Home Blog

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! સરખેજમાં આટલા ઇંચ વરસાદ, રસ્તાઓ બન્યા જળમાર્ગ

0

અમદાવાદમાં આજે સવારે મેઘતાંડવ સાથે થઈ હતી. વહેલી સવારથી ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં શહેરમાં સરેરાશ 70.33 મિમી એટલે કે 2.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.

સરખેજમાં 5.22 ઇંચ, બાકરોલ-નવરંગપુરામાં પણ ભારે વરસાદ

આ ચાર કલાક દરમિયાન સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સૌથી વધુ 132.50 મિમી એટલે કે 5.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકરોલમાં 110 મિમી, નવરંગપુરામાં 109 મિમી, વાસણામાં 105 મિમી અને સરખેજમાં 98.50 મિમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત કાલુપુરમાં 95 મિમી, ટાગોર કંટ્રોલમાં 93 મિમી, લાંભામાં 91.50 મિમી, મેમનગરમાં 88 મિમી, ચાંદલોડિયામાં 81.50 મિમી તથા દુધેશ્વર અને આશારવામાં 80 મિમી વરસાદ નોંધાયો હતો. શહેરના સાઉથ-વેસ્ટ ઝોનમાં સરેરાશ 89.43 મિમી અને વેસ્ટ ઝોનમાં 84.50 મિમી વરસાદ નોંધાયો હતો.

રસ્તાઓ પાણીમાં ગરકાવ, અંડરપાસ બંધ

ધોધમાર વરસાદના કારણે પરિમલ, શાહીબાગ, અખબારનગર અને મકરબા નજીકના LC-25 અંડરપાસ સહિત અનેક સ્થળોએ પાણી ભરાયું હતું. અખબારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે વાહનવ્યવહાર પર અસર પડી હતી. વેજલપુર, જોધપુર, ઇસ્કોન, શીલજ, હાટકેશ્વર અને નરોડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AMTS-BRTS સેવા પણ ખોરવાઈ

ભારે વરસાદની સીધી અસર જાહેર પરિવહન પર પણ જોવા મળી હતી. ઉપલબ્ધ તાજા ડાયવર્ઝન મુજબ AMTSના 47 રૂટ અસરગ્રસ્ત થયા હતા, જેમાં 41 રૂટ ડાયવર્ટ અને 6 રૂટ અસ્થાયી રીતે ટૂંકાવાયા હતા. BRTSના 17 રૂટમાંથી 5 બંધ, 6 ટૂંકાવાયેલા અને 6 રૂટ ચાલુ રાખવામાં આવ્યા હતા.

વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

ભારે વરસાદ અને વધતી પાણીની આવક વચ્ચે વાસણા બેરેજના 14 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ બેરેજનું પાણીનું સ્ત

ગુજરાતના આ જિલ્લાઓમાં IMDની Warning, અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી

0

ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ એવો ધમાકો બોલાવ્યો છે કે માત્ર બે જ કલાકમાં ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખાસ કરીને મેઘરજ પંથકમાં સવાર-સવારમાં વરસેલા અઢી ઈંચથી વધુ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે, જ્યારે હવામાન વિભાગે સમગ્ર પ્રદેશ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજા આંકડા અનુસાર, ૧૮ સપ્ટેમ્બરે સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન મેઘરજમાં રાજ્યનો સૌથી વધુ ૬૫ મિમી (૨.૫૬ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ જ સમયગાળામાં અરવલ્લીના મોડાસામાં પણ ૫૩ મિમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના તાલોદમાં ૪૮ મિમી, મહેસાણાના ખેરાલુમાં ૩૮ મિમી અને મહેસાણા તાલુકામાં ૩૫ મિમી વરસાદ નોંધાતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના નાઉકાસ્ટ (Nowcast)માં ગુજરાતમાં સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા જિલ્લા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને અન્ય વિસ્તારોમાં યેલ્લો અને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની સ્થિતિમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

વિદેશ જવાનું પ્લાનિંગ છે? બાળકોના પાસપોર્ટ અંગે સરકારે બદલ્યો મહત્વનો નિયમ

0

જો તમે તમારા બાળક માટે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા આગામી સમયમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે બાળકોના પાસપોર્ટની માન્યતા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને આપવામાં આવતો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે 5 વર્ષ અથવા બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી—જે પણ વહેલું હોય—માન્ય રહેશે.

