ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતના ખેડૂતોને લગતા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગનાના નિવેદન પર યુનાઇટેડ કિસાન મોરચા ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ કંગનાનું નામ લીધા વિના તેની ટીકા કરી છે.
કંગનાને ખેડૂત આંદોલન અંગે નિવેદન આપવું ભારે પડ્યું છે. ભાજપે કંગનાના નિવેદન સાથે પક્ષને કોઈ લેવાદેવા નહીં હોવાની સ્પષ્ટતા કરી છે અને કંગનાને કડક સૂચના પણ આપી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે કંગના રાણાવત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલું નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભાજપે કંગનાના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ જારી કરેલી નોટિસમાં કહ્યું છે કે પાર્ટી વતી કંગના રાણાવતને પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી કે પછી તે અધિકૃત પણ નથી. ભાજપ દ્વારા કંગનાને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા કટિબદ્ધ છે, તેમ પક્ષ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
કંગના રાણાવતનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલન પાછળ ઘણું મોટું દેશ વિરોધી કાવતરું હતું. તેણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં જે બન્યું તેવું આ ખેડૂત આંદોલન દ્વારા ભારતમાં કરવાનું ખૂબ લાંબુ આયોજન હતું. ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે થયું તે અહીં થવામાં લાંબો સમય ન લાગત.
કંગનાના આ નિવેદનનો કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે વિરોધ કર્યો હતો. સુપ્રિયાએ કહ્યું હતું કે જો મોદી સરકારને લાગે છે કે વિદેશી શક્તિઓ આપણા દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે, તો આ અંગે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? ભાજપના નેતાઓએ ખેડૂતોને ખૂબ અપમાનિત કર્યા છે, હવે તેમના સાંસદો પણ ખેડૂતોને હત્યારા અને બળાત્કારી કહી રહ્યા છે. અમે આનો જવાબ નહીં આપીએ, હરિયાણા થોડા દિવસોમાં જ જવાબ આપશે. પરંતુ જો રાષ્ટ્રીય સુરક્ષા પર સવાલો ઊભા થયા છે તો ભાજપ અને સરકારને જવાબ આપવો પડશે. જો એમ ન હોય તો આ સાંસદે કાન પકડીને માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો :-