોડવુ છે. ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપ તથા આપમાં ગયા છે. જેમાં જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. જેથી હાઈકમાન્ડે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી છે.

તો બદલાઈ શકે છે પ્રભારી :

ગુજરાત કોંગ્રેસમાં જ્યારથી રઘુ શર્મા આવ્યા છે ત્યારથી જૂથવાદનો મુદ્દો સળગી રહ્યો છે. જેને લઈને નારાજગી જોવા મળી રહી છે. તેથી હાઈકમાન્ડ પણ આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને હટાવી શકે છે. ત્યારે ગુજરાતના નવા પ્રભારીનુ સુકાન કોને સોંપવુ તે પણ ચર્ચાનો વિષય છે. પરંતુ હાલ હાઈકમાન્ડ રઘુ શર્માથી નારાજ ચાલે છે એ નક્કી. ત્યારે ડો. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે તેવી કાનાફૂસી શરૂ થઈ છે. સાથે જ ગુજરાતમાં ઓબ્ઝર્વરની નિમણૂંક પણ કરવામાં આવી શકે છે. તેમજ અન્ય રાજ્યો જ્યા કોંગ્રેસની સત્તા છે તેના મંત્રીઓને પણ ગુજરાતમાં બોલાવીને જવાબદારી સોંપાઈ શકે છે.

આ પણ વાંચો –