પૂર્વ મંત્રી અને સુરનકોટથી ભાજપના ઉમેદવાર મુસ્તાક અહેમદ શાહ બુખારીનું બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં મતદાન સમાપ્ત થયાના એક દિવસ બાદ અવસાન થયું હતું. બુખારી પુંછ જિલ્લામાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. બુખારી 75 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. BJP ના એક નેતાએ જણાવ્યું કે બુખારી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સવારે લગભગ 7 વાગે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
જમ્મુમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક સુરનકોટમાં ભાજપે બુખારીને ઉમેદવાર બનાવ્યા હતા. બે વખત ધારાસભ્ય રહી ચુકેલા બુખારીને એક સમયે નેશનલ કૉન્ફ્રેન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની નજીકના ગણવામાં આવતા હતા. ચાર દાયકા સુધી નેશનલ કૉન્ફ્રેન્સ સાથે રહ્યાં બાદ બુખારીએ ફેબ્રુઆરી 2022માં પાર્ટી છોડી દીધી હતી. બુખારી પહાડી સમુદાયને એસટીનો દરજજો આપવા મામલે ફારૂક અબ્દુલ્લા સાથે અસહમતિને કારણે નેશનલ કૉન્ફ્રેન્સ છોડી દીધી હતી.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે બુખારીની તુલના મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેસ્લન મંડેલા સાથે કરી હતી. ચુઘે તેમને બદલાવ લાવનારા નેતા ગણાવ્યા હતા અને પહાડી સમુદાય માટે કરવામાં આવેલા કામની પ્રશંસા કરી હતી. ચુઘે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં બુખારીને કારણે પહાડી સમુદાયને ‘અસલમાં આઝાદી’ મળી.
મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન સમાપ્ત થયું છે. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બર, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મત નાખવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ઓક્ટોબરે આવશે.
આ પણ વાંચો :-