Home Blog

BRICS Summitમાં નેતાઓ બાદ તેમની કાર ચર્ચામાં, પુતિન-જિનપિંગની ગાડીઓમાં શું છે ખાસ?

નવી દિલ્હીમાં BRICS Summit 2026ને લઈને દુનિયાભરની નજર મોટા નેતાઓ પર છે, પરંતુ આ વખતે તેમની સાથે આવેલી ખાસ કારોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની Aurus Senat અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની Hongqi N701 સામાન્ય લક્ઝરી કાર જેવી નથી. આ ખાસ વાહનો સુરક્ષા, ગોપનીયતા, આરામ અને રાષ્ટ્રપ્રમુખીય પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. તેથી જ આ પ્રકારની કારને ઘણીવાર ‘ચાલતો-ફિરતો કિલ્લો’ તરીકે વર્ણવવામાં આવે છે.

શી જિનપિંગની Hongqi N701 કેમ છે ખાસ?

શી જિનપિંગની સત્તાવાર કાર Hongqi N701 છે. Hongqiનો ચીની ભાષામાં અર્થ ‘લાલ ઝંડો’ થાય છે. આ બ્રાન્ડની શરૂઆત 1958માં થઈ હતી અને લાંબા સમયથી તેનો સંબંધ ચીનના ટોચના સરકારી અધિકારીઓ તથા સત્તાવાર કાર્યક્રમો સાથે રહ્યો છે.

N701 સામાન્ય ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ કાર નથી. આ એક વિશેષ પ્રેસિડેન્શિયલ લિમોઝિન છે, જેનો ઉપયોગ શી જિનપિંગની સત્તાવાર વિદેશ યાત્રાઓ દરમિયાન પણ જોવા મળ્યો છે.

N701ની સૌથી મોટી ખાસિયત તેનું રહસ્ય

Hongqi N701ની સુરક્ષા વ્યવસ્થા અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. તેની આર્મર પ્લેટ, સુરક્ષિત કાચ અને અન્ય ખાસ સુરક્ષા સિસ્ટમ વિશે અનેક અહેવાલો સામે આવ્યા છે, પરંતુ તેની સંપૂર્ણ ટેક્નિકલ ક્ષમતા ગુપ્ત રાખવામાં આવે છે.

કારણ કે આ રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટેનું વાહન છે, તેથી તેની તમામ ક્ષમતાઓ જાહેર કરવી સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતી નથી. એટલે N701ને લઈને કરવામાં આવતા અતિશય દાવાઓને સાવચેતીપૂર્વક જોવાની જરૂર છે.

પુતિનની Aurus Senat પણ છે ખાસ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાવાર કાર Aurus Senat છે. આ કાર રશિયાની Aurus કંપની દ્વારા સરકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તેમાં 4.4 લિટર ટ્વિન-ટર્બો V8 એન્જિન સાથે હાઇબ્રિડ સિસ્ટમ આપવામાં આવી છે. તેનું આઉટપુટ લગભગ 598 હોર્સપાવર અને ટોર્ક લગભગ 880 Nm હોવાનું જણાવાય છે.

સુરક્ષા સાથે VIP કન્ફર્ટ પણ

Aurus Senatના આર્મર્ડ વર્ઝનમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા હોવાની માહિતી આપવામાં આવે છે. બુલેટપ્રૂફ ગ્લાસ, રન-ફ્લેટ ટાયર અને અન્ય ઇમરજન્સી સુરક્ષા સિસ્ટમનો ઉલ્લેખ થાય છે. સાથે જ કારના ઈન્ટિરિયરમાં પ્રીમિયમ સીટો, લાકડાની ફિનિશ, પ્રાઈવસી ડિવાઇડર અને મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનું જણાવાય છે.

બંને કારમાં શું છે સમાન?

Aurus Senat અને Hongqi N701 બંને સામાન્ય બજારની કાર નથી. બંનેને રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા, સત્તાવાર પ્રોટોકોલ અને આરામને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમની વાસ્તવિક સુરક્ષા ક્ષમતાની ઘણી વિગતો જાહેર નથી.

