Home Blog

કસાબ અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો? આ ખુલાસાથી બિગ બી પણ ચોંકી ગયા

૨૬/૧૧ના ભયાનક આતંકી હુમલાનો મુખ્ય ગુનેગાર અજમલ કસાબ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને મળવાના બહાને મુંબઈ આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં જ મનોરંજન અને રાજકીય વર્તુળોમાં સનસનાટી મચી ગઈ છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્ટેજ પર વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જ્યારે આ કિસ્સો શેર કર્યો, ત્યારે સ્વયં બિગ બી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમિતાભ બચ્ચને અત્યંત આકરો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, “જો કસાબ મને મળવા મારા ઘરે આવ્યો હોત, તો તે ત્યાંથી જીવતો પાછો જઈ શક્યો ન હોત અને તેને ત્યાં જ ગોળી મારી દેવામાં આવી હોત.”

રિયાલિટી શો દરમિયાન ૨૬/૧૧ કેસની કાનૂની લડાઈને યાદ કરતા ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, કસાબે અદાલત અને તપાસ એજન્સીઓને ગુમરાહ કરવા માટે અનેક જુઠા દાવા કર્યા હતા. કસાબે એવો પણ દાવો કર્યો હતો કે તે તો માત્ર અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે જ મુંબઈ આવ્યો હતો. આ ઉપરાંત પોતાની ઉંમર સગીર હોવાનો દાવો કરીને પણ તેણે કાનૂની કાર્યવાહીમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રાયલમાં લાગેલા સમય અંગે સમજાવતા ઉજ્જવલ નિકમે કહ્યું કે ભારતીય ન્યાય પ્રણાલી દરેક આરોપીને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી બચાવનો નિષ્પક્ષ અધિકાર આપે છે. તમામ પુરાવાઓ બાદ અંતે ૨૦૧૨માં કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

બીજી તરફ, ઉજ્જવલ નિકમના જીવન અને કાનૂની સફર પર આધારિત બાયોપિક ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવલ નિકમ’ પણ ભારે ચર્ચામાં છે. અવિનાશ અરુણના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ૧૬ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

મુંબઈમાં ITની મોટી કાર્યવાહી: બોલિવૂડ સાથે જોડાયેલા 12 સ્થળોએ સર્ચ, રકુલ પ્રીત સિંહ-વાસુ ભગનાનીના નામ ચર્ચામાં

શું બોલિવૂડની ઝાકઝમાળ અને ગ્લેમર પાછળ કાળા નાણાંનો કોઈ મોટો ગોટાળો છુપાયેલો છે? આજે મુંબઈ આવકવેરા (ઈન્કમ ટેક્સ) વિભાગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડક્શન હાઉસીસ અને દિગ્ગજ હસ્તીઓ પર અચાનક સપાટો બોલાવીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. ટેક્સ ચોરી અને શંકાસ્પદ વિદેશી લેવડ-દેવડના ગંભીર આક્ષેપો સાથે IT વિભાગે જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, પીઢ નિર્માતા વાસુ ભગનાની અને ‘પેનોરમા સ્ટુડિયોઝ’ સહિતના ૧૨ જેટલા સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ આક્રમક કાર્યવાહીએ સમગ્ર માયાનગરીમાં ડરનો માહોલ ઉભો કરી દીધો છે, અને સૌને એ વિચારતા કરી દીધા છે કે શું રૂપેરી પડદા પાછળ કોઈ કાળો કારોબાર ચાલી રહ્યો છે?

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ
આવકવેરા વિભાગની આ મોટી કાર્યવાહીથી ફિલ્મ જગતના ઘણા મોટા માથાઓ ઊંઘતા ઝડપાયા છે. પ્રાપ્ત માહિતી અને અહેવાલો અનુસાર, રકુલ પ્રીત સિંહ (જે વાસુ ભગનાનીના પુત્ર અને અભિનેતા જેકી ભગનાનીની પત્ની છે) અને વાસુ ભગનાનીના મુંબઈ સ્થિત વિવિધ દફ્તરો તેમજ રહેઠાણો પર તપાસ એજન્સી દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. આ દરોડાઓનો મુખ્ય ઉદ્દેશ્ય બોલિવૂડની ફિલ્મોના નામે વિદેશમાં ગેરકાયદેસર રીતે પૈસા મોકલવાના સંભવિત નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.

કેવી રીતે મળ્યા હતા IT વિભાગને ગુપ્ત ઈનપુટ્સ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્કમ ટેક્સ વિભાગને છેલ્લા લાંબા સમયથી એવી સચોટ માહિતી મળી રહી હતી કે, ફિલ્મોના શૂટિંગ, ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અને પ્રોડક્શન ફાઇનાન્સિંગના બહાને કરોડો રૂપિયાની જંગી રકમ વિદેશમાં મોકલવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓને પ્રબળ આશંકા છે કે આ સમગ્ર પ્રક્રિયામાં વ્યાપક સ્તરે ટેક્સની હેરાફેરી અને નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી છે.

