Tuesday, Jun 17, 2025

ભારતમાં ફરી કોરોનાનો ભરડો? દિલ્હીમાં 10 દિવસમાં 23 નવા કેસ, સાવચેતીની અપિલ

2 Min Read

ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા એશિયાના કેટલાક દેશોમાં તાજેતરના અઠવાડિયામાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોનાના સંક્રમણમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી રહી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન પંકજ સિંહે શુક્રવારે જણાવ્યું કે રાજધાનીમાં 23 નવા કેસ નોંધાયા છે. હાલ આ અંગે રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓ શહેરના રહેવાસી છે કે મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે તે નક્કી કરવા માટે સંક્રમણની વિગતોની તપાસ કરી રહી છે.

કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને દિલ્હીમાં તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને કોવિડ-19ના તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લોક નાયક હોસ્પિટલમાં મોકલવા જણાવાયું છે. હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, અન્ય દવાઓ અને રસીઓની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ તૈયારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વેન્ટિલેટર, Bi-PAP, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને PSA જેવા તમામ ઉપકરણો કાર્યરત સ્થિતિમાં હોય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે દિલ્હી રાજ્ય સ્વાસ્થ્ય ડેટા મેનેજમેન્ટ પોર્ટલ પર તમામ પરિમાણોની દૈનિક જાણ કરવી પણ ફરજિયાત બનાવી છે.

દેશભરમાં કોવિડની સ્થિતિ
એશિયાના દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણની અસર ભારતમાં જોવા મળી રહી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે દેશભરમાં કુલ 257 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 56 કોવિડ કેસ નોંધાયા, જ્યારે તમિલનાડુમાં 66, પુડુચેરી, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, સિક્કિમ, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું કે મે મહિનામાં 273 કોવિડ-19 કેસ નોંધાયા છે.

Share This Article