નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સંગઠનની આગામી દિશા જ નહીં, પરંતુ બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં BRICSની ભૂમિકા અંગે પણ મોટો સંદેશ આપ્યો છે. BRICSના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદીએ કહ્યું કે હવે સંગઠનની એકતા અને સહમતિને વૈશ્વિક સ્તરે ઠોસ પરિણામોમાં ફેરવવાનો સમય આવી ગયો છે.
મોદીએ ભારતની 2026ની BRICS અધ્યક્ષતા દરમિયાન રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપ્યાનો ઉલ્લેખ કર્યો. ભારતે વર્ષ દરમિયાન 350થી વધુ બેઠકો અને ઉચ્ચસ્તરીય કાર્યક્રમો 25થી વધુ શહેરોમાં યોજીને BRICS સહકારને સરકારોથી આગળ લોકો, વેપાર અને અન્ય ક્ષેત્રો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાને આગામી 20 વર્ષ માટે વધુ મહત્વાકાંક્ષી એજન્ડાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમનું કહેવું હતું કે અધ્યક્ષપદ દર વર્ષે બદલાતું હોવા છતાં BRICSની સંસ્થાકીય પ્રગતિ અને પહેલોમાં સતતતા જળવાઈ રહે તે માટે મજબૂત વ્યવસ્થા જરૂરી છે.
મોદીએ વૈશ્વિક ગવર્નન્સમાં સુધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રતિનિધિત્વ, જવાબદારી તથા નિયમ બનાવવાની પ્રક્રિયાને વધુ સમાવેશી બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓને વધુ યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. BRICSના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંક ગવર્નરોએ પણ IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ, પારદર્શિતા અને જવાબદારીની તરફેણ કરી છે.
મોદીએ સમુદ્રી સુરક્ષાનો મુદ્દો પણ મહત્વનો ગણાવ્યો હતો. વૈશ્વિક વેપાર માટે સુરક્ષિત સમુદ્રી માર્ગો અને સીફેરર્સની સલામતી જરૂરી હોવાનું તેમણે રેખાંકિત કર્યું હતું. ઇરાનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પણ તેમણે નેવિગેશનની સ્વતંત્રતા, દરિયાઈ વેપારની સુરક્ષા અને સીફેરર્સના કલ્યાણ પર ભાર મૂક્યો હતો.
આ સાથે વડાપ્રધાને Global Southને માત્ર નિયમોનું પાલન કરનાર નહીં, પરંતુ ભવિષ્યના નિયમો ઘડનાર બનાવવાનો સંદેશ આપ્યો. ખાસ કરીને AI અને ક્રિટિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિકાસશીલ દેશોની ભાગીદારી વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. 12 સપ્ટેમ્બર United Nations Day for South-South Cooperation પણ છે, જેને મોદીના સંદેશ સાથે મહત્વપૂર્ણ સંયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે.