૧૨ સ્થળો પર સઘન સર્ચ ઓપરેશન
હાલમાં મુંબઈ IT વિભાગની ડઝનબંધ ટીમો આ શંકાસ્પદ ફંડિંગના મૂળ સુધી પહોંચવા સક્રિય છે. તપાસકર્તાઓ હાલમાં કથિત વિદેશી લેવડ-દેવડના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ, હાર્ડ ડ્રાઈવ્સ અને બેંકિંગ વિગતોની ઝીણવટભરી ચકાસણી કરી રહ્યા છે.


બોલિવૂડમાં ફિલ્મોના બજેટ અને બોક્સ ઓફિસ કલેક્શન વચ્ચેના તફાવતો હંમેશાં વિવાદનો વિષય રહ્યા છે. કાગળ પર જે અધધ ખર્ચ દર્શાવવામાં આવે છે, વાસ્તવમાં તે નાણાંનો અન્યત્ર ઉપયોગ અથવા હવાલા મારફતે વિદેશ મોકલાતા હોવાની વાતો અગાઉ પણ ઉઠતી રહી છે. વાશુ ભગનાની જેવા મહારથી નિર્માતા અને ‘પેનોરમા સ્ટુડિયોઝ’ જેવી મોટી કંપનીઓ જ્યારે તપાસના ઘેરાવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર સમગ્ર બોલિવૂડની પારદર્શિતા પર પડે છે. જો આ દસ્તાવેજોમાં કોઈ મોટો ગોટાળો સાબિત થશે, તો આગામી દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસમાં મની લોન્ડરિંગના એન્ગલથી જોડાઈ શકે છે. અત્યારે સમગ્ર ઈન્ડસ્ટ્રીના શ્વાસ અદ્ધર છે!

‘અમને અહીંથી બચાવો…’ કેદારનાથમાં ફસાયેલા સુરતના યાત્રીઓની ગુજરાત સરકાર પાસે કરુણ અપીલ

શિવની નગરી કેદારનાથમાં આસ્થાના પૂર વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં હજારો શ્રદ્ધાળુઓ માટે ભક્તિનો આ માર્ગ હવે ભયાનક બની ગયો છે. કુદરતના આ કહેર વચ્ચે સુરતથી દર્શનાર્થે ગયેલા યાત્રીઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં અવિરત ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે સુરતના અલથાણ વિસ્તારના ૧૧ જેટલા નાગરિકો કેદારનાથમાં ફસાઈ ગયા છે. હાડ થીજવતી ઠંડી, ભયાનક ધુમ્મસ અને મોતનો ડર – આ ત્રિશંકુ પરિસ્થિતિ વચ્ચે અટવાયેલા પરિવારો માટે હવે એકમાત્ર આશા ગુજરાત સરકારની સક્રિયતા અને મદદ પર ટકેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના અલથાણ વિસ્તારમાંથી ૧૪ સભ્યોનું એક જૂથ ઉત્સાહભેર બાબા કેદારનાથના દર્શન માટે રવાના થયું હતું. જોકે, તેમનો આ આધ્યાત્મિક પ્રવાસ અચાનક કુદરતી આફતનો ભોગ બન્યો છે. કેદારનાથ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે યાત્રા અધવચ્ચે જ થંભી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક બચાવ કામગીરીમાં ૩ સભ્યોને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે. પરંતુ હજુ પણ આ જૂથના ૧૧ સભ્યો ખુલ્લા આકાશ નીચે, માત્ર સામાન્ય તંબુઓના સહારે કપરી પરિસ્થિતિમાં જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.

આ ભયાવહ સ્થિતિ વચ્ચે અલથાણના રંજનબેન પંચાલે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે, જેણે સૌને હચમચાવી દીધા છે. વીડિયોમાં તેઓ અત્યંત ભાવુક અવસ્થામાં અને ધ્રુજતા અવાજે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આંખમાંથી વહેતા આંસુઓ સાથે તેઓ કહી રહ્યા છે કે, “હું રંજન પંચાલ… અમે પરમ દિવસે કેદારનાથ પહોંચ્યા હતા. સતત વરસાદના કારણે અમે અહીં ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. મારી ગુજરાત સરકારને બે હાથ જોડીને અપીલ છે કે અમને અહીંથી સહીસલામત અમારા ઘરે પહોંચાડવામાં મદદ કરે. અમારા ગ્રૂપમાં બીજા પણ ઘણા લોકો છે, પ્લીઝ… અમને હેલ્પ કરો.” તેમણે વીડિયોમાં કેમેરો ફેરવીને પહાડો પર છવાયેલું ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં આશરો લઈ રહેલા અન્ય લાચાર યાત્રીઓની વાસ્તવિકતા પણ દર્શાવી છે.

સુરતમાં રહેતા તેમના પરિવારજનો સુધી આ વીડિયો પહોંચતા જ ઘરમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યાત્રીઓનો આક્ષેપ છે કે ઉત્તરાખંડના સ્થાનિક પ્રશાસન તરફથી તેમને કોઈ સંતોષકારક સહયોગ કે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી નથી. આવી વિકટ અને જીવલેણ સ્થિતિમાં પરિવારજનોએ મુખ્યમંત્રી અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને તાત્કાલિક ધોરણે ઉત્તરાખંડ સરકાર સાથે ઉચ્ચ સ્તરે સંકલન સાધવા અનુરોધ કર્યો છે.

