ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે પોતાની ભૂલ બદલ માફી માંગી છે જેમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ ખોટી રીતે દર્શાવવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યું હતું. ભારતનો આ ખોટો નકશો ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે તેના x હેન્ડલ પર શેર કર્યો હતો. આ નકશો શેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે માફી માંગી. જોકે, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે કહ્યું કે તે યોગ્ય નકશો નથી, તે ફક્ત વિસ્તારનું ચિત્રણ હતું.
શું છે સમગ્ર મામલો?
અહેવાલો અનુસાર, 13મી જૂનના રોજ આઈડીએફએ એક ગ્રાફિકલ વર્લ્ડ મેપ ‘X’ પર પોસ્ટ કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલો કયા કયા વિસ્તારોમાં હુમલો કરી શકે છે. પોસ્ટમાં લખ્યું ‘ઈરાન એક વૈશ્વિક ખતરો છે. ઈઝરાયલ તેનું અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે. અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.’ જો કે, નકશામાં ભારતની સરહદો સચોટ રીતે દર્શાવવામાં આવી ન હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સે નકશામાં ભૂલો જોઈ. જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે ઉત્તર-પૂર્વીય પ્રદેશ નેપાળ સાથે જોડાયેલો હતો. આ ભૂલથી ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રશ્નો ઊભા કરે છે.
IDFએ માફી માંગી
આ મામલે વિવાદ વધતો જોઈને IDFએ 13મી જૂનના રોજ ફરી એક પોસ્ટ કરી, તેમાં લખ્યું ‘આ પોસ્ટમાં ફક્ત વિસ્તારનો નકશો છે. આ નકશો સરહદોનું સચોટ ચિત્રણ કરતો નથી. આ તસવીરના કારણે થયેલા કોઈપણ ગુના માટે અમે માફી માંગીએ છીએ.’ આ ઉપરાંત ભારતમાં ઈઝરાયલી રાજદૂતે પણ આ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું, ‘આ એક ખરાબ રીતે અનિચ્છનીય ઇન્ફોગ્રાફિક છે. તેને દૂર કરવા/સુધારવા માટે પહેલાથી જ કહેવામાં આવ્યું છે.’