એશિયાઈ સિંહોના નિવાસસ્થાન તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પરથી ફરી એક વખત માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહેલા 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરીને તેને જંગલ તરફ ખેંચી ગયો હોવાનું સામે આવ્યું છે.
યાત્રા દરમિયાન અચાનક થયો સિંહનો હુમલો
મળતી વિગતો મુજબ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનારના દર્શનાર્થે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પ:00 વાગ્યે જ્યારે પરિવાર ગિરનારના પગથિયાં ચડી રહ્યો હતો, ત્યારે મુખ્ય ગેટથી આશરે 40 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ ઘાટા અંધારામાંથી અચાનક એક સિંહ આવીને પાછળથી ૧૨ વર્ષના મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર તરાપ મારી હતી. બાળકના કાકાના જણાવ્યા અનુસાર, ઘટના એટલી ઝડપથી ઘટી કે સિંહ ક્ષણભરમાં જ બાળકને તેમના હાથમાંથી આંચકીને જંગલ તરફ ભાગી ગયો હતો અને પરિવાર કંઈ સમજે તે પહેલાં જ અદ્રશ્ય થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, પોલીસ કાફલો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. કલાકોની જહેમત બાદ વન વિભાગને જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક ટુકડા (અવશેષો) મળી આવ્યા હતા, જેને જોઈને પરિવાર પર આભ ફાટી પડયું હતું. આ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા ગિરનારની મુખ્ય સીડી તરફ જતો રસ્તો યાત્રિકો માટે હંગામી ધોરણે બંધ કરી દીધો છે અને હુમલો કરનાર સિંહને પકડવા માટે જંગલ સરહદે પાંજરા ગોઠવી દીધા છે.
ગિરનાર પર્વત માત્ર યાત્રાધામ જ નહીં પરંતુ વન્યજીવ અભયારણ્યનો પણ મહત્વનો ભાગ છે. છેલ્લા કેટલાક સમયથી અહીં માનવ વસાહતો અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
બનાવની ગંભીરતાને જોતા વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હવે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી આવવા-જવા માટે સૂચના આપવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં સિંહની શોધખોળ શરૂ કરાઈ છે.