રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ હવે બોલિવૂડમાં નવો વળાંક લીધો છે. જ્વેલરી બ્રાન્ડ GIVAની રક્ષાબંધન જાહેરાતમાં અભિનેત્રી કૃત્તિ સેનનના લુકને લઈને સોશિયલ મીડિયા પર ટીકા થયા બાદ તેણે આખરે ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો. કૃત્તિએ સવાલ ઉઠાવ્યો કે મહિલાઓએ શું પહેરવું તે નક્કી કરવાની માનસિકતા ક્યારે બદલાશે?
તાજેતરમાં વાયરલ થયેલી જાહેરાતમાં કૃત્તિ આઇવરી રંગના બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટમાં જોવા મળી હતી. જાહેરાતમાં તે પોતાના ભાઈને રાખડી બાંધતી ઉપરાંત પોતાના પાલતુ કૂતરાને પણ પરિવારનો હિસ્સો માની રાખડી બાંધે છે. આ બંને બાબતોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક યુઝર્સે પહેરવેશને રક્ષાબંધનના પરંપરાગત માહોલ માટે યોગ્ય ન ગણાવ્યો, જ્યારે કેટલાકે પાલતુ પ્રાણીને ઉજવણીમાં સામેલ કરવાના વિચારને સમર્થન આપ્યું હતું.
વિવાદ ત્યારે વધુ વધ્યો જ્યારે અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સવાલ કર્યો કે ભાઈને રાખડી બાંધતી વખતે કોઈ બિકિની કે અન્ડરગાર્મેન્ટ્સ કેમ પહેરે? તેણે જાહેરાતને ‘ઇન્ટેન્શનલી ક્રીપી’ ગણાવી હતી.

આ ટીકા બાદ કૃત્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તહેવારનો સાર કપડાંમાં નહીં, પરંતુ લાગણી અને પરંપરા પાછળના અર્થમાં છે. તેણે કહ્યું કે રક્ષાબંધન સુરક્ષા અને પ્રેમના બંધનનું પ્રતિક છે અને પોતાની બહેન સાથે બંને એકબીજાને રાખડી બાંધે છે. તેણે મહિલાઓના પહેરવેશને સંસ્કૃતિ સાથે જોડવાની માનસિકતા પર સવાલ ઉઠાવતા લખ્યું કે સંસ્કૃતિ અને પરંપરા કપડાંમાં નહીં, હૃદયમાં વસે છે.
કૃત્તિની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા તેજ બની છે કે તહેવારોમાં આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. આ મુદ્દે ચર્ચા માત્ર ફેશન પૂરતી સીમિત રહી નથી; મહિલાની પસંદગી, સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને જાહેરાતોમાં તહેવારોના રજૂઆતના સ્વરૂપને લઈને પણ ઓનલાઈન મતભેદો ઊભા થયા છે.