આથી આ કારો માત્ર વાહન નથી, પરંતુ સુરક્ષા, ગોપનીયતા અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતીક પણ બની ગઈ છે. BRICS Summit દરમિયાન પુતિન અને જિનપિંગ સાથે આવેલી આ વિશેષ કારોએ પણ વૈશ્વિક સ્તરે ખાસ ચર્ચા જગાવી છે.

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સંગઠનની આગામી દિશા જ નહીં, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં BRICSની ભૂમિકા અંગે પણ મોટો સંદેશ આપ્યો છે. BRICSના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદીએ કહ્યું કે હવે સંગઠનની એકતા અને સહમતિને વૈશ્વિક સ્તરે ઠોસ પરિણામોમાં ફેરવવાનો સમય આવી ગયો છે.

મોદીએ ભારતની 2026ની BRICS અધ્યક્ષતા દરમિયાન રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપ્યાનો ઉલ્લેખ કર્યો. ભારતે વર્ષ દરમિયાન 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમો 25થી વધુ શહેરોમાં યોજીને BRICS સહકારને સરકારોથી આગળ લોકો, વેપાર અને અન્ય ક્ષેત્રો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

વડાપ્રધાને આગામી 20 વર્ષ માટે વધુ મહત્વાકાંક્ષી એજન્ડાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે અધ્યક્ષપદ દર વર્ષે બદલાતું હોવા છતાં BRICSની સંસ્થાકીય પ્રગતિ અને પહેલોમાં સતતતા જળવાઈ રહે તે માટે મજબૂત વ્યવસ્થા જરૂરી છે.

મોદીએ વૈશ્વિક ગવર્નન્સમાં સુધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રતિનિધિત્વ, જવાબદારી તથા નિયમ બનાવવાની પ્રક્રિયાને વધુ સમાવેશી બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. BRICSના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંક ગવર્નરોએ પણ IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને જવાબદારીની તરફેણ કરી છે.

મોદીએ સમુદ્રી સુરક્ષાનો મુદ્દો પણ મહત્વનો ગણાવ્યો હતો. વૈશ્વિક વેપાર માટે સુરક્ષિત સમુદ્રી માર્ગો અને સીફેરર્સની સલામતી જરૂરી હોવાનું તેમણે રેખાંકિત કર્યું હતું. ઇરાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પણ તેમણે નેવિગેશનની સ્વતંત્રતા, દરિયાઈ વેપારની સુરક્ષા અને સીફેરર્સના કલ્યાણ પર ભાર મૂક્યો હતો.

આ સાથે વડાપ્રધાને Global Southને માત્ર નિયમોનું પાલન કરનાર નહીં, પરંતુ ભવિષ્યના નિયમો ઘડનાર બનાવવાનો સંદેશ આપ્યો. ખાસ કરીને AI અને ક્રિટિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિકાસશીલ દેશોની ભાગીદારી વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. 12 સપ્ટેમ્બર United Nations Day for South-South Cooperation પણ છે, જેને મોદીના સંદેશ સાથે મહત્વપૂર્ણ સંયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે.

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી હવે ફરી આકાશમાં જોવા મળશે. ચાઇના સધર્ન એરલાઇન્સે જાહેરાત કરી છે કે 21 સપ્ટેમ્બર 2026થી નવી દિલ્હી અને ગ્વાંગઝૂ વચ્ચે નિયમિત દૈનિક સીધી પેસેન્જર ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.

ચાઇના સધર્ન એરલાઇન્સની સત્તાવાર સમયસૂચિ મુજબ ગ્વાંગઝૂથી દિલ્હી આવતી ફ્લાઇટ CZ359 સ્થાનિક સમય મુજબ બપોરે 3:35 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7 વાગ્યે દિલ્હીમાં પહોંચશે. જ્યારે દિલ્હીથી ગ્વાંગઝૂ જતી CZ360 ફ્લાઇટ રાત્રે 8:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:15 કલાકે ગ્વાંગઝૂ પહોંચશે. આ સેવા દરરોજ ચાલશે.

