ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં બધુ સમુ સુથરું નથી

Share this story
  • ક્રમશઃ જુથવાદ ઊભો કરી રહેલાં નેતાઓને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભાજપને ભાંગી જતા વાર નહીં લાગે.
  • ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, પરંતુ ભાજપમાં આ વખતે જોવા મળેલા દૃશ્યો ક્યારેય પણ જોવા મળ્યાં નહોતા.
  • કેડરબેઝ પાર્ટીનાં નામે આગેવાનો, કાર્યકરોને ક્યાં સુધી શિસ્તમાં રાખી શકાશે? સહનશીલતાની હદ આવતા વિસ્ફોટ થતાં વાર નહીં લાગે.
  • વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂર્ગભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ઘણાં સમીકરણો બદલી નાંખશે. ગુજરાતમાં આમ આદમીનાં (Aam Aadami Party) પગ પેસારા કરતાં ભાજપની આંતરિક અહંમ્ અને વર્ચસ્વની લડાઈ ચૂંટણીની ચોપાટને વધુ રોચક બનાવી રહી છે. આ વખતે ટિકિટોની વહેંચણીમાં ભૂતકાળમાં નથી થયું એવી અનેક ઘટનાઓએ જન્મ લીધો છે. ભય એ વાતનો પણ છે કે ઉપરથી અકબંધ દેખાતા ભાજપમાં જુથનાં નામે નવા તડા પણ ઊભા થઈ શકે. તિરાડ પડવાની શરૂઆત ખુબ જ નાની ઘટનાથી થાય છે, પરંતુ આ પ્રારંભિક તિરાડને સમયસર (Time to crack) પુરવામાં નહીં આવે તો આગળ જતાં મોટું ભંગાણ પડી શકે.

ભાજપમાં ઉપર ઉપરથી બધુ સાફ સુથરું લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. નેતાઓમાં સળગતો દાવાનળ દિવસો બાદ કાર્યકરોમાં પણ ભડકવાનો ભય આકાર લઈ રહ્યો છે.

ગુજરાત ભાજપનાં અધ્યક્ષપદે સી.આર. પાટીલની વરણી, વિજય રૂપાણી સરકારનું પતન, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના આ ત્રણ ત્રણ મહત્ત્વની અને કોઈએ કલ્પના પણ કરી નહીં હોય એવી આંચકાજનક ઘટનાઓ સાવ સામાન્ય અને સહજ ઘટનાઓ નથી.

એક કામ કરતી આખી સરકારને રાતોરાત ઉથલાવીને ફેંકી દેવી અને કોઈની કલ્પના પણ નહીં હોય ભૂપેન્દ્ર પટેલની સરકારની રચના કરવી આ બધુ થવા પાછળ ભાજપનાં ભૂગર્ભમાં કોઈ ચોક્કસ દાવાનળ ભડકી રહ્યો હોવાના સંકેત આપી રહ્યો છે.

પરંતુ ભાજપની ટોચની નેતાગીરી આ ઘટનાઓને પક્ષની એક સામાન્ય અને રાબેતા મુજબની ઘટના ગણાવી રહી છે. પક્ષમાં ખરેખર બધુ સમુ સુથરું ચાલતુ હતું તો રૂપાણી સરકારને વિખેરી નાંખવાની શા માટે જરૂર પડી? આ સવાલનો જવાબ ભાજપ નેતાગીરી સહિત કોઈની પાસે પણ નહીં હોય. આનાથી આગળ વધીને ભૂપેન્દ્ર પટેલની સરકાર પક્ષનાં એજન્ડા પ્રમાણે કામ કરતી હતી તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર લગામ કસવાની જરૂર જ ક્યાં હતી? પક્ષની નેતાગીરીનાં ઈન્કાર વચ્ચે પણ લોકો અને કાર્યકરો સમજી ચૂક્યા છે કે, પક્ષમાં બધું જ ઠીક નથી. ક્યાંકને ક્યાંક અસંતોષ અને સર્વોપરિતાની લડાઈ હાવી થવા પ્રયત્ન કરી રહી છે.

આ બધુ થવાથી સરવાળે ગુજરાતની પ્રજાનાં જનમાનસમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. કારણ કે, ભાજપમાં યાદવાસ્થળીની ઘટનાઓ ભાગ્યે જ બનવા પામે છે અને એટલે જ ભાજપનો કાર્યકર આઘાત અનુભવી રહ્યો છે. કાર્યકરોને મજબૂરીવશ જુથવાદમાં વહેંચાવું પડી રહ્યું છે. ભાજપ નામે એક ગણાતા કાર્યકરો હવે જુથના નેતાનાં નામથી ઓળખાઈ રહ્યાં છે અને આ જુથવાદને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભાજપને પણ ટુકડામાં વહેંચાઈ જતા વાર નહીં લાગે.

