અજીત અગરકર બન્યો ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર, બીસીસીઆઈએ કરી જાહેરાત

Share this story
  • પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકરની અખિલ ભારતીય સિનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. બીસીસીઆઈએ આ જાહેરાત કરી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત અગરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બની ગયા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે તેની સત્તાવાર જાહેરાત કરી છે. અગરકર, અશોક મલ્હોત્રાની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ની સાથે વર્ચુઅલ ઈન્ટરવ્યૂમાં સામેલ થયા.

ત્યારબાદ તેની વરિષ્ઠ પુરુષ પસંદગી સમિતિના અધ્યક્ષના રૂપમાં નિમણૂંકને મંજૂરી મળી ગઈ. નોંધનીય છે કે ચેતન શર્માના રાજીનામા બાદ ચીફ સિલેક્ટરનું પદ ખાલી હતું. બોર્ડે હાલમાં અરજી મંગાવી હતી. અગરકરે જ્યારે આ પદ માટે અરજી કરી. ત્યારે તેમને રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા હતા.

અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. અગરકર 1998થી 2007 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 349 વિકેટ ઝડપી હતી અને આ દરમિયાન 1855 રન બનાવ્યા હતા. અગરકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી પણ નોંધાયેલી છે.

અગરકર આ પહેલા દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજીત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજીત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.

પગારમાં વધારો :

એવા પણ અહેવાલ હતા કે પસંદગીકારના ઓછા પગારને કારણે કોઈ મોટો ખેલાડી આ પદ માટે અરજી કરવા માંગતો નથી. એવું પણ જાણવા મળ્યું હતું કે વીરેન્દ્ર સેહવાગે તેના ઓછા પગારને કારણે મુખ્ય પસંદગીકાર બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

આ બાબતોને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા મુખ્ય પસંદગીકારની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરને બીસીસીઆઈ તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે. બાકીના પસંદગીકારોના પગારમાં પણ બીસીસીઆઈ તરફ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-