No e-memo fillers
- ઇ-મેમો નહીં ભરનાર સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરતા એક જ દિવસમાં 10 હજાર લોકોને નોટિસ ફટકારી છે. નોટિસ બાદ ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરાશે.
ઇ-મેમો (E-memo) નહીં ભરનાર સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) બાદ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી છે. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી. 26 જૂને લોક અદાલતમાં (Lok Adalat) ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી થશે. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.
રાજ્યમાં ઈ-મેમો ન ભરનારા સામે FIR કરવાની ગુજરાત હાઇકોર્ટની ટકોર :
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટ્રાફિક નિયમોને કડક બનાવવા ગુજરાત હાઇકોર્ટે પણ ઇ-મેમો ન ભરનારા વિરૂદ્ધ ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’
અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી :
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાની સાથે મોટા ભાગના સગીરો ટુ-વ્હીલર વાહનો લઈને શાળાએ જતા થયા છે. જેને લઈને અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ સ્કૂલ અને કોલેજ પાસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જે ટ્રાફિક ડ્રાઈવમાં સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ-વ્હીલર હાંકતા ઝડપાશે તો તેની પાસેથી 2 હજારનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ટુ-વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા ઝડપાશે તો રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે પ્રથમ વખત ડાર્ક ફિલ્મ લગાવેલી કાર ઝડપાશે તો 500 રૂપિયા અને બીજી વખત ઝડપાશે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે.