મિસાઇલ-ડ્રોન હુમલો બાદ ભારતે અરબ સાગરમાં ૩ યુદ્ધ જહાજ તૈનાત કર્યા

Share this story

ગુજરાત નજીક અરબ સાગરમાં હાઇઍલર્ટની સ્થિતિ છે. વાત જાણે એમ છે કે, અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં ૩ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. નેવીએ આ વિસ્તારમાં યુદ્ધજહાજ INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા તૈનાત કરી છે. નેવીએ કહ્યું છે કે, લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P૮I પણ તૈનાત કરવામાં આવ્યું છે.

US સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શનિવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે દક્ષિણ લાલ સમુદ્રમાં તેલ વાહક જહાજ MV સાંઈબાબા પર એન્ટી શીપ બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અમેરિકાએ કહ્યું હતું કે હૂતી કંટ્રોલ ધરાવતા યમન તરફથી આ મિસાઇલ છોડવામાં આવી હતી. આ જહાજ મધ્ય આફ્રિકન દેશ ગેબોનની એક કંપનીનું હતું, તેમજ જહાજ પર ગેબોન દેશનો ધ્વજ લગાવેલો હતો. જહાજમાં કાચું તેલ લઇ જવાઇ રહ્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

લાલ સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલા અંગે ભારતીય નૌસેનાએ પોતાનું નિવેદન જારી કર્યું છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ હુમલાની વાત તો સ્વીકારી હતી પરંતુ જહાજ પર ભારતીય ધ્વજ હોવાની વાતને નકારી કાઢી હતી. આ હુમલો યમનના સલીફ બંદરથી લગભગ ૪૫ નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં બાબ અલ-મંડબ સ્ટ્રેટની નજીક થયો હતો. વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે જહાજનું વિશ્લેષણ પૂર્ણ કર્યા પછી વિવિધ એજન્સીઓએ સંયુક્ત તપાસ શરૂ કરી. અધિકારીએ કહ્યું કે, અરબી સમુદ્રમાં વ્યાપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ત્રણ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-