Saturday, Jul 11, 2026

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓને લઈ જતી નૌકા ડૂબી જતા 18 લોકોના મોત

4 Min Read

ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક બોટ વિયેતનામ નજીક ડૂબી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અંગે હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર નિવેદન જાહેર કરીને રાહત અને બચાવ કામગીરી અંગે માહિતી આપી છે. અસરગ્રસ્તોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે, જ્યારે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી
હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, “થોડા કલાકો પહેલા વિયેતનામના ફુ ક્વોક દ્વીપ નજીક બનેલી એક દુઃખદ ઘટનામાં અનેક ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા હાલ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને બોટમાં સવાર લોકોની સંખ્યા અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે હો ચી મિન્હ સિટીમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.”

પ્રવાસીઓને લઈ જતી સ્પીડબોટ ક્યાં પલટી ગઈ?
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. સ્થાનિક સમય મુજબ શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે ઓશન પિયર આઇલેન્ડ કંપની (Ocean Pear Island Company) દ્વારા સંચાલિત સ્પીડબોટ હોન મે રટ (Hon May Rut) વિસ્તારમાંથી પ્રવાસીઓને લઈને એન થોઈ પોર્ટ (An Thoi Port) તરફ જઈ રહી હતી. ફુ ક્વોક એરપોર્ટથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા હોન મે રટ એન્ગ્વાઈ (Hon May Rut Ngoai) વિસ્તારથી લગભગ 400 મીટર દૂર બોટ પલટી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ બોટમાં સવાર તમામ લોકો સમુદ્રમાં પડી ગયા હતા.

બોટ દુર્ઘટના અંગે ભારતીય દૂતાવાસે શું કહ્યું?
ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે દુર્ઘટના સંબંધિત માહિતી અને મદદ માટે ભારતીય વાણિજ્ય દૂતાવાસના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાય છે. હેલ્પલાઇન નંબર જાહેર કરતાં દૂતાવાસે જણાવ્યું કે હનોઈમાં પણ એક અલગ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અકસ્માત સંબંધિત કોઈપણ પ્રકારની મદદ અથવા પૂછપરછ માટે આ તમામ નંબર ઉપલબ્ધ રહેશે.

આ નંબર પર કરી શકાય છે સંપર્ક

  • +84362817930
  • +84915523714
  • +84334520414
  • +84913089165 (હનોઈ)

બચાવ કામગીરીમાં કઈ મુશ્કેલીઓ આવી રહી છે?
દુર્ઘટના બાદ આસપાસથી પસાર થઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી અન્ય બોટો તરત જ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરીમાં જોડાયેલા એક બોટ માલિકે જણાવ્યું કે તેમની બોટ લગભગ પાંચ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, અનેક પ્રવાસીઓ પલટી ગયેલી બોટની અંદર ફસાઈ જવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. તેમણે જણાવ્યું કે માત્ર થોડા લોકોને જ જીવતા બહાર કાઢી શકાયા હતા.

દુર્ઘટના સમયે એન થોઈ નજીકનો સમુદ્ર ઉછાળાભર્યો હતો, જોકે તે સમયે વરસાદ પડી રહ્યો નહોતો. તે સમયે અન્ય પ્રવાસી બોટો પણ તે જ જળવિસ્તારમાં અવરજવર કરી રહી હતી.

ફુ ક્વોકમાં પ્રવાસનની સ્થિતિ કેવી છે?
અહેવાલ મુજબ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ફુ ક્વોકમાં લગભગ 57 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. પ્રવાસન વિભાગના અહેવાલ અનુસાર આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ લગભગ 30 ટકા વધુ છે અને આ વર્ષના લક્ષ્યના લગભગ 68 ટકા જેટલી છે.

દક્ષિણ પ્રાંત એન ગિયાંગ (An Giang)થી દૂર આવેલા વિયેતનામના સૌથી મોટા દ્વીપ ફુ ક્વોકમાં આ સમયગાળા દરમિયાન 13.2 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 50 ટકા વધુ છે.

Share This Article