Tuesday, Apr 29, 2025

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, ૧૮ લોકોના મોત, ૨૦થી વધુ ઘાયલ

2 Min Read

ઉન્નાવમાં લખનઉ-આગરા એક્સપ્રેસ વે નજીક બુધવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેહટા મુજાવર ક્ષેત્રમાં ગઢા ગામ નજીક એક સ્લીપર બસ તેની આગળ ચાલતા દૂધના ટેન્કરમાં ઘૂસી ગઇ હતી. દુર્ઘટનામાં એક બાળક સહિત ૧૮ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જોકે ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. એસડીએમ નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીએચસીમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરોને પણ સારવારમાં ઝડપ દાખવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ડબલ ડેકર બસ (UP૯૫ T ૪૭૨૦) બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કરવા જતાં ધડાકા સાથે બસ સાથે અથડાઇ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ડબલ ડેકર બસ ઘણી વખત પલટી ગઈ અને બે ભાગમાં તૂટી ગઈ. આ ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ ૧૮ લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે.

આ પણ વાંચો :-

Share This Article