વિદેશ મંત્રાલયે Passports (Amendment) Rules, 2026 જાહેર કરીને Passports Rules, 1980ના Rule 12(1A)માં ફેરફાર કર્યો છે. સત્તાવાર Gazetteમાં પ્રકાશિત સુધારા મુજબ આ નિયમ 36 પાનાના ordinary passport માટે છે. નવા નિયમો Official Gazetteમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવ્યા છે.

પહેલાં શું નિયમ હતો?

જૂના Rule 12(1A) મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ 5 વર્ષ અથવા બાળક 15 વર્ષની ઉંમર સુધી—જે પણ વહેલું હોય—માન્ય રહેતો હતો. હવે આ મર્યાદામાં ફેરફાર કરીને બાળકની ઉંમર 18 વર્ષ કરવામાં આવી છે.

એટલે કે, ઉદાહરણ તરીકે, 10 વર્ષના બાળકનો પાસપોર્ટ બનશે તો તે 5 વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે 14 વર્ષની ઉંમરે પાસપોર્ટ બનાવવામાં આવે તો તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે.

પાસપોર્ટની ફીમાં પણ ફેરફાર

હાલના revised fee structure મુજબ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹2,500 અને 60 પાનાના પાસપોર્ટની ફી ₹3,500 છે. બાળકો માટે 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹1,750 છે.

8 વર્ષથી નાના બાળકોને 10% ડિસ્કાઉન્ટ

પાસપોર્ટની fresh application કરાવતા 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 10 ટકા fee discount મળતો રહે છે. 60 વર્ષથી વધુ ઉંમરના senior citizens માટે પણ fresh passport application પર 10 ટકા discountની જોગવાઈ ચાલુ છે. આ છૂટ re-issue application માટે લાગુ પડતી નથી.

આ રીતે નવા નિયમથી ખાસ કરીને નાના બાળકોના વાલીઓને પાસપોર્ટની validity બાબતે વારંવારની પ્રક્રિયામાંથી રાહત મળી શકે છે. જોકે, બાળકની ઉંમર પ્રમાણે actual validity 5 વર્ષ કરતાં ઓછી પણ થઈ શકે છે, કારણ કે નિયમમાં 18 વર્ષની ઉંમરને અંતિમ મર્યાદા રાખવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને પ્રથમ ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માન

0
ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં 14-15 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજિત અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રાજભાષાના શ્રેષ્ઠ અમલીકરણ બદલ પ્રથમ રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

પ્રથમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલી રાજભાષા શિલ્ડ બેંકના MD અને CEO શ્રી કલ્યાણ કુમારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવારની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સ્વીકારી હતી.

આ સન્માન બેંક દ્વારા રાજભાષાના અસરકારક અમલીકરણ, હિન્દીના પ્રચાર-પ્રસાર અને રાજભાષા નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવેલા સતત પ્રયાસોનું પરિણામ છે.

આ પ્રસંગે બેંકની દ્વિભાષી ગૃહપત્રિકા ‘સેન્ટ્રલાઈટ’ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ‘વારસા અંક’નું પણ વિમોચન કરવામાં આવ્યું. રાજભાષા વિભાગના રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, બંડી સંજય કુમાર અને રાજભાષા સચિવ અંશુલી આર્યા દ્વારા તેનું વિમોચન કરવામાં આવ્યું.

સંમેલન દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની 115 વર્ષની ગૌરવશાળી સફર રજૂ કરતી વિશેષ પ્રદર્શન પણ યોજ્યું હતું. તેમાં બેંકની વિરાસત, નવીન પહેલો, રાજભાષા ક્ષેત્રની સિદ્ધિઓ અને વિકાસયાત્રાને વિવિધ મોડલ તથા પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ મહત્વપૂર્ણ પ્રસંગે બેંકના MD અને CEO કલ્યાણ કુમાર, કાર્યપાલક નિયામક મહેન્દ્ર દોહરે, મુખ્ય મહાપ્રબંધક-રાજભાષા કુશલ પાલ, સહાયક મહાપ્રબંધક-રાજભાષા હિતેન્દ્ર ધૂમાલ સહિત દેશભરના રાજભાષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

18 સપ્ટેમ્બરનું રાશિફળ: આજે કોના ભાગ્યમાં આવશે નવી તક અને સફળતા?