આ રૂટ લગભગ છ વર્ષ સુધી બંધ રહ્યો હતો. કોરોના મહામારી અને ત્યારબાદ ભારત-ચીન વચ્ચે સર્જાયેલા તણાવના કારણે બંને દેશો વચ્ચેની સીધી હવાઈ કનેક્ટિવિટી લાંબા સમય સુધી પ્રભાવિત રહી હતી. હવે સીધી ફ્લાઇટ ફરી શરૂ થતાં બંને દેશો વચ્ચે મુસાફરી વધુ સરળ બનવાની શક્યતા છે.

નવી સેવાનો લાભ વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને બંને દેશો વચ્ચે નિયમિત અવરજવર કરતા લોકો સહિત અનેક મુસાફરોને થઈ શકે છે. ચીન-ભારત સંબંધોમાં રાજદ્વારી સ્તરે સુધારાની વચ્ચે આ હવાઈ સેવા કનેક્ટિવિટી વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

14 સપ્ટેમ્બરે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો દુર્લભ ધાર્મિક સંયોગ! જાણો મુહૂર્ત અને મહત્વ

14 સપ્ટેમ્બર 2026નો દિવસ ગુજરાતી પંચાંગ મુજબ ધાર્મિક રીતે ખાસ રહેવાનો છે. આ દિવસે ભાદરવા સુદ ત્રીજનું હરતાલિકા ત્રીજ વ્રત અને ભાદરવા સુદ ચોથની ગણેશ ચતુર્થી એક જ દિવસે આવી રહી છે. એક પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાને સમર્પિત છે, તો બીજો ભગવાન ગણેશની ઉપાસનાનો મુખ્ય તહેવાર છે. તેથી ભક્તો માટે આ દિવસ પૂજા, વ્રત અને ધાર્મિક ભક્તિની દૃષ્ટિએ મહત્વનો રહેશે.

હરતાલિકા ત્રીજનું મહત્વ
હરતાલિકા ત્રીજ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ કરેલી તપસ્યા સાથે જોડાયેલું પર્વ માનવામાં આવે છે. પરંપરા મુજબ સુહાગિન મહિલાઓ દાંપત્ય જીવનના સુખ અને પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે, જ્યારે કેટલીક અવિવાહિત યુવતીઓ સારા જીવનસાથીની કામના સાથે આ વ્રત કરે છે. આ દિવસે શિવ-પાર્વતીની પૂજા અને કથા શ્રવણ કરવાની પરંપરા છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ
ગણેશ ચતુર્થી ભગવાન ગણેશના જન્મોત્સવ તરીકે ઉજવાય છે. હિંદુ પરંપરામાં ગણેશજીને શુભતા, બુદ્ધિ અને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને પૂજા, આરતી, મંત્રજાપ તથા મોદક અને અન્ય નૈવેદ્ય અર્પણ કરવાની પરંપરા છે.

ગુજરાતી પંચાંગ મુજબ 14 સપ્ટેમ્બરે બંને પર્વ હોવાથી ભક્તો પોતાના કુટુંબની પરંપરા અને સ્થાનિક પંચાંગ અનુસાર વ્રત-પૂજા કરી શકે છે. પંચાંગ પ્રમાણે હરતાલિકા પૂજાનો સમય સવારે 6:25થી 7:06 અને ગણેશ ચતુર્થીનો મધ્યાહ્ન પૂજા મુહૂર્ત સવારે 11:20થી બપોરે 1:48 સુધી છે. સ્થાનિક સૂર્યોદય-સૂર્યાસ્ત અનુસાર સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે.

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. 2023માં BRICSની સભ્યપદ માટે અરજી કરનાર પાકિસ્તાન એ 29 દેશોમાં સામેલ છે, જે આ શક્તિશાળી જૂથમાં જોડાવા ઇચ્છે છે. દેશ સામે ગંભીર આર્થિક પડકારો છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાન BRICSના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા તથા વૈશ્વિક દક્ષિણમાં પોતાની ભૂમિકા મજબૂત કરવા માંગે છે.

