ખરાબ કેપ્ટનસી, બેટિંગ-બોલિંગની ખુલી પોલ… ભારતના હારતા જ તૂટ્યો ઐતિહાસિક રેકોર્ડ

Share this story
  • ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીમાં વિજય સાથે કરી હતી. આ પછી વનડે શ્રેણી પણ કબજે કરી.

ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીમાં વિજય સાથે કરી હતી. આ પછી, વનડે શ્રેણી પણ કબજે કરી. પરંતુ હાર્દિક પંડયા કપ્તાનીમાં ટી-૨૦ શ્રેણીમાં હાર સાથે શ્રેણીનો અંત આવ્યો હતો.

શ્રેણીની પ્રથમ ૨ મેચ યજમાન વિન્ડીઝે જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પુનરાગમન કર્યું અને આગામી બે મેચ જીતીને શ્રેણી ૨-૨થી બરાબર કરી લીધી. પરંતુ પાંચમી મેચમાં તેમને ૮ વિકેટથી ખરાબ હારનો સામનો કરવો પડયો હતો અને આ રીતે ભારતીય ટીમ આ શ્રેણી પણ ૨-૩થી હારી ગઈ હતી.

આ સમગ્ર શ્રેણીમાં હાર્દિક પંડયાની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. પંડયાની કંગાળ સુકાની છેલ્લી મેચમાં પણ જોવા મળી હતી. ટોસ જીત્યા બાદ તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. ટીમે માત્ર ૧૭ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (૫) અને શુભમન ગિલ (૯) વહેલા આઉટ થયા હતા.

આ પછી સૂર્યકુમાર યાદવે ૪૫ બોલમાં ૬૧ રનની અડધી સદીની ઇનિંગ રમીને ટીમને સંભાળી હતી. જેના કારણે ભારતીય ટીમે ૯ વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી રોમારીયો શેફર્ડે ૪ જ્યારે જેસન હોલ્ડર અને અકીલ હુસૈને ૨-૨ વિકેટ ઝડપી હતી.

આ હાર સાથે ભારતીય ટીમનો એક ઐતિહાસિક રેકોર્ડ પણ તૂટી ગયો છે. આ રેકોર્ડ ૫ મેચોની દ્વિપક્ષીય T20 શ્રેણીમાં અજેય રહેવાનો છે. વાસ્તવમાં ભારતીય ટીમ તેના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ૫ મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી હારી છે. ટીમ ઈન્ડિયાની પાંચ મેચોની આ 5મી દ્વિપક્ષીય શ્રેણી હતી.

આ પણ વાંચો :-