🌟 18 સપ્ટેમ્બર 2026 — દૈનિક રાશિફળ

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. તમારી મહેનત અને નિર્ણયશક્તિથી મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. નાણાકીય બાબતમાં લાભ મળી શકે છે, પરંતુ ઉતાવળથી રોકાણ ન કરવું. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.


♉ વૃષભ: વ્યવસાય અને નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. કોઈ જૂના સંપર્કથી લાભદાયી તક મળી શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. પ્રેમજીવનમાં સમજદારી અને મધુરતા વધશે.


♊ મિથુન: આજે તમારી વાણી અને સંવાદકૌશલ્યથી કામ સરળ બનશે. નવી જવાબદારી અથવા પ્રોજેક્ટ મળી શકે છે. અટકેલા નાણાકીય કામમાં પ્રગતિ થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવું.


♋ કર્ક: મનમાં નવી આશા અને ઉત્સાહ રહેશે. નોકરી-વ્યવસાયમાં તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય માટે આરામ અને નિયમિતતા જાળવવી.


♌ સિંહ: આજે આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના મજબૂત રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ તક તમારા પક્ષમાં આવી શકે છે. નાણાકીય લાભની સાથે ખર્ચ પણ વધી શકે છે. સંબંધોમાં નમ્રતા રાખશો તો દિવસ વધુ સુખદ રહેશે.


♍ કન્યા: આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં નવી જવાબદારી અથવા પ્રગતિની સંભાવના છે. વેપારમાં નવી ડીલ કરતા પહેલાં તમામ વિગતો તપાસવી. અભ્યાસ અને નવી કુશળતા માટે દિવસ અનુકૂળ છે.


♎ તુલા: સંબંધો અને ભાગીદારી માટે દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સહકાર મળવાથી કામ ઝડપથી પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પ્રેમસંબંધોમાં મધુર વાતચીતથી નિકટતા વધશે.


♏ વૃશ્ચિક: આજે કામમાં વ્યસ્તતા અને જવાબદારીઓ વધશે. ધીરજ રાખશો તો મુશ્કેલ પરિસ્થિતિ પર સરળતાથી નિયંત્રણ મેળવી શકશો. નાણાંની લેવડદેવડમાં સાવચેતી રાખવી. કોઈ અંગત બાબતમાં ગુપ્તતા જાળવવી તમારા હિતમાં રહેશે.


♐ ધન: ભાગ્યનો સારો સાથ મળવાની શક્યતા છે. કારકિર્દીમાં નવી તક અથવા મહત્વપૂર્ણ સંપર્ક મળી શકે છે. પ્રવાસ સંબંધિત યોજના બની શકે છે. પરિવાર અને પ્રિય વ્યક્તિ સાથે આનંદદાયક સમય પસાર થશે.


♑ મકર: આજે મહેનત અને શિસ્તથી સારા પરિણામ પ્રાપ્ત થશે. વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. નાણાકીય બાબતમાં લાંબા ગાળાનું આયોજન કરવું. ઘર-પરિવારમાં શાંતિ જાળવવા માટે વાતચીતમાં ધીરજ રાખવી.


♒ કુંભ: નવા વિચારોને કાર્યમાં મૂકવા માટે દિવસ અનુકૂળ છે. વ્યવસાયિક ક્ષેત્રે નવી તક અથવા સંપર્ક મળી શકે છે. અચાનક ખર્ચ થવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. મિત્રો અને પરિવાર સાથે સારો સમય મળશે.


♓ મીન: આજે ધીરજ અને સમજદારીથી આગળ વધવું જરૂરી રહેશે. જૂના અધૂરા કામ પૂર્ણ કરવાની તક મળશે. નાણાકીય બાબતમાં સાવચેતી અને આયોજન લાભદાયી રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિ અથવા ધ્યાનથી મનને શાંતિ મળશે.

