સુરતની રાજનીતિમાં હાલ ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બે મહત્વપૂર્ણ કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ વાત એ છે કે, આ બંને નેતાઓ હવે ભાજપમાં નથી રહ્યા અને ‘આમ આદમી પાર્ટી’ના સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને ચૂંટણી લડવાનો નિર્ણય લેતા સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંનેને પ્રાથમિક તથા સક્રિય સભ્યપદ સહિત તમામ જવાબદારીઓમાંથી દૂર કર્યા છે.
શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલ AAPમાં જોડાયા
ભાજપે જે બે નેતાઓ સામે કાર્યવાહી કરી છે તેમાં શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલનો સમાવેશ થાય છે. શર્મિષ્ઠાબેન વોર્ડ નંબર 1ની શહેર કારોબારી સભ્ય હતી, જ્યારે ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 30ના યુવા મોરચાના મંત્રી હતા. બંને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કરીને પક્ષ છોડ્યો અને ‘આપ’માં જોડાઈ ગયા.
AAPના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં
હાલમાં ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 29માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શર્મિષ્ઠાબેન વરીયા વોર્ડ નંબર 1માંથી AAPના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ અને શિસ્તભંગને કારણે ભાજપે બંને સામે સસ્પેન્શનની કડક કાર્યવાહી કરી છે.
ટિકિટ ન મળતા બગાવત, પક્ષ બદલ્યો
ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા ચાલી રહી હતી. જ્યારે બંનેને ઉમેદવારી ન મળતા તેમણે બગાવત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યાંથી તરત જ ઉમેદવારી મળતા ભાજપે આ વર્તનને પક્ષ સાથેની ગદ્દારી ગણાવીને તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.
એકનો રાજીનામું, બીજા પર ટેકનિકલ મુદ્દો
શર્મિષ્ઠાબેન વરિયાએ 10 એપ્રિલે ભાજપમાંથી વિધિવત રાજીનામું આપી દીધું હતું. જોકે, ધ્રુમિલ પંચાલે ઉમેદવારી નોંધાવ્યા છતાં ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નહોતું. આ કારણે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.
સસ્પેન્શન લેટરમાં નામની ભૂલ
ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા સસ્પેન્શન પત્રમાં પણ ભૂલ જોવા મળી હતી. તેમાં ધ્રુમિલ પંચાલની જગ્યાએ ‘ધ્રુમિલ પટેલ’ લખાઈ ગયું હતું. હાલ ધ્રુમિલ પંચાલ આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં. 29ના ઉમેદવાર છે.
પરેશ પટેલનો કડક સંદેશ
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, બંને નેતાઓએ પક્ષમાં મહત્વના પદ પર હોવા છતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેઓ હવે અન્ય પક્ષના સત્તાવાર ઉમેદવાર છે, તેથી તેમને ભાજપમાં રાખવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ નિર્ણય દ્વારા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે.

