છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 4 દિવસ સુધી વરસાદ ખાબકશે, જુઓ આજે ક્યાં પડશે

Share this story

Keep an umbrella-raincoat ready

  • હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો :

અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું :

વધુમાં જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઢડાના ઢસા, પાટણા અને ભંડારીયા સહિતના ગામડાઓમાં ભારે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.