પાકિસ્તાને BRICS સમર્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં પણ મોટું રોકાણ કર્યું છે. વર્લ્ડ બેંક અને IMF પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસરૂપે પાકિસ્તાને બેંકમાં આશરે 580 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. છતાં BRICSમાં તેની એન્ટ્રીનો રસ્તો હજુ ખુલ્યો નથી.

ગત વર્ષે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE જેવા નવા દેશો BRICS સાથે જોડાયા હતા, પરંતુ પાકિસ્તાનને સભ્યપદ મળ્યું નથી. તેના માટે ભારતની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICSમાં મહત્વપૂર્ણ નિર્ણયો સર્વસંમતિના આધારે લેવાતા હોવાથી ભારતનો વિરોધ પાકિસ્તાનની સભ્યપદ પ્રક્રિયામાં મોટો અવરોધ બની શકે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું છે કે તેમનો દેશ વૈશ્વિક દક્ષિણ સાથે સહયોગ વધારવા માંગે છે. બીજી તરફ, રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલીએ કહ્યું છે કે પાકિસ્તાન BRICSના સભ્ય દેશો સાથે સતત સંપર્કમાં છે અને ખાસ કરીને રશિયાનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.

ચીન અને રશિયા તરફથી સમર્થન હોવા છતાં ભારતનો વિરોધ પાકિસ્તાન માટે BRICSના દરવાજા ખોલવામાં સૌથી મોટો પડકાર બની રહ્યો છે.

‘કાયદો લાગુ છે તો લાભ કેમ નહીં?’ સુરતમાં વિવિધ ક્ષેત્રના 400 કારીગરોનું કલેકટરાલયે વિરોધ પ્રદર્શન

સુરત શહેરમાં એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો દ્વારા પોતાના હક અને કાયદેસરના લાભોની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 400 જેટલા કારીગરો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓને લઈને હોબાળો મચાવ્યો હતો.


કારીગરોના યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અઠવાડિયામાં એક દિવસ સાપ્તાહિક રજા, ગ્રેજ્યુઇટી, પીએફ સહિતના વિવિધ કાયદેસરના લાભો આપવાની માંગ કરવામાં આવી હતી. કારીગરોનું કહેવું છે કે સરકાર દ્વારા લેબર કાયદો લાગુ કરવામાં આવ્યો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી અને કાયદા મુજબ મળવાપાત્ર લાભોથી તેઓ હજુ પણ વંચિત છે.


કારીગરોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમની માંગણીઓ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે કારીગરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારીગરોએ તાત્કાલિક તેમની માંગણીઓ સ્વીકારી કાયદેસરના લાભો અપાવવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. કારીગરોએ ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે યોગ્ય આશ્વાસન આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરી ખાતે બેસી રહેશે. કારીગરોના હકો અને લેબર કાયદાના અમલ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે મોરચો યોજાયો હતો.

પુતિનના મળમૂત્ર પણ રશિયા લઈ જવાશે ! જાણો આટલી વિચિત્ર વ્યવસ્થા પાછળનું કારણ શું છે ?

0

પુતિનના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના બોડીગાર્ડ્સ તેમના મળ અને મૂત્રના નમૂના એકત્ર કરીને રશિયા પરત લઈ જાય છે એવી વાત 2022થી અહેવાલોમાં આવી છે. ફ્રેન્ચ મેગેઝિન Paris Matchના ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમના અહેવાલથી આ વાત ચર્ચામાં આવી હતી અને પછી The Independent, Indian Express સહિત અનેક માધ્યમોમાં પણ એ હેવાલ પ્રકાશિત થયા છે.