પક્ષ મોટો થયો, રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં આવવાથી ભાજપના કાર્યકર તરીકે દરેક ગર્વ અનુભવે એ સ્વભાવિક છે અને પક્ષનાં કાર્યકરને પણ ગર્વ થવો જ જોઈએ. પરંતુ સમગ્ર ભાજપને એક પરિવારની નજરે જોનારા કાર્યકરને કોઈ નેતાના જુથનાં નામે ઓળખ આપવી પડે ત્યારે એ સ્થિતિ ખરેખર આઘાતજનક હોય છે અને ભાજપ નેતાગીરી આ વાત નહીં સ્વીકારે પણઆવી સ્થિતિ આકાર લઈ રહી છે.

ભૂતકાળમાં કોંગ્રેસનાં નેતાઓ જ કોંગ્રેસના ઉમેદવારને હરાવતા હતા. આ સ્થિતિ રોકવામાં નહીં આવતા આજે સ્થિતિ એવી છે કે, કોંગ્રેસને મજબૂત ઉમેદવાર મળતા નથી. અરે! ઉમેદવારની વાત છોડો, ચૂંટણી લડવા માટે પુરતુ ફંડ પણ નથી!!

આવી સ્થિતિ ભાજપની પણ થઈ શકે. સિવાય કે નેતાગીરી દ્વારા સમયસર જુથવાદનાં દાવાનળને ડામી દેવામાં આવે અથવા તો પક્ષમાં જુથવાદનાં ‘સડા’ની શરૂઆત કરનાર લોકોને સમયસર ઓળખી લેવામાં આવે. ‘સડ્યુ ત્યાંથી કાપી નાંખવું’ આ ગુજરાતી કહેવત મુજબ પક્ષની એકતા અને સ્વાભિમાનતાને લૂંણો લગાડી રહેલા લોકોને તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ભલે ગમે તેટલો શક્તિશાળી પક્ષ હોય, પરંતુ ભાંગીને ભુક્કો થઈ જતા વાર નહીં લાગે.

કારણ આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનાં ‘પર્યાય’ બની ગયા છે. ભાજપ પાસે ‘વોટ બેંક’ છે. કારણ કે, ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે. પરંતુ નરેન્દ્ર મોદીનાં કરિશ્માને જીવંત રાખવા ભાજપ કાર્યકરોનો પક્ષમાં અને નેતાગીરીમાં મીનમેખ વિશ્વાસ હોવા અનિવાર્ય છે.

આ વખતની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી દરમિયાન બનેલી ઘટનાઓએ ભાજપ માટે ચોક્કસ ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. ભૂતકાળમાં પણ અનેક ચૂંટણીઓ આવી અને ભાજપ જીતતુ પણ આવ્યું છે, પરંતુ આ વખત જેટલો અસંતોષ ભૂતકાળમાં ક્યારે પણ જોવા મળ્યો નહોતો. કારણ કે, ભાજપમાં એક રાગીતા હતી. ભાજપ કેડરબેઝ એટલે શિસ્તબદ્ધ પાર્ટી હોવાના નામે કાર્યકરો ક્યાં સુધી અન્યાય અને જોહુકમી સહન કરતા રહેશે? અને સહનશીલતાની હદ આવશે ત્યારે વિસ્ફોટ થતા વાર નહીં લાગે.

ભૂતકાળમાં શંકરસિંહ અને કેશુબાપાએ બંડ પોકાર્યા હતા, પરંતુ એ સમયના વિદ્રોહ પાછળ ચોક્કસ વ્યક્તિની સત્તા લાલસા કારણભૂત હતી. પરંતુ બદલાયેલા સંજોગોમાં કાર્યકરોને જુથવાદમાં ઘસડી જવાની આકાર લઈ રહેલી સ્થિતિ ભાજપનાં ભવિષ્ય માટે ઘાતક પુરવાર થઈ શકે. ગુજરાતમાં ખરેખર સ્થિતિ નિયંત્રણમાં અને સંતોષકારક હોત તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દિવસો સુધી ગુજરાતમાં પડાવ નાંખવાની જરૂર જ ક્યાં હતી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઉપરાછાપરી સભાઓ અને કાર્યક્રમો કરવાની જરૂરિયાત ઊભી થઈ ન હોત, પરંતુ આ બધુ થઈ રહ્યું છે એજ બતાવે છે કે, ગુજરાત ભાજપમાં બધુ હેમખેમ નથી.

અલબત્ત હજુ એવી સ્થિતિ નથી કે, રિપેરિંગ કરી શકાય નહીં. થોડા લોકોની મનની વાત અને અન્યાયને સમજવાની કોશિષ કરવામાં આવે તો ગુજરાતમાં હજુ ભાજપની સ્થિતિ મધ્યાહનનાં સૂર્યથી જરા પણ દૂર નથી.

આ પણ વાંચો :-