નસીબ અને સમયનો ‘ખેલ’ઃ ભાજપના મુકેશ દલાલની જીતનો માર્ગ આસાન બનાવી દીધો

Share this story
  • કોંગ્રેસના ‌નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર કઈ રીતે રદ્દ થયું? શા માટે રદ્દ કરાયું? તેના દેખીતાં કારણો ઉપરાંત ઘણાં કારણો હશે પરંતુ ઘણી વખત નજર સામે દેખાતા સત્યને પણ કાયદાની કોર્ટમાં પુરવાર કરી શકાતું નથી
  • ભાજપનો પાયો નાંખવામાં સિંહફાળો આપનાર સુરતના કાશીરામ રાણા, સી.આર. પાટીલ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા અને હવે મુકેશ દલાલ સહિત અનેક નસીબના બળિયા પુરવાર થતા આવ્યા છે
  • કોંગ્રેસ પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહીલ ભલે ફૂંફાડા મારતા હોય પરંતુ પોતાનો સિક્કો જ ‘બોદો’ હોય તો પરિણામ ક્યાંથી મળવાનું!
  • પોલીસદળમાં ફરજ બજાવતા સી.આર. પાટીલને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેઓ એક દિવસ ભાજપમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે, સુરતના ડૉ.મુકુલ ચોક્સીના પિતા અને જ્યોતિષશાસ્ત્રમાં નિપુણ મનહરલાલ ચોક્સીએ સી.આર. પાટીલના રાજયોગ અંગે જ્યારે સી.આર. પાટીલ કંઈ જ નહોતા ત્યારે જ્યોતિષ ભાખ્યું હતું અને પાટીલ રાતોરાત સાંસદ બની ગયા હતા
સુરત બેઠકના ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ ખરેખર નસીબના બળિયા છે. તેઓ જાહેરજીવનમાં આવ્યા તે દિવસથી આજપર્યન્ત પાછીપાની કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી. સુરત પીપલ્સ બેંકનું ચેરમેનપદ અને સુરત મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિનું ચેરમેનપદ સંભાળી ચૂકેલા મુકેશ દલાલ હંમેશા ‘બેદાગ’ રહ્યાં છે. આમ તો સુરતના મોટાભાગનાં ભાજપના રાજકીય આગેવાનોની કારકિર્દી સફળતાથી ભરેલી રહી છે. કાશીરામ રાણા, નરોત્તમ પટેલ, પ્રવીણ નાયક, સી.આર. પાટીલ, દર્શના જરદોશ, પૂર્ણેશ મોદી અને હવે મુકેશ દલાલ આ એવા લોકો છે કે, જેઓ સતત લોકપ્રિય રહ્યાં છે. ચૂંટણી જીતવા માટે કોઈ કાવાદાવા કરવાની જરૂર પડી નથી. આ પૈકી સી.આર. પાટીલ તો સ્થાનિક ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બની ગયા હતા અને ત્રણ  ટર્મથી સુરત સહિત દ.ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. સી.આર. પાટીલનું નસીબ એટલુ બળિયુ છે કે, ભલભલા વિવાદોમાંથી પણ તેઓ આરપાર નીકળી ગયા છે. ભાજપની ટોચની નેતાગીરીનાં ગજગ્રાહમાં પણ સી.આર. પાટીલનો વાળ વાંકો થયો નથી. બલ્કે પક્ષમાં તેમનું પ્રભુત્વ વધારે મજબૂત બનીને ઊભરી આવ્યું છે. સી.આર. પાટીલ પોલીસદળમાં નોકરી કરતાં હતાં ત્યારે કદાચ કોઈને ખ્યાલ પણ નહીં હોય કે તેઓ એક દિવસ કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં હશે.
અલબત્ત જ્યારે પણ સી.આર. પાટીલની વાત આવે ત્યારે સુરતના જાણીતા તબીબ મુકુલ ચોક્સીનાં પિતા મનહરલાલ ચોક્સીને યાદ કરવા પડે. મનહરલાલ ચોક્સી વ્યાવસાયિક જ્યોતિષ નહોતા પરંતુ તેમનું જ્યોતિષ અંગેનું જ્ઞાન અદ્‍ભુત હતું.
સી.આર. પાટીલનાં ‘રાજયોગ’ અને રાજકીય નેતૃત્વ અંગે તેમણે ભવિષ્યવાણી કરી હતી તે આજે અક્ષરશઃ સાચી પડી રહી છે. સી.આર. પાટીલ સાથે સંકળાયેલા તેમના મિત્રોએ પણ કલ્પના કરી નહીં હોય કે સી.આર. પાટીલ રાજકીય જીવનમાં સર્વોચ્ચ સ્થાને બેઠા હશે. જ્યારે ભાજપનું વિપક્ષમાં પણ મહત્ત્વનું સ્થાન નહોતું એ સમયે સી.આર. પાટીલ ભાજપમાં જોડાયા હતા અને સ્થિતિ એવી હતી કે, સી.આર. પાટીલનું સ્થાન પાછલી હરોળમાં રહેતું હતું. સુરતમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, ચંપક સુખડિયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઈ, કિશોર વાંકાવાળા, ડૉક્ટર અશોક, નરેન્દ્ર ગાંધી, પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાળા જેવા અનેક લોકોને યશ આપી શકાય, પરંતુ સી.આર. પાટીલની સક્રિયતા બાદ સુરત અને દ‌િક્ષણ ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનીને ઊભરી આવ્યો છે. પક્ષમાં ઘણાં લોકોની નારાજગી અને રાજીપા વચ્ચે પણ સી.આર. પાટીલ સફળ સુકાની પુરવાર થઈ રહ્યા છે અને હવે ચોથી વખત સિનિયર સાંસદ સભ્ય તરીકે લોકસભામાં સ્થાન જમાવશે.