હાલમાં ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જે રેસ્ક્યૂ ઓપરેશન અને હેલિકોપ્ટર ઉડાન માટે મોટો પડકાર છે. છતાં, ફસાયેલા તમામ ૧૧ ગુજરાતી નાગરિકોને વહેલી તકે એરલિફ્ટ કરી હેમખેમ વતન પરત લાવવામાં આવે, તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. કુદરતના આ ક્રોધ સામે ભલે માનવી લાચાર હોય, પરંતુ સરકારની સંવેદનશીલ અને ત્વરિત કાર્યવાહી આ પરિવારો માટે સંજીવની સાબિત થઈ શકે તેમ છે.

કરોડો મોબાઈલ યુઝર્સ માટે મોટા સમાચાર: TRAIએ રિચાર્જના નિયમોમાં કર્યો મહત્વનો ફેરફાર

0

જો તમે પણ દર 28 દિવસે તમારું મોબાઈલ રિચાર્જ પૂરું થઈ જવાની ઝંઝટ અને તેના કારણે થતા આર્થિક બોજથી કંટાળી ગયા છો, તો આ સમાચાર તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત લાવી દેશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન્સ, 2026’ લાગુ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના કરોડો મોબાઈલ યુઝર્સે હવે વર્ષમાં 13 વખત નહીં, પરંતુ માત્ર 12 વખત જ રિચાર્જ કરાવવું પડશે, જેનાથી તેમના ખિસ્સા પરનો વાર્ષિક બોજ નોંધપાત્ર રીતે ઘટશે.

અત્યાર સુધી રિલાયન્સ જિયો (Jio), એરટેલ (Airtel), બીએસએનએલ (BSNL) અને વોડાફોન આઇડિયા (Vi) જેવી પ્રમુખ ટેલિકોમ કંપનીઓ મહિનાના પ્લાન તરીકે 30 દિવસના બદલે માત્ર 28 દિવસની વેલિડિટી આપતી હતી. ગણિત સમજીએ તો, 28 દિવસની વેલિડિટીના કારણે 365 દિવસના એક વર્ષમાં ગ્રાહકોને અજાણતા જ એક વધારાનું એટલે કે 13મું રિચાર્જ કરાવવાની ફરજ પડતી હતી. નવા સુધારા મુજબ, હવે તમામ ટેલિકોમ ઓપરેટરોએ પૂરા 30 દિવસ તેમજ પૂરા કેલેન્ડર મહિનાની માન્યતા (જે દર મહિને એક જ તારીખે રિન્યુ થાય) ધરાવતા પ્રીપેડ પ્લાન ફરજિયાતપણે રજૂ કરવા પડશે. પરિણામે, ગ્રાહકોને દર વર્ષે આખા એક મહિનાના રિચાર્જ ભાડાની સીધી બચત થશે.

આ નવા નિયમોનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે કંપનીઓએ હવે ઇન્ટરનેટ ડેટા વગરના સસ્તા ‘Voice & SMS Only’ પેક્સ પણ માર્કેટમાં ફરજિયાત ઉતારવા પડશે. દેશમાં આજે પણ અંદાજે 30 કરોડથી વધુ લોકો સામાન્ય ફીચર કે કીપેડ ફોનનો ઉપયોગ કરે છે. વડીલો, ખેડૂતો અને ગ્રામીણ ગ્રાહકો કે જેમને 4G/5G ઇન્ટરનેટ ડેટાની કોઈ જ જરૂર નથી હોતી, તેમને અત્યાર સુધી બિનજરૂરી ડેટા માટે મોંઘો ચાર્જ ચૂકવવો પડતો હતો. માત્ર કોલિંગ અને SMS આધારિત આ સસ્તા પ્લાનથી આવા ગ્રાહકોને મોટી આર્થિક રાહત મળશે. સાથે જ જે લોકો બીજું સિમકાર્ડ માત્ર ઇનકમિંગ કોલ્સ કે બેંક OTP માટે ચાલુ રાખે છે, તેમના માટે પણ આ પ્લાન આશીર્વાદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, 28 દિવસની વેલિડિટી દ્વારા ગ્રાહકોના થતા આ પરોક્ષ આર્થિક શોષણ સામે સંસદમાં પણ ભારે વિરોધ નોંધાયો હતો.રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ 11 માર્ચ 2026ના રોજ સંસદમાં આ મુદ્દો ઉઠાવીને ગ્રાહકો માટે સસ્તા અને ડેટા વગરના વિકલ્પોની માંગ કરી હતી. તાજેતરમાં TRAI ના આ નિર્ણયને આવકારતા તેમણે આને સામાન્ય લોકોની મોટી જીત ગણાવી છે. એકંદરે, TRAI ના આ કડક અને ગ્રાહકલક્ષી પગલાંથી ટેલિકોમ ક્ષેત્રે પારદર્શિતા વધશે અને યુઝર્સને પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય રિચાર્જ પસંદ કરવાની વધુ સ્વતંત્રતા મળશે.

