પુતિનના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના બોડીગાર્ડ્સ તેમના મળ અને મૂત્રના નમૂના એકત્ર કરીને રશિયા પરત લઈ જાય છે એવી વાત 2022થી અહેવાલોમાં આવી છે. ફ્રેન્ચ મેગેઝિન Paris Matchના ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમના અહેવાલથી આ વાત ચર્ચામાં આવી હતી અને પછી The Independent, Indian Express સહિત અનેક માધ્યમોમાં પણ એ હેવાલ પ્રકાશિત થયા છે.
વિદેશ પ્રવાસ દરમિયાન વ્લાદીમીર પુતિનના મળ મૂત્ર રશિયા પરત લઈ જવાનું મુખ્ય કારણ પુતિનની તબિયત અને જૈવિક માહિતી વિદેશી ગુપ્તચર એજન્સીઓથી છુપાવવાનું હોવાનું કહેવાય છે. મળ અને મૂત્ર માત્ર કચરો નથી. તેના વૈજ્ઞાનિક વિશ્લેષણથી વ્યક્તિના શરીર અંગે વિવિધ માહિતી મેળવી શકાય છે—જેમ કે કેટલીક બીમારીઓના સંકેતો, દવાઓના અવશેષો, મેટાબોલિક સ્થિતિ, હોર્મોનલ ફેરફારો અને અન્ય બાયોમાર્કર્સ. અત્યંત સંવેદનશીલ ફોરેન્સિક અથવા મેડિકલ વિશ્લેષણમાં આનાથી વ્યક્તિની આરોગ્યસ્થિતિ અંગે કેટલીક માહિતી મેળવી શકાય છે.
રાષ્ટ્રપ્રમુખના કિસ્સામાં આ માહિતી રાજકીય અને સુરક્ષા દૃષ્ટિએ પણ સંવેદનશીલ બની શકે છે. જો કોઈ વિદેશી ગુપ્તચર સંસ્થા કોઈ નેતાની ગંભીર બીમારી, દવાઓ અથવા અન્ય આરોગ્યસંબંધિત માહિતી અંગે વિશ્વસનીય માહિતી મેળવી લે, તો તે નેતાની નિર્ણયક્ષમતા, ભવિષ્યની રાજકીય સ્થિતિ અથવા સત્તાના ઉત્તરાધિકાર અંગે વિશ્લેષણ કરી શકે. અહેવાલો અનુસાર, પુતિનની સુરક્ષા ટીમ તેમના મળને સીલબંધ બેગમાં રાખીને વિશેષ બેગ/બ્રીફકેસમાં રશિયા પરત લઈ જાય છે. આવી વ્યવસ્થા ફ્રાન્સની 2017ની મુલાકાત અને સાઉદી અરેબિયાની 2019ની મુલાકાત દરમિયાન પણ હોવાના અહેવાલો આવ્યા હતા.





