અમદાવાદની રામોલ પોલીસ પોક્સોના કેસની તપાસ અર્થે લુધિયાણા જઈ રહી હતી તે દરમિયાન હરિયાણાના સિરસા જિલ્લામાં તેમની બોલેરો કાર એક વાહન સાથે અથડાઈ હતી. જેમાં ડૉમગાર્ડ, પોલીસ કોન્સ્ટેબલ અને ખાનગી ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. જ્યારે પીએસઆઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આઈ ડિવિઝનના એસીપી હરિયાણા જવા નીકળ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પીએસઆઈ જે.પી.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર ગુજરાત પોલીસની કાર લઈને લુધિયાણા એક પોક્સો કેસની તપાસ અર્થે જઈ રહ્યા હતા. કાર ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ ચલાવી રહ્યાં હતા.
આજે વહેલી સવારે હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા હાઇવે પર તેમની કાર એક ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત અને હોમગાર્ડ રવિન્દ્રનું મોત નીપજ્યું હતું.જયારે પીએસઆઈ સોલંકીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
હરિયાણામાં ગુજરાત પોલીસની કારને અકસ્માત નડયો હોવાની જાણ થતાં અમદાવાદ પોલીસને આઈ ડિવિઝનના એસીપી તથા એક પીએસઆઈ ત્વરિત ધોરણે હરિયાણા પહોંચી રહ્યાં છે. બનાવ અંગે રામોલ પોલીસ અને ગુજરાત પોલીસના અધિકારીઓ હાલની સ્થિતિની વિગતો મેળવી રહ્યાં છે. અકસ્માતમાં પોલીસકર્મીઓના મોતના અહેવાલ મળતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.