૩ વર્ષની બાળકીના લગ્નનો સોદો 25 લાખમાં! પાકિસ્તાનની આ ઘટનાએ ઊભા કર્યા ગંભીર સવાલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી માનવતાને શરમાવે અને કાળજું કંપી ઉઠે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. આજના આધુનિક યુગમાં જ્યાં માસૂમ બાળકોનું રક્ષણ થવું જોઈએ, ત્યાં એક કુરિવાજના નામે માત્ર ૩ વર્ષની બાળકીનો સોદો ૬૦ વર્ષના વૃદ્ધ સાથે કરી દેવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ વેપાર બીજા કોઈએ નહીં પરંતુ બાળકીના સગા પિતાએ ૨૫ લાખ પાકિસ્તાની રૂપિયા મેળવવાની લાલચમાં કર્યો હતો. જે વ્યક્તિ સાથે લગ્ન નક્કી થયા તે સંબંધમાં બાળકીનો જીજા થાય છે! સોશિયલ મીડિયા પર આ ઘટના સામે આવતાં જ ભારે જનરોશ ફાટી નીકળ્યો છે અને સમગ્ર વિશ્વમાં આ કુરિવાજની કડક ટીકા થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, બલૂચિસ્તાનના સરહદી શહેર ચમનમાંથી પોલીસે કાર્યવાહી કરીને બાળકીના પિતા અબ્દુલ બાકીની ધરપકડ કરી લીધી છે. અબ્દુલ બાકીએ પોતાની ૩ વર્ષની દીકરીના બદલામાં ૬૦ વર્ષના સલાહુદ્દીન પાસેથી ૨૫ લાખ પાકિસ્તાની રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ વ્યવહાર પશ્તૂન સમુદાયની ‘વાલવાર’ (દુલહનની કિંમત) નામે ઓળખાતી એક જૂની પરંપરા હેઠળ થયો હતો. આ રસ્મમાં વરપક્ષ દ્વારા કન્યાના પરિવારને નાણાં આપવામાં આવે છે. જોકે, પૂરી રકમ ચૂકવાય તે પહેલાં જ આ મામલો સ્થાનિક માનવાધિકાર કાર્યકરોના ધ્યાને આવી ગયો હતો, જેથી આ લગ્ન માત્ર કાગળ પર જ રહી ગયા હતા.

મોટી બહેનની હત્યા અને ભૂતકાળનો વિવાદ
આ કેસમાં એક ભયાનક ભૂતકાળ પણ સામે આવ્યું છે. પીડિત બાળકીની મોટી બહેનના લગ્ન સલાહુદ્દીનના પુત્ર સાથે થયા હતા. આરોપ છે કે તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ સલાહુદ્દીને પોતાના સસુર (અબ્દુલ બાકી) પાસે નાની દીકરીના લગ્ન પોતાની સાથે કરાવવાની માંગ કરી હતી અને આ જૂની પરંપરાનો સહારો લઈને ૨૫ લાખ રૂપિયામાં સોદો નક્કી કરી લીધો હતો.

સરકાર અને પોલીસની કડક કાર્યવાહી
બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગટીએ આ ઘટનાની ગંભીરતા જોઈને અધિકારીઓને ઔપચારિક ફરિયાદની રાહ જોયા વગર જ ત્વરિત કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. બલૂચિસ્તાન પોલીસના જેન્ડર મામલાના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઇસરા૨ અહમદના જણાવ્યા મુજબ, પોલીસે તરત જ પિતા અબ્દુલ બાકીને જેલભેગો કર્યો હતો, જ્યારે માસૂમ બાળકી અને તેની માતાને પોલીસ સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. હાલ ૬૦ વર્ષનો આરોપી સલાહુદ્દીન ફરાર છે અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ‘બલૂચિસ્તાન બાળ વિવાહ રોકથામ અધિનિયમ’ હેઠળ લગ્ન માટે લઘુત્તમ વય ૧૮ વર્ષ નક્કી કરાઈ છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ દોષિતને ૩ વર્ષની જેલ અને ૧ લાખથી ૨ લાખ પાકિસ્તાની રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

