નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી કિનારાના વિસ્તારોમાં ચિંતા વધી છે. ગંડક નદીમાં આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધવાની શક્યતા વચ્ચે બિહાર સરકારે છ જિલ્લાઓને હાઈ અલર્ટ પર રાખ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરીથી લઈને સ્થળાંતર સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બિહાર સરકારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ખાસ તકેદારીના આદેશ આપ્યા છે. અધિકારીઓને ગંડકના જળસ્તર, તટબંધો, નીચાણવાળા વિસ્તારો, પુલ અને કલ્વર્ટનું સતત મોનિટરિંગ કરવા જણાવાયું છે. જરૂર પડે ત્યારે નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

સૌથી મોટું જોખમ ગંડક નદીમાં અચાનક પાણી વધવાનું છે. અહેવાલો મુજબ આગામી 5થી 6 કલાકમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને લગભગ 3 મીટર સુધીની ફ્લેશ-ફ્લડ વેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વાલ્મીકિનગર બેરેજ અને તેની આસપાસના વિસ્તારો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
બિહારમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગોપાલગંજ માટે NDRF ટીમ મોકલવાની, મુઝફ્ફરપુરમાં ટીમ સ્ટેન્ડબાય રાખવાની અને બેટિયામાં પણ વધારાની ટીમની વ્યવસ્થા કરવાની તૈયારી છે. જિલ્લા વહીવટીતંત્રને બોટ, રાહત શિબિર અને કમ્યુનિટી કિચનની વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ તૈયારી રાખવા નિર્દેશ આપ્યા છે. સરકારની અપીલ છે કે લોકો ગભરાય નહીં, પરંતુ નદી અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે તથા માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે.