ખેર, મુકેશ દલાલ ખૂબ આંતરમુખી પ્રતિભા છે. નખશિખ સુરતી અને બળવાખોરી કે વિરોધ કે વિવાદથી હંમેશા દૂર રહેવામા માનતા મુકેશ દલાલ પણ ચોક્કસ નસીબનાં બળિયા કહી શકાય, અન્યથા કોઈપણ ભલામણ કે દોડધામ કર્યા વગર ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવે એવું શક્ય બને નહીં, વળી લોકસભાની સુરત બેઠક ભાજપ માટે તેમની પસંદગી કરવાની ઘટના ખરેખર આશ્ચર્યજનક કહી શકાય. વળી કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની ઘટના પણ ઘણાં લોકોને ઈર્ષા આવે એવી ઘટના કહી શકાય.
સુરત બેઠક માટે મુકેશ દલાલની જીત નક્કી હતી જ, પરંતુ નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ મોરચો ખોલીને મુકેશ દલાલની જીતને સાવ સરળ અને આસાન બનાવી દીધી છે. બલ્કે કોઈ મજબૂત હરીફ મેદાનમાં રહ્યો નથી. એવું કહી શકાય કે, મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવવા જેવી સ્થિતિ સર્જાશે. ઘણાં લોકોએ તો મુકેશ દલાલને ભાજપનાં દેશનાં સૌપ્રથમ વિજેતા પણ જાહેર કરી દીધા હતા. આને નસીબ નહીં તો બીજુ શું કહી શકાય.
થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા ત્યારે એરપોર્ટ ઉપર મુકેશ દલાલ સાથે કેટલીક મિનિટ વાત કરવા સાથે મુકેશ દલાલે પહેરેલી ટોપી સીધી કરી આપી હતી. આ ઘટનાનું તે દિવસે વિશેષ મહત્ત્વ જણાયું નહોતુ પરંતુ જ્યારે સુરત બેઠકના ઉમેદવાર તરીકે મુકેશ દલાલને ‘ટોપી’ પહેરાવવામાં આવી ત્યારે સુરત એરપોર્ટ ઉપર બનેલી ઘટના તાજી થઈ આવી હતી. સાથે ૮૦ લાખની વસ્તી અને પરપ્રાંતીયોથી ઉભરાતા શહેરમાં ‘સુરતી’નું પ્રભુત્વ જાળવી રાખવાની ભાજપનાં નેતૃત્વએ કાળજી લીધી છે એવું ચોક્કસ કહી શકાય.
સુરત બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર રદ્દ થવા પાછળનાં ઘણાં તર્કવિતર્ક દોડાવવામાં આવી રહ્યાં છે. નીલેશ કુંભાણીની કોંગ્રેસમાંથી ઉમેદવારીની ઘટના બાદ આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં રાજીનામાની ઘટના પણ સૂચક હતી. આમ તો સૌરાષ્ટ્રવાસીઓનાં રાજકારણનાં આટાપાટાને ઓળખવા મુશ્કેલ છે. ઘણી વખત સાથે બેઠેલી વ્યક્તિ પીઠ પાછળ કેવા ખેલ કરતી હોય તેની કલ્પના કરી શકાય નહીં. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાનાં ‘આપ’માંથી નાટ્યાત્મક રાજીનામાની ઘટનાની સાથે જ કોઈક ‘રાજકીય ખેલ’ થવાની આશંકાઓ હતી જ અને નીલેશ કુંભાણીનાં ટેકેદારોએ રાતોરાત પોતે સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરીને રાજકીય ચિત્ર બદલી નાંખવા સાથે ભાજપના મુકેશ દલાલનો માર્ગ સાવ સરળ બનાવી દીધો હતો.
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીનાં હોંકારા પડકારા વચ્ચે સુરતમાં બનેલી ઘટના પાછળની ઘટનાઓનો કદાચ તેમને અંદાજ નહીં હોય. નીલેશ કુંભાણીનાં સગા બનેવી સહિત ત્રણ ટેકેદારોએ એફિડે‌િવટ કરીને પોતાની સહી કરી હોવાના ઈન્કાર પાછળ સ્વાભાવિક તર્કવિતર્ક થવાના જ. ચૂંટણી અધિકારીએ નીલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવાનો આપેલો ચુકાદો કાયદાની કોર્ટમાં પડકારવામાં આવે તો જ કદાચ સત્ય બહાર આવી શકે, પરંતુ રાજકીય લડાઈમાં નજર સામે દેખાતા સત્યને ઘણીવાર પુરવાર કરી શકાતુ નથી. વળી નીલેશ કુંભાણી પોતાનું ફોર્મ રદ્દ કરવામાં આવે ત્યાર પહેલા જ કલેક્ટર કચેરી છોડીને નીકળી ગયા હતા. આ ઘટનાને પણ ઘણાં લોકો સૂચક માની રહ્યાં છે.
બીજી તરફ કોંગ્રેસનાં પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાના તડાકા મારતા હોય, પરંતુ પોતાનો જ રૂપિયો ‘બોદો’ હોય ત્યારે માત્ર ફૂંફાડા મારવા સિવાય કંઈ જ હાથમાં આવશે નહીં.