રાજકોટમાં વિવાદ બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજના કુળદેવીના દર્શન કરી ચૂંદડી ચઢાવી

Share this story

લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી હતી.

News18 Gujarati

આ મામલે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી જાડેજાએ કહ્યું કે, આગામી ૬ અને ૭ એપ્રિલના રોજ રાજકોટ ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે. જેમાં આશરે ૫ લાખ લોકો હાજર રહેશે. અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પરસોત્તમ રૂપાલાને રાજકોટ નહીં પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે અન્ય કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી. અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા સાહેબ સામે છે.

ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક માટે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સી.આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપુત, આઈ.કે જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી પણ બેઠકમાં હજાર છે.

રાજકોટમાં અત્યારે પોસ્ટર વૉર શરૂ થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાની ટિપ્પણીને પગલે ક્યાંક વિરોધ તો ક્યાંક તેમના સમર્થનમાં પોસ્ટર લગાવાયા હતા. આ વચ્ચે આચારસંહિતા ભંગનો આરોપ લાગતાં તંત્રએ તાત્કાલિક ધોરણે રૂપાલાના સમર્થનમાં લગાવેલા પોસ્ટરો હટાવવાની ફરજ પડી હતી. સ્પીડવેલ પાર્ટી પ્લોટ તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પોસ્ટરો વધુ જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના નિર્દેશને પગલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ રૂપાલાએ રાજકોટમાં લોક સંપર્ક અભિયાન ચલાવ્યું હતું.

આ પણ વાંચો :-