પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. 2023માં BRICSની સભ્યપદ માટે અરજી કરનાર પાકિસ્તાન એ 29 દેશોમાં સામેલ છે, જે આ શક્તિશાળી જૂથમાં જોડાવા ઇચ્છે છે. દેશ સામે ગંભીર આર્થિક પડકારો છે અને આવી સ્થિતિમાં પાકિસ્તાન BRICSના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા તથા વૈશ્વિક દક્ષિણમાં પોતાની ભૂમિકા મજબૂત કરવા માંગે છે.
પાકિસ્તાને BRICS સમર્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં પણ મોટું રોકાણ કર્યું છે. વર્લ્ડ બેંક અને IMF પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસરૂપે પાકિસ્તાને બેંકમાં આશરે 580 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. છતાં BRICSમાં તેની એન્ટ્રીનો રસ્તો હજુ ખુલ્યો નથી.
ગત વર્ષે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને UAE જેવા નવા દેશો BRICS સાથે જોડાયા હતા, પરંતુ પાકિસ્તાનને સભ્યપદ મળ્યું નથી. તેના માટે ભારતની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICSમાં મહત્વપૂર્ણ નિર્ણયો સર્વસંમતિના આધારે લેવાતા હોવાથી ભારતનો વિરોધ પાકિસ્તાનની સભ્યપદ પ્રક્રિયામાં મોટો અવરોધ બની શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું છે કે તેમનો દેશ વૈશ્વિક દક્ષિણ સાથે સહયોગ વધારવા માંગે છે. બીજી તરફ, રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મુહમ્મદ ખાલિદ જમાલીએ કહ્યું છે કે પાકિસ્તાન BRICSના સભ્ય દેશો સાથે સતત સંપર્કમાં છે અને ખાસ કરીને રશિયાનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.
ચીન અને રશિયા તરફથી સમર્થન હોવા છતાં ભારતનો વિરોધ પાકિસ્તાન માટે BRICSના દરવાજા ખોલવામાં સૌથી મોટો પડકાર બની રહ્યો છે.