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

0

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ મામલો વધુ ઉગ્ર બન્યો છે. હવે દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ₹500 કરોડની માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે. બંનેને તેમના નિવેદનો પાછા ખેંચી જાહેર માફી માંગવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, નોટિસમાં સતીશ સાલિયાને આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓના જાહેર નિવેદનોથી તેમની દીકરીના મૃત્યુ અંગે ફરી તપાસની માંગને રાજકીય રંગ આપવામાં આવ્યો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. નોટિસમાં નિવેદનો પાછા ખેંચવા, લેખિત જાહેર માફી માગવા અને ₹500 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

આ મામલો 16 સપ્ટેમ્બરે આદિત્ય ઠાકરેના નિવેદન બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ દિશા સાલિયનને ક્યારેય મળ્યા નથી કે તેમની સાથે કોઈ ઓળખાણ નહોતી. તેમણે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું નામ આ કેસ સાથે જોડવાના પ્રયાસોને રાજકીય અને વ્યક્તિગત કારણોથી કરવામાં આવતી કાર્યવાહી ગણાવી હતી. સાથે જ તેમણે કોઈ રાજકીય હસ્તક્ષેપ વિના નિષ્પક્ષ તપાસની વાત કરી હતી.

અનિલ દેશમુખના અગાઉના નિવેદનનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ચ 2025માં દેશમુખે દિશા સાલિયન કેસને આદિત્ય ઠાકરેને બદનામ કરવાના ષડયંત્ર તરીકે વર્ણવ્યો હતો. હવે સતીશ સાલિયાને આ પ્રકારના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે.

દરમિયાન, 2 સપ્ટેમ્બર 2026ના રોજ બોમ્બે હાઈકોર્ટે દિશા સાલિયનના મૃત્યુની નવેસરથી CBI તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ CBIએ 14 સપ્ટેમ્બરે FIR નોંધાવી હતી. FIRમાં આદિત્ય ઠાકરે સહિત અનેક વ્યક્તિઓના નામ છે, જેમની ભૂમિકાની તપાસ કરવાની વાત છે.

દિશા સાલિયનનું 8 જૂન 2020ના રોજ મુંબઈમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેઓ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હટી. અગાઉ પોલીસ તપાસમાં તેમના મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધવામાં આવ્યું હતું, જ્યારે હવે CBI સમગ્ર ઘટનાક્રમ અને અગાઉની તપાસમાં ઉઠેલા સવાલોની ફરી તપાસ કરી રહી છે.

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

0

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી કાર્યકાળ નહીં સ્વીકારે તેવી જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ હવે અચાનક આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. ટાટા સન્સના બોર્ડે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરી નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા પણ આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ટાટા ગ્રુપમાં આગામી દિવસોની દિશા અંગે ચર્ચા તેજ બની છે.

ટાટા સન્સના બોર્ડે મળેલી બેઠકમાં ચંદ્રશેખરનના નવા કાર્યકાળને મંજૂરી આપી હતી. તેઓ વર્ષ 2017થી ટાટા સન્સના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમનો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027એ પૂર્ણ થવાનો હતો. ખાસ વાત એ છે કે ઓગસ્ટ 2026માં તેમણે પોતે જ કહ્યું હતું કે હાલનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ બીજા કાર્યકાળ માટે ચૂંટણી નહીં લડે. હવે બોર્ડના તાજા નિર્ણયથી આ સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ નિર્ણયને લઈને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ વિરોધ નોંધાવ્યો હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. જ્યારે ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિનું સમર્થન કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ બોર્ડમાં આ પ્રસ્તાવને સર્વસંમતિ મળી નહોતી.

બીજી તરફ, ટાટા સન્સના લિસ્ટિંગનો મુદ્દો પણ આ બેઠકમાં મહત્વનો રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં ટાટા સન્સની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકેની NBFC નોંધણી સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી. પરિણામે ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટિંગની નિયમનકારી જરૂરિયાત ફરી કેન્દ્રમાં આવી છે.

RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને Upper Layer NBFC તરીકે વર્ગીકૃત કરી હતી. આવા NBFC માટે નિર્ધારિત સમયમર્યાદામાં શેરબજારમાં લિસ્ટિંગ કરવું જરૂરી છે. લિસ્ટિંગની આ અનિવાર્યતા ટાળવા માટે ટાટા સન્સે 2024માં ₹21,000 કરોડથી વધુનું દેવું ચૂકવીને NBFC રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે બંને મહત્વના પ્રસ્તાવો—ચંદ્રશેખરનનો નવો કાર્યકાળ અને ટાટા સન્સનું લિસ્ટિંગ—આગામી AGMમાં શેરધારકોની મંજૂરી પર નિર્ભર રહેશે. ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો હોવાથી AGMના નિર્ણયમાં ટ્રસ્ટ્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.

મેથ્સનું હોમવર્ક ભારે પડ્યું તો બાળકે શોધ્યો અનોખો રસ્તો! 8 વર્ષના બાળકે રચ્યો વર્લ્ડ રેકોર્ડ

જે ઉંમરે બાળકો ગણિતના હોમવર્કથી બચવાના રસ્તા શોધતા હોય છે, એ જ ઉંમરે ઓસ્ટ્રેલિયાના નોઆ વિલિયમ્સે ગણિતને સરળ બનાવવા કોડિંગનો રસ્તો પસંદ કર્યો હતો. મેલબર્નના આ બાળ પ્રોગ્રામરે માત્ર 6 વર્ષની ઉંમરે C++ શીખી કમ્પ્યુટરને ગણિતીય ગણતરીમાં મદદરૂપ બનાવવાનું શરૂ કર્યું અને પછી માત્ર 8 વર્ષ 307 દિવસની ઉંમરે Guinness World Recordsમાં સૌથી નાની ઉંમરના કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે સ્થાન મેળવ્યું.

6 વર્ષની ઉંમરે શરૂ થયો કોડિંગનો સફર

નોઆ વિલિયમ્સનો જન્મ 5 ઓક્ટોબર 2016ના રોજ થયો હતો અને તે મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં રહે છે. નાનપણથી જ તેને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં રસ હતો. તેણે માઇક્રોબિટ કિટ અને અન્ય પ્રોજેક્ટ્સથી શરૂઆત કરી અને 6 વર્ષની ઉંમરે C++ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી લીધી. ત્યારબાદ તેણે કમ્પ્યુટરની મદદથી ગણિતીય ગણતરીઓને સરળ બનાવતા પ્રોગ્રામ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.

અહીં એક મહત્વની વાત એ છે કે નોઆએ કોડિંગને માત્ર શોખ તરીકે નહીં, પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ શોધવાના સાધન તરીકે અપનાવ્યું હતું. એટલે કે ગણિતના કામને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડીને તેણે ટેક્નોલોજી પ્રત્યેનો પોતાનો રસ વધુ વિકસાવ્યો હતો. તેણે અત્યાર સુધી 15થી વધુ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યા છે, જેમાં 8 પ્રોગ્રામમાં C++ અને Pythonનો ઉપયોગ થયો છે.

7 વર્ષની ઉંમરે Mensaમાં પ્રવેશ

નોઆની બીજી મોટી સિદ્ધિ પણ નાની ઉંમરે જ આવી. 7 વર્ષની ઉંમરે તેઓ હાઇ-IQ સોસાયટી Mensaના સભ્ય બન્યો હતો. તેના IQ ટેસ્ટનો સ્કોર 99.9th percentileમાં હતો, એટલે ટેસ્ટ આપનારી વસ્તીમાં તે ટોચના 0.1 ટકા જૂથમાં આવ્યો હતો.

8 વર્ષ 307 દિવસમાં વર્લ્ડ રેકોર્ડ

નોઆનો સત્તાવાર રેકોર્ડ એક પ્રોગ્રામ સાથે જોડાયેલો છે. નોઆની ઉંમર 8 વર્ષ 307 દિવસ હતી ત્યારે એક સ્વતંત્ર ફર્મે તેનો બનાવેલો કમ્પ્યુટર પ્રોગ્રામ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ તેને ‘Youngest person to programme computers (male)’નો Guinness World Records ખિતાબ મળ્યો હતો.