વિદેશ પ્રવાસ દરમિયાન વ્લાદીમીર પુતિનના મળ મૂત્ર રશિયા પરત લઈ જવાનું મુખ્ય કારણ પુતિનની તબિયત અને જૈવિક માહિતી વિદેશી ગુપ્તચર એજન્સીઓથી છુપાવવાનું હોવાનું કહેવાય છે. મળ અને મૂત્ર માત્ર કચરો નથી. તેના વૈજ્ઞાનિક વિશ્લેષણથી વ્યક્તિના શરીર અંગે વિવિધ માહિતી મેળવી શકાય છે—જેમ કે કેટલીક બીમારીઓના સંકેતો, દવાઓના અવશેષો, મેટાબોલિક સ્થિતિ, હોર્મોનલ ફેરફારો અને અન્ય બાયોમાર્કર્સ. અત્યંત સંવેદનશીલ ફોરેન્સિક અથવા મેડિકલ વિશ્લેષણમાં આનાથી વ્યક્તિની આરોગ્યસ્થિતિ અંગે કેટલીક માહિતી મેળવી શકાય છે.

રાષ્ટ્રપ્રમુખના કિસ્સામાં આ માહિતી રાજકીય અને સુરક્ષા દૃષ્ટિએ પણ સંવેદનશીલ બની શકે છે. જો કોઈ વિદેશી ગુપ્તચર સંસ્થા કોઈ નેતાની ગંભીર બીમારી, દવાઓ અથવા અન્ય આરોગ્યસંબંધિત માહિતી અંગે વિશ્વસનીય માહિતી મેળવી લે, તો તે નેતાની નિર્ણયક્ષમતા, ભવિષ્યની રાજકીય સ્થિતિ અથવા સત્તાના ઉત્તરાધિકાર અંગે વિશ્લેષણ કરી શકે. અહેવાલો અનુસાર, પુતિનની સુરક્ષા ટીમ તેમના મળને સીલબંધ બેગમાં રાખીને વિશેષ બેગ/બ્રીફકેસમાં રશિયા પરત લઈ જાય છે. આવી વ્યવસ્થા ફ્રાન્સની 2017ની મુલાકાત અને સાઉદી અરેબિયાની 2019ની મુલાકાત દરમિયાન પણ હોવાના અહેવાલો આવ્યા હતા.

ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય, આજથી ચાર દિવસ વરસાદની આગાહી

0

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થતાં આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 13 અને 14 સપ્ટેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર ઓડિશા અને આંધ્ર પ્રદેશ નજીક લો-પ્રેશર વિસ્તાર સર્જાયું છે, તો બીજી તરફ ઉત્તર રાજસ્થાનથી આ સાઇક્લોનિક સર્ક્યુલેશન સુધી એક ટ્રફ પણ સર્જાયો છે. આ તમામ હવામાન પ્રણાલીઓની અસર ગુજરાતના વરસાદ પર જોવા મળી શકે છે.

આજે શનિવારે 12 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

રવિવાર 13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધુ વધવાની સંભાવના છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

સોમવાર 14 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે અને પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

મંગળવાર 15 સપ્ટેમ્બરે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે 7 વર્ષ બાદ ભારત આવ્યા

0

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે સાત વર્ષ બાદ ભારતની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓ 18મા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આવ્યા છે. શિખર સંમેલન ઉપરાંત, શી જિનપિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. વડા પ્રધાન મોદીના આમંત્રણ પર શી જિનપિંગ ભારત આવ્યા છે. અગાઉ, તેઓ 2019 માં ચેન્નાઈ નજીક મામલ્લાપુરમમાં આયોજિત અનૌપચારિક સમિટ માટે ભારત આવ્યા હતા.

ચીની રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને સેન્ટ્રલ કમિટીના જનરલ ઓફિસના ડિરેક્ટર કાઈ જી અને વિદેશ પ્રધાન અને પોલિટબ્યુરો સભ્ય વાંગ યીનો સમાવેશ થાય છે.

BRICS સમિટમાં અમેરિકા પર રશિયા અને ઈરાન ભડક્યા, ભારત માટે શું રહેશે પડકારો?

રશિયા અને ઈરાને શુક્રવારે BRICS શિખર સંમેલન દરમિયાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો તથા આક્રમક કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. બંને દેશોએ BRICSને એવી વ્યૂહરચના તૈયાર કરવાની અપીલ કરી હતી, જેનાથી સમૂહ આવા પડકારો અને દબાણોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકે.