ઉત્તરાખંડમાં કુદરતનો કહેર! ચારધામ યાત્રા વચ્ચે 15 હજારથી વધુ યાત્રાળુઓ અટવાયા

0

પહાડો પર કાળ બનીને વરસી રહેલી આકાશી આફતે પવિત્ર ચારધામ યાત્રાની ગતિ સ્તબ્ધ કરી દીધી છે. ઉત્તરાખંડમાં અવિરત મુશળધાર વરસાદ અને જગ્યા જગ્યાએ ભેખડો ધસી પડવાના કારણે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માર્ગો પર ૧૫,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અને ટ્રેકર્સ અટવાઈ ગયા છે. ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને મુખ્ય હાઇવે કાટમાળ હેઠળ દટાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે છ હેલિકોપ્ટર અને NDRF-SDRFની ટુકડીઓ સાથે હિમાલયના દુર્ગમ ખૂણાઓમાં ફસાયેલા લોકોને ઉગારવા યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા રેડ અને ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા માટે ચારધામ યાત્રા અને ટ્રેકિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકાવી દીધી છે. રુદ્રપ્રયાગ અને કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલનને કારણે સ્થિતિ સૌથી વધુ નાજુક બની છે, જ્યાં આશરે ૪,૦૦૦થી વધુ યાત્રિકો રોકાયેલા છે. તંત્ર દ્વારા કેદારનાથથી અત્યાર સુધીમાં ૧,૨૦૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે. ગૌરીકુંડ, સોનપ્રયાગ, ગુપ્તકાશી, દોબાટા અને ગોવિંદઘાટ ખાતે ફસાયેલા હજારો લોકો માટે હોટેલો, રેસ્ટ હાઉસ અને ગુરુદ્વારાઓમાં રહેવા તથા લંગરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત હેમકુંડ સાહિબ અને ‘વેલી ઓફ ફ્લાવર્સ’નો પ્રવાસ પણ અગમ્ય મુશ્કેલીઓને પગલે બંધ કરી દેવાયો છે.

ઉત્તરકાશીના કાલિંદી ટ્રેક પર ફસાયેલા ૧૮ ટ્રેકર્સ બેઝ કેમ્પમાં સુરક્ષિત હોવાનું પ્રશાસને સ્પષ્ટ કર્યું છે, જેમને હવામાન સાફ થતાં જ એરલિફ્ટ કરવામાં આવશે. બીજી તરફ, પિથોરાગઢ-ઘાટ હાઇવે કલાકો સુધી બંધ રહ્યા બાદ SDRF દ્વારા વૈકલ્પિક માર્ગ તૈયાર કરી ૧,૧૦૦ જેટલા યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ જ દરમિયાન, રુદ્રનાથ ટ્રેક પર ૧૫૦ મીટર ઊંડી કોતરમાં લપસી પડેલા ચેન્નઈના ૩૬ વર્ષીય યાત્રાળુ અશોકને પણ બચાવ ટુકડીએ સાહસપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું હતું.

ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર ભારતભરમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે. ઉત્તર પ્રદેશના ૪૫થી વધુ શહેરોમાં છેલ્લા ૭૦ કલાકથી મુશળધાર વરસાદ ચાલુ છે, જ્યાં વીજળી અને પૂર હોનારતમાં ૬૨ લોકોના મોત નીપજ્યા છે. નેપાળના ઉપરવાસમાં ભારે વરસાદથી બિહારની ગંડક અને કોસી નદીઓ ઉભરાતાં ૧૭ જિલ્લાના આશરે ૬,૦૦૦ ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. રાજ્ય પ્રશાસને તમામ યાત્રાળુઓ અને પ્રવાસીઓને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી પહાડી વિસ્તારો તરફનો પ્રવાસ ટાળવા અને સરકારી માર્ગદર્શિકાનું વિનમ્રતાથી પાલન કરવા કડક અપીલ કરી છે.

અમેરિકાથી ભારતીય ફાર્મા કંપનીઓને મોટી રાહત! આ ખાસ દવાઓ પર નહીં લાગે ટેરિફ , જાણો સંપૂર્ણ વિગત

જો તમે ફાર્મા સેક્ટર, વ્યાપાર કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રસ ધરાવતા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત અગત્યના છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી અમુક પસંદગીની દવાઓ અને તેને બનાવવામાં વપરાતા કાચા માલ (રો-મટિરિયલ્સ) પર ટેરિફ (આયાત ડ્યૂટી) શૂન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા તાજેતરમાં એક નવી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી મુજબ, ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતી કેટલીક અત્યંત મહત્વની અને જીવનરક્ષક દવાઓ પર હવે કોઈ જ ટેરિફ લાગશે નહીં. આ રાહત એવા સમયે આપવામાં આવી છે જ્યારે વોશિંગ્ટન આગામી 29 સપ્ટેમ્બરથી કેટલીક પેટન્ટેડ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર 100% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

કઈ દવાઓને મળશે ‘ઝીરો ટેરિફ’નો લાભ?

આ ખાસ યાદીમાં નીચે મુજબની દવાઓનો સમાવેશ થાય છે:

  • ઓર્ફન ડ્રગ્સ (ખૂબ જ દુર્લભ બીમારીઓની સારવાર માટેની દવાઓ)
  • ફર્ટિલિટી દવાઓ અને ન્યુક્લિયર મેડિસિન
  • સેલ અને જીન થેરાપી તથા પ્લાઝમા આધારિત થેરાપી
  • એન્ટીબોડી-ડ્રગ કોન્જુગેટ્સ

આ ઉપરાંત, રાસાયણિક અને જૈવિક જોખમો સામે રક્ષણ આપતા મેડિકલ કાઉન્ટરમેઝર પ્રોડક્ટ્સ તથા પશુઓના સ્વાસ્થ્યને લગતી કેટલીક દવાઓ પણ આમાં સામેલ છે.

