અમદાવાદમાં એક કલાક માટે લોકડાઉન લાગ્યું, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો, લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા

Share this story

Ahemdabad Police Lockdown Mockdrill

  • Ahemdabad Police Lockdown Mockdrill : કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે, સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

લોકડાઉન (Lockdown) શબ્દ સાંભળીને જ લોકો ગભરાઈ જાય છે. બે વર્ષ પહેલા પહેલીવાર લગાવવામા આવેલ લોકડાઉનમાં લોકો ત્રણ મહિના સુધી ઘરમાં પૂરાયા હતા. કેટલાકને ખાવાના ફાંફા પડ્યા હતા. પરંતુ હવે દરેક વ્યક્તિ એવુ ઈચ્છે છે કે લોકડાઉન ન લાગે. ત્યારે બુધવારની રાતે એક કલાક માટે અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ થંભી ગયા હતા. શહેર એકાએક લોક થયું હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. લોકોને સમજાયુ ન હતું એ આખરે શું થઈ રહ્યુ છે, ત્યારે લોકોને શ્વાસ થંભી ગયો હતો. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ એક કલાક માટે લોકો જ્યા હતા ત્યાં તેમને રોકી દેવાયા હતા.

રાત્રે 11.30 વાગ્યે થંભી ગયું હતું શહેર :

કન્ટ્રોલ રૂમથી મેસેજ આવ્યો હતો કે સિલ્વર કલરની કારમાં ચાર લોકો ભાગી રહ્યા છે. તેમનો તાત્કાલિક પીછો કરવામા આવે. આ મેસેજ આવતા જ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દોડતા થયા હતા. ગણતરીની મિનિટમાં પોલીસની ફોજ નાકાબંધીના કામમા લાગી ગઈ હતી, અને પોલીસ ચેકિંગમાં ગોઠવાઈ ગઈ હતી. તાત્કાલિક બેરિકેડ્સ મૂકાયા હતા. લોકોને અટકાવી દેવાયા હતા. ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવુ લાગ્યુ હતું.

આખરે આ કેમ થઈ રહ્યુ છે તો લોકોને સમજાયુ ન હતું, પણ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે તેવી વાતો વહેતી થઈ હતી. નાકાબંધી બાદ વાહનોનું ચેકિંગ અને પૂછપરછ વધારી દેવાયુ હતું. દરેક વાહનોને ચેક કરવામા આવ્યા હતા. આખુ શહેરમાં રાતે 11.30 વાગ્યાની આસપાસ પોલીસે બાનમાં લીધુ હતું. આખરે પકવાન ચાર રસ્તા પાસે આ કાર મળી આવી હતી, જેથી પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આખરે શું હતું આ…

આ વિશે ગુજરાત પોલીસે ખુલાસો કર્યો હતો કે, તે પોલીસ કામગીરીને ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલ હતી. જેને લોકડાઉન પ્રોસેસ કહેવાય છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા મળે છે. પોલીસ કેટલી એલર્ટ છે તે આ પ્રોસેસ થકી જાણી શકાય છે. સાથે જ 1 જુલાઈએ જગન્નાથ યાત્રા યોજાવાની છે, તેમાં અગમચેતીના ભાગરૂપે આ પ્રક્રિયા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પોતાની જ ટીમને દોડતી કરવા માટે આ એક લોકડાઉન મોકડ્રીલ હતી, પોલીસે પકવાન પાસેથી પકડેલી સિલ્વર કારમાંથી પોલીસ કર્મીઓ જ નીકળ્યા હતા.