આ સ્થિતિમાં ભારત સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે BRICSની બેઠક પશ્ચિમ વિરોધી મંચમાં પરિવર્તિત ન થાય.

ઈરાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?

BRICS બિઝનેસ ફોરમમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી ઈરાન પરનું દબાણ વધુ ગંભીર બન્યું છે.

તેમણે કહ્યું કે આ કાર્યવાહીને કારણે માત્ર ભૌતિક નુકસાન જ નથી થયું, પરંતુ એ પણ સ્પષ્ટ થયું છે કે આર્થિક સુરક્ષાને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષાથી અલગ કરી શકાય નહીં.

પેઝેશ્કિયાને વધુમાં કહ્યું કે જ્યારે કોઈ દેશના વેપાર, ઊર્જા માળખા અથવા નાણાકીય વ્યવસ્થા પર રાજકીય કે સૈન્ય દબાણ આવે છે, ત્યારે તેની અસર દેશની સરહદોની બહાર પણ જોવા મળે છે અને તેનાથી પ્રાદેશિક તથા વૈશ્વિક સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવા દેશોના નેતાઓની ટીકા કરી હતી, જેઓ પોતાનું જૂનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે.

પુતિને આરોપ લગાવ્યો કે કેટલાક દેશો સીધા સૈન્ય બળનો ઉપયોગ કરવા સુધી પહોંચી ગયા છે. તેમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ માળખાને નુકસાન પહોંચાડવું, આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરને અટકાવવાનો પ્રયાસ કરવો અને દરિયાઈ જહાજો પર કબજો કરવાનો પ્રયાસ સામેલ છે.

તેમણે અન્ય દેશોના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરનારાઓ સામે ગેરકાયદેસર પ્રતિબંધો અને વધુ પ્રતિબંધોની ધમકી આપવાની પણ ટીકા કરી.

ભારત સામે મોટો પડકાર

રશિયા અને ઈરાનના નિવેદનોથી ભારત સામેના પડકારોની ઝલક મળી છે. ભારતે પોતાની ફ્લેક્સિબલ મલ્ટી-અલાઈનમેન્ટ નીતિ જાળવી રાખીને વિવિધ દેશો સાથેના સંબંધોમાં સંતુલન સાધવું પડશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર BRICSની ચર્ચાઓ પર નજર રાખી રહ્યું છે. ખાસ કરીને રશિયા અને ઈરાન પશ્ચિમી પ્રતિબંધોથી નારાજ છે, જ્યારે ચીન ડી-ડૉલરાઈઝેશન અને સરહદ પારની પેમેન્ટ સિસ્ટમ જેવા વિકલ્પોને આગળ વધારવામાં રસ ધરાવે છે. આ વ્યવસ્થાઓ પશ્ચિમના નિયંત્રણ હેઠળની SWIFT સિસ્ટમને પડકાર આપી શકે છે.

રશિયા અને ઈરાનની શું માંગ?

પુતિને વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની માંગ કરી હતી. તેમણે ટ્રાન્સ-આર્કટિક ટ્રાન્સપોર્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ ઈન્ટરનેશનલ કોરિડોર જેવા વૈશ્વિક પરિવહન માર્ગોને સાથે મળીને વિકસાવવાની તૈયારી દર્શાવી.

પેઝેશ્કિયાને કહ્યું કે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા આર્થિક સુરક્ષાના બે મુખ્ય આધાર છે. તેમણે ઈરાનને તેના વિશાળ ઊર્જા ભંડાર અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિને કારણે BRICSની ખાદ્ય, ઊર્જા અને પરિવહન સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો.

ઈરાને સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા, શરૂઆતમાં 10 અબજ ડૉલરના રિ-ઈન્શ્યોરન્સ પૂલની રચના કરવા અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક મારફતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ કરવાની પણ ભલામણ કરી.

પુતિને પણ ન્યૂ ડેવલપમેન્ટ બેંકને સમર્થન આપતાં તેનો ઉપયોગ નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ માટે કરવાની વાત કરી.