અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સૌથી પહેલો વીડિયો જે સામે આવ્યો હતો તે વીડિયો ઉતારનાર યુવકની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તે 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. સૌથી પહેલા રેકોર્ડ કરેલો વીડિયો જ સામે આવ્યો હતો. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વીડિયો ઉતારનાર 17 વર્ષીય સગીરનું નામ આર્યન અંસારી છે જેણે લક્ષ્મીનગર સ્થિત પોતાના મકાનની છત પરથી વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. હાલ પોલીસ આર્યનને પૂછપરછ માટે પોતાની સાથે લઇ ગઇ છે.
આર્યને કહ્યું હતું કે હું ગામડે રહું છું. મારા ગામ પાસેથી વિમાન ઉડતું નથી, એટલે ક્યારેય જોયું નહોતું. હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો અને પાસેથી વિમાન જતું હતું એટલે મને લાગ્યું કે વીડિયો ઉતારી લઉં અને મિત્રોને બતાવીશ. પ્લેન જઈ રહ્યું હતું તો મને લાગ્યું કે ત્યાં એરપોર્ટ છે, તો પ્લેન લેન્ડિંગ કરી રહ્યું છે. તે ત્યાં જઈને બ્લાસ્ટ થઈ ગયું. મેં વિચાર્યું પણ નહોતું. હું ડરી ગયો હતો. પછી મેં મારી બહેનને બતાવ્યું કે આ શું થયું છે.”
મહત્વનું છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા બપોર 1 વાગ્યા સુધી બધુ નોર્મલ સ્થિતિમાં હતું રોજબરોજની ક્રિયા ચાલતી હતી. બપોર 1.40 થયોને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વ હચમચી ગયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 1.38 વાગ્યે લંડન જવા એક ફ્લાઈટે ઉડાન ભરી હતી, જો કે ઉડાન ભર્યાના બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ પ્લેન મેઘાણીનગરમાં IGP કપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ સાથે જ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.