શું આ નિયમ તમામ પ્રોડક્ટ્સ પર લાગુ પડશે?

ના, આ ઝીરો ટેરિફની છૂટછાટ ભારતથી નિકાસ થતી દરેક ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર લાગુ પડતી નથી. ટ્રેડ એક્સપાન્શન એક્ટની કલમ 232 હેઠળ રાષ્ટ્રપતિના એપ્રિલ મહિનાના આદેશ મુજબ, આ નિયમ માત્ર ઉપર જણાવેલ ચોક્કસ દવાઓ પૂરતો જ મર્યાદિત છે. સૌથી રાહતની વાત એ છે કે જૈનેરિક દવાઓ અને તેના કાચા માલ પર કલમ 232 હેઠળનો ટેરિફ લાગુ પડતો નથી. ભારતીય કંપનીઓ જૈનેરિક દવાઓના એક્સપોર્ટમાં અગ્રેસર હોવાથી આ જોગવાઈ ભારત માટે અત્યંત ફાયદાકારક છે.

ભારત સહિત અન્ય કયા દેશોને ફાયદો?

અમેરિકા સાથે મજબૂત વ્યાપારિક અને સુરક્ષા કરારો ધરાવતા ભારત સહિત કુલ 19 દેશોને આ રાહત મળી છે. જેમાં બ્રિટન, યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો મુખ્ય છે.

ભારત માટે આ નિર્ણય શા માટે ગેમ-ચેન્જર છે?

ભારત વિશ્વમાં જૈનેરિક દવાઓનું સૌથી મોટું ઉત્પાદક છે અને અમેરિકન હેલ્થકેર સિસ્ટમ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સપ્લાયર છે. અમેરિકાની હોસ્પિટલો અને ફાર્મસીઓ મોટાભાગે ભારતીય API (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ) અને તૈયાર દવાઓ પર નિર્ભર છે. આ નિર્ણયથી ભારતીય દવા ઉત્પાદક કંપનીઓ માટે અમેરિકન બજારમાં મોંઘી અને વિશિષ્ટ થેરાપી વાળી દવાઓ માટે ડ્યૂટી-ફ્રી એક્સેસ જળવાઈ રહેશે. આ નિર્ણયથી માત્ર અમુક વિશિષ્ટ હેલ્થ પ્રોડક્ટ્સને જ બચાવ નથી મળ્યો, પરંતુ સ્થાનિક દવા ઉત્પાદનને વેગ આપવાની અમેરિકાની નીતિઓ વચ્ચે પણ ભારત-અમેરિકાના વ્યાપક આર્થિક સંબંધો વધુ મજબૂત બન્યા છે.

એક જ દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર! રોકાણકારો માટે કેમ વધી ગઈ ચિંતા?

0

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે જ સોના-ચાંદીના બજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓ પર વધેલા દબાણની સીધી અસર ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર પડી છે. સોમવારના સત્રમાં ચાંદીમાં રૂ.6,600થી વધુનો ઇન્ટ્રાડે ઘટાડો નોંધાયો, જ્યારે સોનામાં પણ લગભગ રૂ.3,000નો કડાકો જોવા મળ્યો. વધતા ક્રૂડ ઓઇલના ભાવ, મજબૂત અમેરિકન ડૉલર અને અમેરિકામાં વ્યાજદર વધુ સમય સુધી ઊંચા રહેવાની શક્યતાએ રોકાણકારોને સાવચેત કર્યા છે.

સોનામાં મોટો ઘટાડો

28 સપ્ટેમ્બરની સવારે ભારતીય બજારમાં MCX સોનામાં ભારે નરમાઈ જોવા મળી હતી. લાઇવ માર્કેટ અપડેટ મુજબ સવારે 9:24 વાગ્યે સોનું રૂ.1,48,007 પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થતું હતું, જે અગાઉના સ્તર કરતાં રૂ.2,874 એટલે કે આશરે 1.90%નો ઘટાડો દર્શાવતું હતું. એટલે સોનું રૂ.3,000ના ઘટાડાની નજીક પહોંચી ગયું હતું. બીજી તરફ, અગાઉના સત્રના ડેટા અને જુદા expiry કોન્ટ્રેક્ટને કારણે MCXમાં અલગ-અલગ ગોલ્ડ કોન્ટ્રેક્ટના ભાવ અલગ જોવા મળી શકે છે.

ચાંદી રૂ.6,600થી વધુ તૂટ્યું

ચાંદીમાં ઘટાડો વધુ તીવ્ર રહ્યો. MCXના ડિસેમ્બર કોન્ટ્રેક્ટમાં અગાઉનો બંધ ભાવ રૂ.2,34,696 હતો, જ્યારે સોમવારે ભાવ રૂ.2,32,300 પર ખુલ્યો અને ઇન્ટ્રાડે રૂ.2,28,035 સુધી તૂટી ગયો. એટલે એક તબક્કે રૂ.6,661નો ઘટાડો નોંધાયો હતો. સવારે 10:47 વાગ્યે ચાંદી આશરે રૂ.2,28,272 પર ટ્રેડ થતી હતી, એટલે અગાઉના બંધની સરખામણીએ 2.74%નો ઘટાડો હતો.