હવે રોબોટ્સ અને ડ્રોન પર નજર

કોડિંગ બાદ નોઆનો રસ હવે રોબોટિક્સ અને ડ્રોન સુધી પણ પહોંચી ગયો છે. Guinnessની 2027 Young Achievers પ્રોફાઇલમાં તેને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ક્ષેત્રના યુવા પ્રતિભાશાળી તરીકે દર્શાવવામાં આવે છે. નોઆના જણાવ્યા મુજબ કોડિંગની મૂળભૂત બાબતો શીખ્યા પછી સર્જનાત્મક શક્યતાઓ ઘણી વધી જાય છે.

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે એક દેશી બીજ ફરી ચર્ચામાં આવ્યું છે—હલીમ સીડ્સ. જેને અળિવ, અલિવ અથવા Garden Cress Seeds તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવમાં નાના આ બીજમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ સહિત અનેક પોષક તત્વો જોવા મળે છે.પ્રકાશિત વૈજ્ઞાનિક રિવ્યૂમાં પણ હલીમ સીડ્સની પોષક રચના અને સંભવિત હેલ્થ બેનિફિટ્સ અંગે સંશોધનોની સમીક્ષા કરવામાં આવી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે તેને કોઈ બીમારીની દવા તરીકે નહીં, પરંતુ સંતુલિત આહારના ભાગ તરીકે જોવું જોઈએ.

હલીમ સીડ્સમાં શું ખાસ છે?

હલીમ સીડ્સમાં પ્રોટીન, ફાઇબર, જરૂરી ફેટી એસિડ્સ અને આયર્ન, કેલ્શિયમ તથા પોટેશિયમ જેવા મિનરલ્સ મળે છે. તેમાં glucosinolates, flavonoids અને અન્ય bioactive compounds પણ હોય છે. Nutritionistએ પણ હલીમ સીડ્સને આયર્ન, પ્રોટીન અને ફોલેટના સ્રોત તરીકે સમજાવ્યા છે.

પાચનથી લઈને વજન મેનેજમેન્ટ સુધી મદદ?

હલીમ સીડ્સમાં રહેલું ફાઇબર પાચન અને bowel movement માટે મદદરૂપ થઈ શકે છે. ફાઇબર અને પ્રોટીનને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાની લાગણી થઈ શકે છે, જે appetite controlમાં મદદ કરી શકે છે. તેમાં રહેલા વિવિધ antioxidant અને bioactive compoundsને કારણે antioxidant તથા anti-inflammatory activity અંગે પણ સંશોધન થયું છે.

આયર્નની બાબતમાં પણ હલીમ સીડ્સ ચર્ચામાં છે. Nutritionistએ તેને iron deficiency ધરાવતા લોકોના આહારમાં સામેલ કરી શકાય તેવા પોષક વિકલ્પ તરીકે રજૂ કર્યા છે. પરંતુ હિમોગ્લોબિન ઓછું હોય તો માત્ર હલીમ સીડ્સથી સારવાર કરવી યોગ્ય નથી—ડૉક્ટરની સલાહ અને જરૂરી ટેસ્ટ મહત્વના છે.

ક્યારે અને કેવી રીતે ખાવા?

હલીમ સીડ્સને સામાન્ય રીતે પલાળીને ખાવાની રીત પ્રચલિત છે. તેને દૂધ, દહીં, સ્મૂધી, દલિયા અથવા અન્ય ખોરાકમાં ઉમેરી શકાય છે. જોકે તેના માટે દરેક વ્યક્તિને લાગુ પડે એવી ચોક્કસ “બેસ્ટ ટાઇમ” અથવા scientifically established daily dose નથી.

એટલે પહેલીવાર લેતા હોવ તો નાની માત્રાથી શરૂઆત કરવી વધુ યોગ્ય છે. ખાસ કરીને તેને ઔષધીય માત્રામાં લેતા પહેલાં ડૉક્ટર અથવા qualified dietitianની સલાહ લેવી જોઈએ.

કોણે હલીમ સીડ્સથી સાવચેત રહેવું?

ગર્ભવતી મહિલાઓએ હલીમ સીડ્સને સામાન્ય ખોરાક કરતાં વધુ માત્રામાં લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

થાયરોઇડની સમસ્યા ધરાવતા લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે હલીમ સીડ્સમાં એવા compounds હોય છે જે thyroid function સાથે અસર કરી શકે છે.

ડાયાબિટીસની દવા લેતા લોકોએ પણ ડૉક્ટરની સલાહ વગર વધારે માત્રામાં તેનો ઉપયોગ ન કરવો. સંશોધનમાં હલીમ સીડ્સની blood-sugar-lowering activity જોવા મળી છે, જોકે આ અસર અંગે વધુ human trialsની જરૂર છે.

વધારે ખાશો તો સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ શકે

હલીમ સીડ્સની વધારે માત્રાથી કેટલાક લોકોને પેટમાં અસ્વસ્થતા, ઉબકા અથવા ઝાડા જેવી તકલીફ થઈ શકે છે. અહેવાલ મુજબ મોટી માત્રામાં લેવાથી સ્ટમક અપ્સેટ થઈ શકે છે. કેટલાક લોકોમાં allergy પણ થઈ શકે છે.

સાથે જ, હલીમ સીડ્સને કોઈ “ચમત્કારી બીજ” માનવું યોગ્ય નથી. તેમાં પોષક તત્વો ચોક્કસ છે, પરંતુ બીમારીની સારવાર માટે દવા અથવા ડૉક્ટરની સલાહનો વિકલ્પ નથી. સંતુલિત આહાર સાથે યોગ્ય પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો અને કોઈ medical condition હોય તો નિષ્ણાતની સલાહ લેવી સૌથી મહત્વપૂર્ણ છે.

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

0

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી સ્કીમ કથિત રીતે ચલાવવામાં આવી, જેમાં માત્ર રૂ.10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપ આપવાનું કહી 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુ વસૂલવામાં આવ્યા હોવાનો આરોપ છે. ચોંકાવનારી વાત એ છે કે આ સ્કીમની સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ પણ તે માલિકની ગેરહાજરીમાં ચાલુ રાખવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે જિમના માલિકે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા વિજય સેંગર ‘જિમ લોન્જ’ નામથી જિમ ચલાવે છે અને તેની અનેક શાખાઓ આવેલી છે. જિમના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી રૂ.10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપની ખાસ ઓફર શરૂ કરવામાં આવી હતી. 10 જુલાઈ બાદ આ સ્કીમ બંધ કરી નિયમિત દરે મેમ્બરશિપ આપવાની હતી.

આ દરમિયાન વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામે આશરે બે મહિના બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરીમાં જિમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે બંનેએ બંધ થઈ ગયેલી 10 વર્ષની સ્કીમ ફરી શરૂ કરી અને અલગ-અલગ બ્રાન્ચના સ્ટાફને પણ આ સ્કીમ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

10 સપ્ટેમ્બરે વિજય સેંગર પરત ફર્યા ત્યારે કેટલાક ગ્રાહકો 10 વર્ષની મેમ્બરશિપની ફી ભર્યાના પુરાવા સાથે જિમમાં આવ્યા હતા. પરંતુ તપાસ કરતાં આ રકમ જિમના સત્તાવાર બેંક ખાતામાં જમા થઈ ન હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ અનુસાર, મનીષ શર્મા ગ્રાહકોને સ્કીમ સમજાવી UPI અને રોકડ મારફતે રકમ લેતો અને ત્યારબાદ મેમ્બરશિપ આપતો હતો.

ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ એ છે કે જૈનિશ શુક્લાએ પોતાની પત્ની ભારતી શુક્લા સાથે જિમમાં ભાગીદારી દર્શાવતો કથિત ખોટો એગ્રીમેન્ટ તૈયાર કર્યો હતો. આ દસ્તાવેજના આધારે ‘જિમ લોન્જ’ સાથે મળતા નામે બેંક ખાતું ખોલાવી તેમાં પણ મેમ્બરશિપની રકમ લેવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લા સાથે મળીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુની રકમ UPI, રોકડ અને બેંક ખાતા મારફતે મેળવી હોવાનો આક્ષેપ છે. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. બેંક ટ્રાન્ઝેક્શન, UPI પેમેન્ટ, ગ્રાહકોની મેમ્બરશિપ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.