આ કડાકા પાછળ શું છે કારણ?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે સ્પોટ ગોલ્ડ 2.1% ઘટીને લગભગ 4,198 ડૉલર પ્રતિ ઔંસ થયું હતું. એહવાલ મુજબ વધતા ઓઇલના ભાવથી ફુગાવાની ચિંતા વધી રહી છે અને તેના કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વધુ વ્યાજદર વધારી શકે તેવી અપેક્ષા મજબૂત થઈ છે. ઊંચા વ્યાજદર અને બોન્ડ યીલ્ડ સોના જેવા નોન-યીલ્ડિંગ એસેટ પર દબાણ વધારે છે. સાથે જ મજબૂત ડૉલર પણ સોનાની માંગ માટે નકારાત્મક પરિબળ બની રહ્યો છે.

આ ઉપરાંત આગામી અમેરિકન આર્થિક ડેટા પહેલાં રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે. પરિણામે કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનું દબાણ વધ્યું છે.

સપ્તાહની શરૂઆતમાં જ શેરબજારમાં મોટો ધડાકો! એક ઝાટકામાં આટલા પોઈન્ટ તૂટ્યું Sensex, ₹6 લાખ કરોડનું ધોવાણ

0

શું તમે પણ શેરબજારમાં રોકાણ કર્યું છે? જો હા, તો સપ્તાહનો પ્રથમ દિવસ તમારા માટે આંચકાજનક સાબિત થઈ શકે છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં જાણે મોટો ભૂકંપ આવ્યો હોય તેવો ગભરાટ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકેલો તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચી રહેલા ભાવોએ બજારના સેન્ટિમેન્ટને એવું તો નબળું પાડ્યું કે જોતજોતામાં રોકાણકારોની રૂ. 6 લાખ કરોડથી વધુની મૂડી ધોવાઈ ગઈ છે. આવો જાણીએ આખરે કયા વૈશ્વિક અને સ્થાનિક કારણોસર બજારમાં આટલી મોટી સુનામી આવી છે.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ શુક્રવારના 73,895 ના બંધ સ્તર સામે સીધો 73,734 પર ખુલ્યો હતો. બજાર ખુલ્યાની ગણતરીની મિનિટોમાં જ વેચવાલીનું ભારે દબાણ આવતા સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટીને 72,981 ના નીચલા સ્તરે ખાબક્યો હતો.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 23,140 ના ગત બંધ સામે 23,065 પર ખુલ્યા બાદ 280 પોઇન્ટના જંગી ઘટાડા સાથે 22,855 ના સ્તરે પહોંચી ગયો હતો. આમ, નિફ્ટીએ 23,000 ની મહત્વપૂર્ણ અને મનોવૈજ્ઞાનિક સપાટી ગુમાવતા રિટેલ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

આ કડાકાની અસરમાંથી લાર્જ કેપ કે સ્મોલકેપ, કોઈ પણ સેક્ટર બાકાત રહી શક્યું ન હતું. BSE ના લાર્જ કેપ સેગમેન્ટના તમામ 30 અગ્રણી શેરો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

વિશેષ કરીને ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરમાં મોટું નુકસાન નોંધાયું છે. HDFC બેંક (1.90%), કોટક મહિન્દ્રા બેંક (1.80%), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (1.60%), હિન્દુસ્તાન યુનિલિવર (1.58%), ટ્રેન્ટ (1.56%), બજાજ ફાઇનાન્સ (1.40%), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (1.35%) અને ICICI બેંક (1.34%) જેવા દિગ્ગજ શેરોમાં ભારે ધોવાણ થયું હતું. આ વેચવાલીના કારણે બેન્કિંગ ઇન્ડેક્સ (BSE Bankex) 1.60% અને IT સેક્ટર 1.10% ગગડ્યું હતું.

આટલા મોટા પતન પાછળ કોઈ એક નહીં, પરંતુ અનેક પરિબળોનું સંયોજન જવાબદાર છે:

  • અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મુકવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દેતા બંને દેશો વચ્ચેની મડાગાંઠ વધુ મજબૂત બની છે, જેણે વૈશ્વિક બજારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
  • ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ: મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો પર પડી રહી છે. ક્રૂડ મોંઘુ થવાથી દેશમાં મોંઘવારી વધવાની દહેશત ઊભી થઈ છે, જે સીધી રીતે શેરબજાર માટે નકારાત્મક સંકેત છે.
  • FIIs ની અવિરત વેચવાલી: વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય બજારમાંથી સતત જંગી ફંડ પાછું ખેંચવામાં આવી રહ્યું છે. માત્ર શુક્રવારના એક જ સેશનમાં તેમણે રૂ. 3,600 કરોડથી વધુના શેરો વેચતા સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે ખરડાયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય ભૌગોલિક પરિસ્થિતિમાં કોઈ સકારાત્મક સુધારો નહીં આવે અને વિદેશી રોકાણકારોની વેચવાલી અટકશે નહીં, ત્યાં સુધી બજારમાં આ પ્રકારની અસ્થિરતા યથાવત રહેવાની પૂરી સંભાવના છે.

૨૮ સપ્ટેમ્બર રાશિફળ: અટકેલા કામ થશે પૂર્ણ કે વધશે મુશ્કેલી? જાણો તમારૂ રાશિફળ

28 સપ્ટેમ્બર 2026 નું સોમવાર નું rashifal:

♈ મેષ રાશિ
આજે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે અને અટકેલું કામ આગળ વધશે. આર્થિક બાબતોમાં આયોજનપૂર્વક નિર્ણય લેવો લાભદાયક રહેશે. પરિવારની કોઈ વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. ઉતાવળમાં બોલવાથી ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું.


♉ વૃષભ રાશિ
આજે ભાગ્યનો સાથ મળવાથી કામકાજમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે. સંબંધોમાં તમારી સમજદારીથી વાતાવરણ સારું રહેશે. પ્રવાસ અથવા નવી યોજના અંગે વિચારણા થઈ શકે છે.


♊ મિથુન રાશિ
કાર્યસ્થળે તમારી વાતચીત અને બુદ્ધિનો સારો ઉપયોગ થશે. જૂના અટવાયેલા કામને પૂર્ણ કરવાની તક મળશે. આર્થિક લેવડદેવડમાં સાવચેતી રાખવી જરૂરી છે. મનમાં ચાલતી ચિંતા ઓછી થશે અને આત્મવિશ્વાસ વધશે.


♋ કર્ક રાશિ
આજે મહેનતનું યોગ્ય પરિણામ મળવાની શક્યતા છે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયક બની શકે છે. પરિવાર માટે સમય કાઢવાથી સંબંધોમાં ઉષ્મા વધશે. ભાવનાત્મક નિર્ણય લેવાને બદલે વ્યવહારુ દૃષ્ટિકોણ રાખવો.


♌ સિંહ રાશિ
કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની નોંધ લેવાશે. નાણાં સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. વ્યક્તિગત સંબંધોમાં અહંકારથી દૂર રહેવું. આરામ અને ઊંઘ પર ખાસ ધ્યાન આપવું.


♍ કન્યા રાશિ
આજે ચંદ્ર રાશિથી સાતમા સ્થાનમાં હોવાથી સંબંધો અને ભાગીદારી મહત્વની રહેશે. કામમાં વ્યસ્તતા વધશે પરંતુ યોગ્ય આયોજનથી બધું સંભાળી શકશો. જીવનસાથી અથવા ભાગીદાર સાથે ખુલ્લી વાતચીત કરવી લાભદાયક રહેશે. નાણાકીય બાબતમાં અનાવશ્યક જોખમ ટાળવું.


♎ તુલા રાશિ
કાર્યસ્થળે નવી તક અથવા જવાબદારી મળી શકે છે. તમારી કુશળતા અને સંવાદશક્તિથી લોકો પ્રભાવિત થશે. આવક-ખર્ચનું સંતુલન જાળવવું જરૂરી રહેશે. સ્વાસ્થ્ય માટે નિયમિત રૂટિન અને યોગ્ય આરામ રાખવો.


♏ વૃશ્ચિક રાશિ
આજે સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યવસાયમાં નવી યોજના શરૂ કરવા માટે વિચાર કરી શકો છો. પ્રેમ અને પરિવારના સંબંધોમાં સકારાત્મકતા રહેશે. જૂના મિત્ર અથવા સંપર્ક તરફથી લાભદાયક સમાચાર મળી શકે છે.


♐ ધનુ રાશિ
ઘર-પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવાથી લાભ મળશે. મિલકત અથવા ઘર સંબંધિત ચર્ચા આગળ વધી શકે છે. મનને શાંત રાખવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ લાભદાયક રહેશે.


♑ મકર રાશિ
આજે સંવાદ અને સંપર્કો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. ટૂંકી મુસાફરી અથવા કામકાજ માટે દોડધામ થઈ શકે છે. ભાઈ-બહેન અથવા નજીકના વ્યક્તિ સાથે સારો સહયોગ મળશે. રોકાણમાં ઉતાવળ કરતાં યોગ્ય તપાસ કરવી.


♒ કુંભ રાશિ
આર્થિક બાબતોમાં સ્થિરતા લાવવાનો દિવસ છે. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આવક વધારવાના નવા માર્ગ અંગે વિચાર આવશે. વાણીમાં મધુરતા રાખશો તો સંબંધોમાં ખાસ લાભ મળશે.


♓ મીન રાશિ
ચંદ્ર તમારી રાશિમાં હોવાથી મન વધુ સંવેદનશીલ અને સક્રિય રહેશે. નવા વિચારો અને સર્જનાત્મક કાર્ય માટે દિવસ સારો છે. વ્યવસાય કે નોકરીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સારી રીતે વિચારવું. આરામ, ઊંઘ અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપવી.