Home Blog

બાપ્પાના આશીર્વાદથી મોટી દુર્ઘટના ટળી! લાલબાગ ચા રાજાના પંડાલમાં શોર્ટ સર્કિટ

0

ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે મુંબઈના વિશ્વપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ના દર્શને પહોંચેલા હજારો ભક્તોના શ્વાસ રવિવારે ત્યારે અધ્ધર થઈ ગયા જ્યારે પંડાલમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાયું હતું. આસપાસ તણખા ઝરતાં જ અબાલ-વૃદ્ધ સૌમાં નાસભાગ મચી ગઈ હતી અને એક ક્ષણ માટે તો ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, બાપ્પાના આશીર્વાદ અને વહીવટી તંત્રની ત્વરિત કાર્યવાહીને પગલે કોઈ મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સમયસૂચકતા વાપરીને સ્થિતિ પર કાબૂ મેળવી લેવાતાં તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત બચી ગયા હતા અને ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રજાનો દિવસ હોવાથી લાલબાગચા રાજાના દરબારમાં દર્શનાર્થીઓનો ભારે મહેરામણ ઉમટી પડ્યો હતો. આ દરમિયાન ‘મુખ દર્શન’ની લાઈન પાસે આવેલા એક ઇલેક્ટ્રિકલ ફીડર પિલર (સ્વિચ અને સર્કિટ બ્રેકર ધરાવતું બહારનું કેબિનેટ)માં અચાનક જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કેબિનેટમાંથી વીજળીના તણખા ઉડવા લાગતા લાઈનમાં ઊભેલા લોકોમાં ગભરાટ ફેલાઈ હતી અને અફરાતફરી જેવો માહોલ ઊભો થયો હતો.

જોકે, સ્થળ પર હાજર સિક્યોરિટી ગાર્ડ્સ, મંડળના સતર્ક સ્વયંસેવકો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમે તરત જ મોરચો સંભાળી લીધો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી અને તે વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. ટેકનિકલ ટીમે ગણતરીની મિનિટોમાં જ વાયરિંગની ખામી સુધારી લેતાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ જ દર્શન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા હતા. સાવચેતીના પગલારૂપે બેસ્ટ (BEST) અને બીએમસીના અધિકારીઓએ પંડાલના તમામ અસ્થાયી વીજ જોડાણોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આ શોર્ટ સર્કિટની ઘટનાએ લોકોમાં એટલા માટે વધુ ગભરાટ ફેલાવ્યો હતો, કારણ કે રવિવારે વહેલી સવારે જ આ વિસ્તાર નજીક કાલાચોકીના દત્તાનારામ લાડ માર્ગ પર એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી ચૂકી હતી. ત્યાં અન્ય એક ગણેશ પંડાલ પાસે પીવાના પાણીના અસ્થાયી સ્ટોલમાં વીજ કરંટ લાગવાથી ૮ વર્ષની માસૂમ બાળકી અને એક ૩૩ વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

એક જ દિવસમાં વીજળીને લગતી બે ઘટનાઓ સામે આવતાં મુંબઈ પ્રશાસન હરકતમાં આવી ગયું છે.

ભાંગી પડેલી અર્થવ્યવસ્થાએ એક પિતાને માસૂમ દીકરીની હત્યા અને આત્મહત્યા કરવા મજબૂર કર્યો!

0

કંગાળ અર્થવ્યવસ્થાને પગલે વ્યક્તિગત અને સામૂહિક આપઘાતના રોજેરોજના બનાવોની હારમાળા છતાં શાસકોની સંવેદનાને અસર થતી નથી, મરવું કોઈને નથી, પરંતુ સંકટમાંથી બચવા મોત સિવાય કોઈ રસ્તો નથી મળતો

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં આર્થિક સંકટમાં ઘેરાયેલા એક પિતાએ પાંચ વર્ષની વહાલી દીકરીની હત્યા કરીને પોતે કરેલી આત્મહત્યાની ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા

પિતાએ દીકરીની હત્યા કર્યા બાદ ગળામાં હાર પહેરાવી માથે ચૂંદડી ઓઢાડીને સમા‌‌િધની સ્થિતિમાં દીકરીનો મૃતદેહ ફ્રિજમાં મૂકી દીધો હતો જાણે સાક્ષાત માતાજી બેઠા હોય

જૂનાગઢના દંપતીએ કરેલા સામૂહિક આપઘાત પાછળ પણ આર્થિક સંકડામણ કારણભૂત હતી, ભાઈને ફોન કરીને દંપતીએ ઝેરી દવા ખાઈને સામૂહિક મોતની સોડતાણી લીધી હતી

પિતા માત્ર પાંચ વર્ષની દીકરીની હત્યા કરવા ઈચ્છતો નહોતો પરંતુ તેને પોતાના મોત પછીની દીકરીની ચિંતા હતી, લાચાર પિતાએ સ્યાસુઈડ નોટમાં વ્યક્ત કરેલી વેદના હચમચાવનારી હતી

પાછલા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં બનેલી બે ઘટનાએ સમાજની કથળતી જતી આર્થિક સ્થિતિનું કરૂણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રથમ ઘટનામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં બનેલી ઘટનાએ ઋજુ હૃદયના લોકોની આંખમાં આંસુ લાવી દીધાં હતાં. પાછલા વર્ષોથી રાજ્યમાં આપઘાતની ઘટનાઓને ગણવામાં આવે અને આપઘાત પાછળના કારણોનું મંથન કરવામાં આવે તો સમાજમાં વિકાસ અને સુખાકારીનો બૂંગિયો વગાડતા ફરતા લોકોના પગ નીચેથી ધરતી સરકી જશે.
મધ્યમ વર્ગની હવે આર્થિક સ્થિતિ મરી પરવાના આરે આવીને ઊભી છે. કેટલાંક પરિવારો એવા પણ હશે કે જેની પાસે શાકભાજી લેવાના પણ પૈસા નહીં હોય! પણ, ગરીબ પરિવારોની વ્યથા સાંભળવાની કોને પડી છે? વીતેલાં વર્ષોમાં વ્યક્તિગત અને સામૂહિક આપઘાતની બનેલી ઘટનાઓ અંગે વિગતે તપાસ કરવાની સમાજની કથળતી જતી આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરવાની સરકારમાં બેઠેલા કોઈને પણ ચિંતા નથી અને જે લોકો ચિંતા કરી શકે તેમ છે તેનો કોઈ અવાજ નથી. સરકારના સમાજ કલ્યાણ વિભાગની હાલત પણ તાળું મારી દેવા જેવી છે.
ખેર, સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં બનેલી ઘટના એટલે ચર્ચાનો વિષય બની હતી કે, લાચાર પિતાએ પોતે આપઘાત કરતા પહેલા પોતાની માત્ર પાંચ વર્ષની માસૂમ પુત્રીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી! પોતાના જીવ કરતા વહાલી દીકરીની હત્યા કરતા પહેલા ચોક્કસ પિતાના હાથ ધ્રૂજ્યા હશે. ઘડીભર માટે પિતા થંભી ગયો પણ હશે, પરંતુ દીકરીના હત્યારા પિતાને ખબર હતી કે મારા આપઘાત પછી મારી દીકરીનું જીવતર બદ્દતર બની જશે. આમ પણ ગરીબ હોય કે અમીર, પરિવારોમાં દીકરી પિતાને સૌથી વધુ વહાલી હોય છે. બલ્કે દીકરી પિતા માટે માતા સમાન પણ હોય છે. કારણ કે, ઘરમાં દીકરી એક એવું પાત્ર છે કે, જે પિતાને પણ ઠપકો આપી શકે. પિતા સાથે લડી પણ શકે છે. આટલા પવિત્ર સંબંધો વચ્ચે કયો પિતા પોતાના કાળજાના ટુકડાની હત્યા કરે? પરંતુ કથળતી જતી આર્થિક પરિસ્થિતિએ અનેક પરિવારોને સામૂહિક આત્મહત્યા કરવા કે વ્યક્તિગત આત્મહત્યા કરવા મજબૂર કર્યા હશે.
હાડીડા ગામ ગણતરીની વસ્તીવાળું ગામ છે. વળી શહેરી વિસ્તારથી દૂર હોવાથી અહીંયા કોઈ ચમકદમક નથી. મોટાભાગના પરિવારો ગરીબ અને મધ્યમવર્ગના હોવાથી સુખ-દુઃખ વહેંચીને રહેતા ગામના પરિવારો ભાગ્યે જ એકબીજાની પરિસ્થિતિથી અજાણ હશે.
બાંધકામની સાઈટ ઉપર કામ કરતો કિશોર ધણાક પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. પરંતુ દીકરી હિમાંશી ઉર્ફે નિકુ અને પત્ની મંજુલા સાથે હળીમળીને રહેતા હતા. કિશોર ધણાક કામ ઉપરથી આવે અને દીકરીને મળે એટલે શરીરનો થાક આપોઆપ દૂર થઈ જતો હતો. માત્ર પાંચ વર્ષની નાનકડી ઢીંગલી જેવી હિમાંશી પિતા કિશોરને ખૂબ વહાલી હતી.
પરંતુ પરિવારની કથળતી જતી આર્થિક સ્થિતિ કિશોર ધણાકને કોરી ખાતી હતી. એક તરફ આંગણામાં ઊછરી રહેલી દીકરી હિમાંશી અને બીજી તરફ નિર્દોષ પત્નીના ભવિષ્યને લઈને કિશોર ધણાક મનોમંથન કરી રહ્યો હતો, પરંતુ ચારેતરફથી ભરડો લઈ ચૂકેલી મંદી અને બેરોજગારીને પગલે આર્થિક સંકડામણ કિશોર ધણાકના પરિવારને અજગરી ભરડો લઈ ચૂકી હતી. ગામના લોકોને કિશોર ધણાકની નબળી આર્થિક સ્થિતિનો ખ્યાલ હતો, પરંતુ કિશોરના મનમાં ચાલી રહેલા વલોપાતનો ભાગ્યે જ કોઈને ખ્યાલ હતો.
અને આખરે લાંબા મનોમંથનના અંતે કિશોર ધણાકે આપઘાત કરવાનો નિર્ધાર કરી લીધો હશે. પરંતુ મારા મોત પછી મારી વહાલી દીકરીનું શું થશે? આ વિચારમાત્રથી કિશોરનો આત્મા ફફડી ઊઠ્યો હશે અને આ વાત કિશોરે આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં વર્ણવી હતી. કિશોર ધણાંકે લખ્યું હતું કે, આર્થિક વહેવાર ખોરવાઈ જવાથી આપઘાત જેવું પગલું ભરવા નિર્ણય કર્યો હતો, પરંતુ મારા મોત પછી મારી દીકરીનું શું થશે? આ વિચાર માત્રથી કદાચ કિશોર ધણાકે પોતે આપઘાત કરતા પહેલા પોતાની માસૂમ દીકરીની હત્યા કરીને મહાપાપ કર્યું હતું!
દીકરી પિતાને કેટલી વહાલી હતી તેનો પુરાવો આપતી ઘટનારૂપે દીકરીની હત્યા કર્યા બાદ દીકરીના મૃતદેહને કુમકુમ તિલક કરીને માથે ચૂંદડી ઓઢાડીને જાણે દીકરીને સમા‌‌િધ આપતો હોય તેમ દીકરીના મૃતદેહને ફ્રિજમાં સુવડાવીને નહીં પરંતુ જાણે દીકરી જીવતી જાગતી બેઠી હોય એ રીતે બંને બાજુમાં ઓશીકાની ગાદી બનાવીને ફ્રિજમાં બેસાડી છેલ્લી વખતે દીકરી માથે હેત વરસાવી લીધું હશે અને ત્યાર બાદ પોતે પોતાના મોઢા ઉપર સફેદ કપડાથી મોંઢું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો! સાંજના સમયે પત્ની મંજુલાએ ઘરે આવીને દરવાજો ખટખટાવ્યો, પરંતુ અંદરથી પિતા-પુત્રી પૈકી કોઈનો પણ અવાજ નહીં આવતા મંજુલાબેનના મનમાં કંઈક અજુગતું થયાની ફાળ પડી હતી. ગામના સરપંચ અને લોકોને બોલાવીને દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા અંદરનું દૃશ્ય જોઈને સહુકોઈ ફફડી ઊઠ્યા હતા. એક તરફ કિશોર ધણાકનો મૃતદેહ લટકતો હતો. સાથે જ એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને આ સ્યુસાઈડના એક-એક શબ્દ થથરાવનારા હતા. કિશોર ધણાંકે પોતાની આત્મહત્યા પાછળ આર્થિક કારણો અને નોકરી, ધંધાની કંગાળ સ્થિતિ કારણભૂત ગણાવી હતી અને ત્યાર પછી લખેલા શબ્દો અકળાવનારા હતા.
સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી વહાલી દીકરી મારા મૃત્યુ પછી દુઃખી ન થાય એટલે તેની હત્યા કરીને લાશ ફ્રિજમાં મૂકી દીધી છે! અને લોકોએ ફ્રિજ ખોલતા જાણે દીકરી હસતી- ખેલતી બેઠી હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. નાનકડી ઢીંગલીને માથે ચૂંદડી ઓઢાડીને ગળામાં હાર પહેરાવેલો હતો. જાણે સાક્ષાત્ માતાજીનો અવતાર હોય! વળી હિમાંશીને એક સ્વચ્છ આસન ઉપર બેસાડી બંને તરફ ઓશીકાના ટેકા મૂકી દેવાયા હતા!
ઘટના સમયે હાજર એક પણ વ્યક્તિ પાસે શબ્દો નહોતા. પત્ની મંજુલા પડી ભાંગી હતી. આખું હાડીડા ગામ શોકમાં સરી પડ્યું હતું. કિશોર ધણાકની કોઈ મોટી આર્થિક જવાબદારી નહોતી. પરંતુ વર્તમાન સમયમાં ઘણા પરિવારો એવા હશે કે ઘર-પરિવારનો ગુજારો કરવાનું પણ શક્ય નહીં હોય અને રોજરોજ મરી રહ્યા હશે.
આવી એક ઘટના જુનાગઢ શહેરમાં બનવા પામી હતી. ગુજરાત એસ.ટી. નિગમમાં ફરજ દરમિયાન બરતરફ કરાયેલા ૫૮ વર્ષના વનરાજસિંહ ઝાલાએ તેમની ૫૫ વર્ષની પત્ની રેખાબા ઝાલા સાથે સામૂહિક આપઘાત કરી લીધો. દંપતીના આપઘાત પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હતી. પતિ-પત્નીએ ઝેરી દવા પીતા પહેલા તેના ભાઈને છેલ્લો ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ‘હવે અમે જિંદગીથી અને આર્થિક સંકડામણથી થાકી ગયા છીએ અને અમે ઝેર ખાઈ લીધું છે!’
અલબત્ત, સંબંધીઓ દોડી આવ્યા હતા અને બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન દંપતીએ અંતિમ શ્વાસ લીધા હતા. વર્તમાન આર્થિક તંગ સ્થિતિમાં અનેક પરિવારો મોતના દરવાજા નજીક પહોંચી ગયા હશે. રોજરોજ બનતી આપઘાતની ઘટનાઓ પૈકી મોટાભાગના આપઘાત પાછળ આર્થિક તંગદીલી, બેરોજગારી કારણભૂત હશે, પરંતુ સ્થિતિ એવી છે કે, જ્યારે બધા જ આર્થિક તંગ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોણ કોના દર્દની પરવા કરે? બીજી તરફ સરકારની હાલત પણ કહેવા જેવી નથી. પહેલા કોઈ એક આપઘાતની ઘટના બને તો આખી સરકાર હાલી ઊઠતી હતી. પરંતુ રોજરોજ આપઘાતની અનેક ઘટનાઓ બનતી હોય ત્યારે સરકારની સંવેદના પણ કેટલી હદે ટકી શકે.
સ્મશાન ઘાટ દરેક મૃતકની પાછળ રડવા બેસે તો અંતિમ સંસ્કાર કઈ રીતે થઈ શકે?

મેલોની સરકારના નવા પ્રસ્તાવથી ઇટલીની શાળાઓમાં બદલાશે નિયમો, જાણો શું છે પ્લાન

ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ શિક્ષણ ક્ષેત્રે એક એવા ઐતિહાસિક અને કડક કાયદાકીય ફેરફારની જાહેરાત કરી છે, જે માત્ર ઇટલી જ નહીં પરંતુ સમગ્ર યુરોપના રાજકારણ અને સામાજિક તાણાવાણા પર ઘેરી અસર છોડી શકે છે.

રોમમાં પોતાની પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટલી’ના યુવા સંગઠનના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મેલોનીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ નિયમો હેઠળ શાળાઓમાં બુર્કા અને નકાબ જેવા ચહેરો સંપૂર્ણપણે ઢાંકતા વસ્ત્રો પર આકરો પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના જ દેશના વર્ગખંડમાં અલ્પસંખ્યક કે અસુરક્ષિત અનુભવાય નહીં તે માટે દરેક વર્ગમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાની એક ચોક્કસ કાનૂની મર્યાદા નક્કી કરવામાં આવશે.

મેલોનીના જણાવ્યા અનુસાર, જે વિદેશી વિદ્યાર્થીઓને ઇટાલિયન શિક્ષણ પ્રણાલીમાં ભણવામાં કે ભાષા સમજવામાં ગંભીર મુશ્કેલી પડી રહી હોય, તેમના માતા-પિતા માટે પણ ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવામાં આવશે. તેમણે દલીલ કરી હતી કે જો વર્ગખંડમાં ભાષા ન સમજતા બાળકોની સંખ્યા બહુમતીમાં થઈ જાય, તો તે સમાવેશ (ઇન્ટિગ્રેશન) નહીં પણ શૈક્ષણિક અવહેલના બની જાય છે. ઇટલીની સંશોધન સંસ્થા ‘Fondazione ISMU’ના આંકડા મુજબ, દેશની શાળાઓમાં હાલમાં આશરે ૯.૩ લાખ બિન-ઇટાલિયન નાગરિકતા ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે કુલ શાળાકીય વસ્તીના ૧૧.૬ ટકા જેટલા થાય છે.

આ પ્રસ્તાવને સરકારી મંજૂરી મળ્યા બાદ ૬૦ દિવસની અંદર સંસદમાંથી પસાર કરાવવો જરૂરી રહેશે, જેથી તે વિધિવત કાયદાનું રૂપ લઈ શકે. નોંધનીય છે કે જાહેર સ્થળો કે શાળાઓમાં સંપૂર્ણ ચહેરો ઢાંકવા અંગે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ અગાઉ ૨૦૧૪માં ફ્રાન્સ અને ૨૦૧૭માં બેલ્જિયમ સરકારના પ્રતિબંધિત નિર્ણયોને કાયદેસર ઠેરવી ચૂકી છે. હાલમાં આ નિયમો અમલી બન્યા નથી, પરંતુ ઇટલી સરકારનો આ આકરો અભિગમ દેશમાં વળાંક લેતી ઇમિગ્રેશન નીતિ અને સાંસ્કૃતિક સુમેળ સાધવાની દિશામાં એક મોટું રાજકીય પગલું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં હડકંપ: સોમનાથ મંદિર અને ભાજપ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી!

0

ગુજરાતમાં મહત્વના સ્થળોને નિશાન બનાવતી બોમ્બ ધમકીના ઈ-મેઈલે સુરક્ષા તંત્રને સતર્ક કરી દીધું છે. સોમનાથ મંદિર સહિત ભાજપ સાથે જોડાયેલા સ્થળો અને અન્ય મહત્વના વ્યક્તિઓને નિશાન બનાવવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં અમદાવાદમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

મળતી માહિતી મુજબ, અજાણ્યા શખ્સ દ્વારા મોકલાયેલા ઈ-મેઈલમાં સોમનાથ મંદિર ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપનું સેન્ટ્રલ કાર્યાલય, પોલીસકર્મીઓ અને RAWને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ મળ્યા બાદ અમદાવાદ સહિત સંબંધિત સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે.

ધમકીની જાણ થતાં અમદાવાદ શહેર પોલીસની ટીમ ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઉપરાંત બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડે પણ સ્થળનું ચેકિંગ કર્યું હતું. શાહપુર પોલીસના PI પી.બી. ખાંભલાના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

હાલ પોલીસ ઈ-મેઈલના સ્ત્રોત, મોકલનાર વ્યક્તિ અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતા અંગે તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સંબંધિત સ્થળોએ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ ધમકી પાછળનો હકીકતભર્યો આધાર અને તેની ગંભીરતા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

કોઈ ગેરંટી વિના ₹3 લાખ સુધીની લોન અને સાથે સબસિડી! જાણો આ યોજનાનો લાભ કેવી રીતે મળશે

0

તમારી પાસે કોઈ પરંપરાગત કૌશલ્ય છે, પરંતુ પૈસાની અછતને કારણે પોતાનો વ્યવસાય આગળ વધારી શકતા નથી? તો PM વિશ્વકર્મા યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પાત્ર કારીગરો અને શિલ્પકારોને ₹3 લાખ સુધીની કોલેટરલ-ફ્રી ‘એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોન’ બે તબક્કામાં આપવામાં આવે છે. લાભાર્થી માટે લોનનો વ્યાજદર 5% નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે સરકાર તરફથી 8% સુધીની interest subvention આપવામાં આવે છે.

શું છે PM વિશ્વકર્મા યોજના?

PM વિશ્વકર્મા કેન્દ્ર સરકારની યોજના છે, જે 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય હાથ અને પરંપરાગત સાધનો વડે કામ કરતા કારીગરો તથા શિલ્પકારોને ઓળખ, કૌશલ્ય તાલીમ, આધુનિક ટૂલ્સ, ક્રેડિટ અને માર્કેટિંગ સહિતની સહાય પૂરી પાડવાનો છે. યોજના FY 2023-24થી FY 2027-28 સુધી મંજૂર છે અને તેમાં 18 પરંપરાગત વ્યવસાયોને આવરી લેવામાં આવ્યા છે.

કયા 18 વ્યવસાયોને લાભ મળશે?

યોજનામાં સુથાર, હોડી બનાવનાર, આર્મરર, લુહાર/મેટલ કાસ્ટર, હથોડી તથા ટૂલ કિટ બનાવનાર, તાળાં બનાવનાર, સોની, કુંભાર, શિલ્પકાર/સ્ટોન વર્કર, મોચી/ફૂટવેર કારીગર, રાજમિસ્ત્રી, ટોપલી-ચટાઈ-સાવરણી બનાવનાર અથવા કોયર વણનાર, પરંપરાગત ઢીંગલી-રમકડાં બનાવનાર, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી અને માછીમારીની જાળ બનાવનારનો સમાવેશ થાય છે.

બે તબક્કામાં મળશે ₹3 લાખની લોન

યોજનાની લોન એકસાથે ₹3 લાખ મળતી નથી.

પ્રથમ તબક્કો: પાત્ર લાભાર્થીને ₹1 લાખ સુધીની લોન મળે છે. તેની ચુકવણીની મુદત 18 મહિના છે. પ્રથમ કિસ્ત માટે 5થી 7 દિવસની Basic Skill Training પૂર્ણ કરવી જરૂરી છે.

બીજો તબક્કો: પ્રથમ કિસ્તની લોન સંપૂર્ણ ચૂકવ્યા બાદ ₹2 લાખ સુધીની બીજી કિસ્ત મળી શકે છે. જોકે બીજી કિસ્ત પ્રથમ લોનના વિતરણથી ઓછામાં ઓછા 6 મહિના પહેલાં મળતી નથી. સાથે લોન એકાઉન્ટ નિયમિત હોવું અને વ્યવસાયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવવું અથવા 15 દિવસ કે તેથી વધુની Advanced Training પૂર્ણ કરવી જરૂરી છે. બીજી કિસ્તની ચુકવણીની મુદત 30 મહિના છે.

5% વ્યાજ અને કોલેટરલની જરૂર નહીં

PM વિશ્વકર્મા હેઠળની Enterprise Development Loan કોલેટરલ-ફ્રી છે એટલે લાભાર્થી પાસેથી મિલકત કે અન્ય જામીન માગવામાં આવતી નથી. લોન પર લાભાર્થી માટે નક્કી કરાયેલ વ્યાજદર 5% છે અને સરકાર તરફથી 8% સુધીની interest subvention આપવામાં આવે છે. લોન માટે લાભાર્થી પાસેથી guarantee fee પણ લેવામાં આવતી નથી.

₹15,000ની ટૂલકિટ અને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ

યોજનામાં કારીગરોને આધુનિક સાધનો ખરીદવા માટે ₹15,000 સુધીની toolkit incentive e-voucher મારફતે આપવામાં આવે છે. ઉપરાંત Basic Training 5થી 7 દિવસ અને Advanced Training 15 દિવસ કે તેથી વધુની હોય શકે છે. તાલીમ દરમિયાન દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ મળે છે. સત્તાવાર FAQ મુજબ ₹1,000નું transport allowance પણ છે.

કોણ અરજી કરી શકે?

અરજદાર ભારતનો નાગરિક અને નોંધણીના દિવસે ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ અને યોજનામાં સમાવિષ્ટ 18માંથી કોઈ એક વ્યવસાયમાં સંકળાયેલો હોવો જોઈએ. વધુમાં વધુ ઉંમરની કોઈ મર્યાદા નથી. એક પરિવારના માત્ર એક સભ્યને યોજનાનો લાભ મળી શકે છે. સરકારી કર્મચારી અથવા તેમના પરિવારના સભ્યો આ યોજનામાં અરજી કરી શકતા નથી. અન્ય પાત્રતા તથા અગાઉ લીધેલી સરકારી લોન સંબંધિત નિયમો પણ લાગુ પડે છે.

અરજી કેવી રીતે કરવી?

PM વિશ્વકર્મા માટે www.pmvishwakarma.gov.in પોર્ટલ મારફતે અથવા નજીકના Common Service Centre (CSC) દ્વારા નોંધણી કરી શકાય છે. સરકારી FAQ મુજબ CSC પર અરજી પ્રક્રિયા દરમિયાન Aadhaar નંબર અને બેંક એકાઉન્ટ સહિતની જરૂરી માહિતી આપવાની રહે છે અને પોર્ટલ પર અલગથી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી મફત છે.

આ યોજનામાં નોંધણી અને ચકાસણી માટે ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. અરજીની ચકાસણી સ્થાનિક સ્તરથી શરૂ થઈ જિલ્લા સ્તરની સમિતિ અને અંતે સ્ક્રીનિંગ કમિટી સુધી થાય છે.

નોંધ: લોનની મંજૂરી અને વિતરણ સંબંધિત પ્રક્રિયા બેંક અથવા અન્ય પાત્ર lending institution દ્વારા જરૂરી ચકાસણી બાદ કરવામાં આવે છે. તેથી માત્ર અરજી કરવાથી ₹3 લાખની લોન આપમેળે મંજૂર થતી નથી.

Asian Games 2026: સુચિકા તરિયાલે રચ્યો ઇતિહાસ, MMAમાં ભારતને મળ્યું પ્રથમ મેડલ

0

રિંગમાં અંતિમ શ્વાસ સુધી લડવાનો જુસ્સો અને વર્ષોની મહેનત જ્યારે એક થાય છે, ત્યારે ઇતિહાસ રચાય છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ફાઇટર સુચિકા તરિયાલે એવું જ એક અદભુત કારનામું કરી બતાવ્યું છે. 36 વર્ષીય સુચિકાએ મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલોગ્રામ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને આ રમતમાં સૌપ્રથમ એશિયન ગેમ્સ મેડલ અપાવ્યું છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર જ MMA નો સમાવેશ કરવામાં આવ્યો અને સુચિકાની આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતીય રમતગમતના ઇતિહાસમાં એક સોનેરી અધ્યાય ઉમેર્યો છે.

સુચિકાની આ સફળતાનો પાયો રવિવારે જ નંખાઈ ગયો હતો, જ્યારે તેણે ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાની અલ્ટાનચિમેગ બૈગાલમાને 2-0 થી કારમી હાર આપી હતી. આ શાનદાર જીત સાથે જ તેનો સેમિફાઇનલમાં પ્રવેશ અને બ્રોન્ઝ મેડલ નિશ્ચિત થઈ ગયો હતો, કારણ કે MMA ના નિયમો અનુસાર સેમિફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવે છે. ક્વાર્ટર ફાઇનલ બાદ ભાવુક થતાં સુચિકાએ કહ્યું હતું કે, “મારા પરિવારે મને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે, તેથી આ મેડલ મારા જીવન કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે”.

આજે રમાયેલી સેમિફાઇનલમાં સુચિકાનો મુકાબલો સિંગાપોરની હુઇ હૂન ટેઓ સામે થયો હતો. ફાઇનલની ટિકિટ મેળવવા માટે બંને ફાઇટર્સ વચ્ચે એક અત્યંત રોમાંચક અને કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને ખેલાડીઓએ રિંગમાં પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, પરંતુ નિર્ધારિત સમયમાં કોઈ નિર્ણય ન આવતા મુકાબલો વધારાના રાઉન્ડ (એક્સ્ટ્રા રાઉન્ડ) માં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં સિંગાપોરની ખેલાડીએ 2-0 થી વિજય મેળવ્યો હતો. હાર બાદ સુચિકા રિંગમાં જ અત્યંત ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. ફાઇનલમાં ન પહોંચી શકવાનો અફસોસ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેનું આ પ્રદર્શન ભારતીય રમતગમત માટે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે.

સુચિકા તરિયાલની આ સફર કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી સુચિકા એક બહુમુખી કોમ્બેટ સ્પોર્ટ્સ એથ્લેટ છે. તેણે નાનપણની મુશ્કેલીઓ અને ડિપ્રેશનનો સામનો કરીને રમતગમતને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. અગાઉ જૂડોમાં 8 વખતની નેશનલ ચેમ્પિયન રહેલી સુચિકાએ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોમાં અને 2023 એશિયન ગેમ્સમાં કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આટલું જ નહીં, 2024માં તે જિઉ-જિત્સુમાં વર્લ્ડ ચેમ્પિયન પણ બની ચૂકી છે. ઘૂંટણની ઇજા બાદ નિવૃત્તિ લેવાનો વિચાર કરી ચૂકેલી સુચિકાએ મિત્રોના પ્રોત્સાહનથી MMA માં પુનરાગમન કર્યું અને આજે એશિયન ગેમ્સનો મેડલ તેના ગળામાં છે.

બીજી તરફ, એશિયન ગેમ્સમાં અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. 20 સપ્ટેમ્બરે શૂટિંગમાં ભારતે બે સિલ્વર મેડલ જીત્યા હતા. એલાવેનિલ વલારિવને મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વ્યક્તિગત સિલ્વર અને સોનમ માસ્કર તથા વિદારશા વિનોદ સાથે મળીને ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ક્રિકેટના મેદાન પર ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 114 રનથી હરાવી ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. હોકીમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો, જ્યાં પુરુષ ટીમે ઇન્ડોનેશિયાને 13-1 થી અને મહિલા ટીમે ઉઝબેકિસ્તાનને 19-0 થી કારમી હાર આપી. ટેબલ ટેનિસમાં પણ મહિલા ટીમે ઇન્ડોનેશિયા અને સિંગાપોરને, જ્યારે પુરુષ ટીમે ઇન્ડોનેશિયાને 3-0 થી હરાવીને આગેકૂચ કરી છે.

આજે ભાગ્ય આપશે સાથ કે ખર્ચ વધારશે ચિંતા? વાંચો મેષથી મીન સુધીનું રાશિફળ

૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ (Rashifal) રજૂ કરેલ છે:

​મેષ (Aries):
સોમવારના દિવસે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સપ્તાહની શરૂઆત નવી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે થશે. કાર્યક્ષેત્રે અટકેલી મહત્વની યોજનાઓ ફરી ગતિ પકડશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સાથ મળશે. આવકના નવા માર્ગો ખુલશે અને અગાઉ અટવાયેલા નાણાં પાછા મળવાના ઉત્તમ યોગ રચાય છે. પરિવારમાં સુખ-શાંતિ અને પરસ્પર સ્નેહનું વાતાવરણ રહેશે. ક્રોધ અને ઉતાવળા નિર્ણયો પર સંયમ રાખવો હિતાવહ રહેશે.


​વૃષભ (Taurus):
નાણાકીય બાબતોમાં આયોજનબદ્ધ પગલાં ભરવાં અને બિનજરૂરી ખર્ચાઓ પર સમયસર અંકુશ રાખવો જરૂરી બનશે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે સારો તાલમેલ જાળવવાથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થઈ શકશે. કૌટુંબિક જીવનમાં સુમેળ રહેશે અને પરિવારના સભ્યો સાથે મહત્વપૂર્ણ વિષયો પર સકારાત્મક ચર્ચા થશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારના આહારથી બચવું અને પૂરતો આરામ લેવો. ધાર્મિક વિચારો તરફ મન આકર્ષાશે.


​મિથુન (Gemini):
તમારી તીક્ષ્ણ બૌદ્ધિક ક્ષમતા અને કુશળ સંવાદ શૈલીથી વ્યવસાયિક ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત થશે. વેપાર-ધંધામાં નવા સંપર્કો લાભદાયી સાબિત થશે અને ભાગીદારીમાં પ્રગતિના ઉત્તમ સંકેતો દેખાશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ ખૂબ અનુકૂળ સમય છે. મિત્રો તરફથી મહત્વનો સહયોગ મળશે જેનાથી મનમાં રહેલી ચિંતાઓ દૂર થશે. નાની અને લાભદાયી મુસાફરીનો યોગ બની રહ્યો છે.


​કર્ક (Cancer):
રાશિ સ્વામી ચંદ્રના શુભ પ્રભાવથી માનસિક શાંતિ, સંતોષ અને આધ્યાત્મિક વિચારોમાં વિશેષ રુચિ રહેશે. નોકરીમાં તમારી કાર્યનિષ્ઠા અને સમર્પણની યોગ્ય કદર થશે તેમજ નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને જીવનસાથી તરફથી દરેક બાબતમાં સાથ મળશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા જોવા મળશે, તેમ છતાં બિનજરૂરી ચિંતાઓથી દૂર રહેવું. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


​સિંહ (Leo):
આત્મવિશ્વાસ ઉત્તમ સ્તરે રહેશે અને નેતૃત્વ ક્ષમતાથી કાર્યક્ષેત્રે ધાર્યા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકશો. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં સારો વધારો થતો જોવા મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે અને જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાના યોગ બનશે. પરિવાર સાથે સાંજનો સમય આનંદ અને હાસ્ય-વિનોદમાં પસાર થશે. દાંપત્યજીવન સુખમય અને સ્નેહપૂર્ણ રહેશે.


​કન્યા (Virgo):
સપ્તાહના પ્રથમ દિવસે કામકાજનો ભાર વધુ હોવા છતાં યોગ્ય સમય વ્યવસ્થાપનથી તમામ કામો સમયસર પૂર્ણ થશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી અને ઉતાવળા નિર્ણયો લેવાથી બચવું ફાયદાકારક રહેશે. પરિવારજનો તરફથી જરૂરી સહયોગ અને ઉત્સાહ મળશે, જેથી માનસિક હળવાશ અનુભવશો. ધ્યાન, યોગ કે કસરતને દિનચર્યામાં સામેલ કરવાથી શારીરિક તાજગી જળવાશે. નકારાત્મક વાતોની અવગણના કરવી.


​તુલા (Libra):
આજનો દિવસ તમારા માટે ભાગ્યવર્ધક અને આર્થિક સમૃદ્ધિ અપાવનારો સુંદર સાબિત થશે. વેપાર-ધંધામાં સારો નફો થવાના અને આવકના વધારાના સ્ત્રોત ઊભા થવાના મજબૂત સંકેતો છે. કૌટુંબિક વાતાવરણ ઉત્સાહજનક અને આનંદમય રહેશે, કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. જૂની સમસ્યાઓ કે વિવાદોમાંથી કાયમી મુક્તિ મળતાં રાહત અનુભવશો. દિવસભર મન ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે અને વિરોધીઓ પર તમારો પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ મજબૂત બનશે અને નવી યોજનાઓ સફળતાપૂર્વક આગળ ધપાવી શકશો. વડીલોના આશીર્વાદ અને યોગ્ય માર્ગદર્શનથી અટકેલા મહત્વના કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય ઊર્જાવાન અને સંતોષકારક રહેશે, ઉત્સાહ જળવાઈ રહેશે. આર્થિક આયોજન મજબૂત પરિણામ આપશે.


​ધન (Sagittarius):
ધાર્મિક અને સામાજિક કાર્યો પ્રત્યે રુચિ વધશે તેમજ મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કાર્યોમાં સફળતા મળશે. નાની અને લાભદાયી યાત્રાનો સુંદર યોગ રચાઈ રહ્યો છે જે મનને તાજગી આપશે. સંતાનો તરફથી કોઈ શુભ અને ઉત્સાહવર્ધક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. માનસિક સ્થિરતા જળવાઈ રહેશે.


​મકર (Capricorn):
આજે દરેક કાર્યમાં ધીરજ અને સંયમ રાખવો, ક્રોધ કે બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ છે. કાર્યક્ષેત્રે પરિશ્રમ વધુ કરવો પડશે પરંતુ તેનું પરિણામ લાંબા ગાળે સકારાત્મક અને ફળદાયી આવશે. નાણાકીય બાબતોમાં આયોજનપૂર્વક આગળ વધવું અને જોખમી રોકાણોથી દૂર રહેવું સલાહભર્યું છે. જીવનસાથીનો સહયોગ મુશ્કેલ સમયમાં હિંમત પૂરી પાડશે. નિયમિત દિનચર્યા જાળવવી.


​કુંભ (Aquarius):
ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત તથા ગાઢ બનશે. તમારી નવીન વિચારસરણી અને રચનાત્મક કાર્યશૈલીની કાર્યસ્થળે પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠા અને વર્ચસ્વ વધશે. આર્થિક સ્થિતિ એકંદરે મજબૂત રહેશે.


​મીન (Pisces):
કાર્યસ્થળે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મહેનતનું ધાર્યું તેમજ સંતોષકારક પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધક સમાચાર મળવાના ઉત્તમ યોગ છે. નાણાકીય બાબતોમાં ખર્ચ પર સારો અંકુશ રહેશે અને બચતમાં વૃદ્ધિ જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક તાજગી સાથે દિવસ પસાર થશે. સેવાકીય કાર્યોમાં રુચિ રહેશે.

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

0

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા માત્ર પીણું નથી, એક લાગણી છે. મહેમાન દરવાજે આવે તો “ચા લેશો?”, કામનો થાક લાગે તો “એક કપ ચા થઈ જાય”, મિત્રો મળે તો વાતો સાથે ચા આપોઆપ આવી જાય. પરંતુ સૌથી રસપ્રદ સવાલ એ છે કે જે ચા આજે કરોડો ભારતીયોની દિનચર્યાનો હિસ્સો છે, તે ભારત સુધી પહોંચી કેવી રીતે? શું અંગ્રેજો જ ચા ભારતમાં લાવ્યા હતા? હકીકત થોડી અલગ અને વધુ રસપ્રદ છે.

ચાની શરૂઆત ચીનથી

ચાનો સૌથી જૂનો ઇતિહાસ ચીન સાથે જોડાયેલો માનવામાં આવે છે. શરૂઆતના સમયમાં ચાની પત્તીઓનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે થતો હતો. સમય જતાં ચા નિયમિત પીણા તરીકે લોકપ્રિય બની અને વેપારના માર્ગો મારફતે ચીનની બહાર પણ ફેલાઈ.

ભારતમાં ચા અંગેના ઉલ્લેખ બ્રિટિશ સમય પહેલાંના છે. 1662માં જોહાન આલ્બર્ટ ડી મેન્ડેલ્સ્લોએ ભારતમાં ચાના ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ 1689માં અંગ્રેજ પાદરી જોન ઓવિંગ્ટને સુરતમાં બાનિયા સમુદાયના લોકો ચા પીતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઐતિહાસિક નોંધો બતાવે છે કે ભારતમાં ચા પીવાનું ચલણ બ્રિટિશોના મોટા પાયાના ચા ઉદ્યોગ પહેલાંથી જ અસ્તિત્વમાં હતું.

સુરતમાં 1689માં ચાનો ઉલ્લેખ, ગુજરાત માટે ખાસ કેમ?

ચાની કહાનીમાં સુરતનું નામ ખાસ મહત્વ ધરાવે છે. 1689માં સુરતની મુલાકાત લેનારા જોન ઓવિંગ્ટને અહીંના બાનિયા સમુદાય દ્વારા ચા પીવામાં આવતી હોવાની નોંધ કરી હતી. તેમના વર્ણન મુજબ ચામાં માત્ર ચાની પત્તીઓ જ નહીં, પરંતુ મસાલા, ખાંડ અને સાચવેલા લીંબુ જેવા ઘટકોનો પણ ઉપયોગ થતો હતો. તે સમયે ચાનો ઉપયોગ માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ માથાનો દુખાવો અને પેટની તકલીફ જેવી સમસ્યાઓમાં રાહત માટે પણ કરવામાં આવતો હોવાનું વર્ણન મળે છે.

આ ઉલ્લેખ ખાસ એટલા માટે રસપ્રદ છે કે આજના ચા માટે જાણીતા ગુજરાતમાં, ખાસ કરીને સુરત જેવા વેપારી શહેરમાં, સદીઓ પહેલાં જ ચાના ઉપયોગનો ઐતિહાસિક પુરાવો જોવા મળે છે. એટલે “ગુજરાતીઓ ચા ક્યારે પીવા લાગ્યા?” જેવા સવાલનો જવાબ શોધવામાં સુરતની આ નોંધ મહત્વપૂર્ણ કડી બની રહે છે.

આસામમાં પહેલેથી હતી ચાની ઓળખ

અહીંથી કહાની વધુ રસપ્રદ બને છે. 1820ના દાયકામાં બ્રિટિશોને આસામમાં ચાના જંગલી છોડ વિશે માહિતી મળી, પરંતુ આ કોઈ અજાણી વસ્તુ નહોતી. આસામના કેટલાક સ્થાનિક સમુદાયો પહેલેથી જ ચાની પત્તીઓનો ઉપયોગ કરતા હતા. 1823ની આસપાસ રોબર્ટ બ્રુસને સિંગફો સમુદાય પાસેથી આવા ચાના છોડ વિશે જાણકારી મળી હતી. એટલે ભારતની ચાની કહાનીમાં સ્થાનિક જ્ઞાનની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે.

અંગ્રેજોએ શરૂ કર્યો વ્યાવસાયિક ચા ઉદ્યોગ

બ્રિટનમાં ચાની માગ ઝડપથી વધી રહી હતી અને ચાના વેપારમાં ચીનનું મહત્વ ખૂબ મોટું હતું. આવી સ્થિતિમાં બ્રિટિશોએ ભારતમાં મોટા પાયે ચાની ખેતી વિકસાવવાની દિશામાં કામ શરૂ કર્યું. 1834માં ભારતમાં ચાની ખેતીને પ્રોત્સાહન આપવા ટી કમિટી બનાવવામાં આવી.

આસામ આ પ્રયાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. 1837માં ઉત્તર આસામના ચાબુઆમાં પ્રથમ અંગ્રેજી સંચાલિત ચા બગીચાની સ્થાપના થઈ. ત્યારબાદ આસામ ટી કંપનીએ વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું. 1838માં આસામમાં બનેલી ચાની એક મહત્વપૂર્ણ खेપ લંડન પહોંચી અને 10 જાન્યુઆરી 1839ના રોજ તેની હરાજી થઈ. આ ઘટનાએ ભારતીય વ્યાવસાયિક ચા ઉદ્યોગને નવી દિશા આપી.

ચા અમીરોમાંથી સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી?

શરૂઆતમાં ચા મોંઘું પીણું હતું. પરંતુ ઉત્પાદન વધ્યું તેમ બજારમાં તેની ઉપલબ્ધતા વધી. 20મી સદીમાં ભારતીય ચા ઉદ્યોગે સ્થાનિક બજાર વિકસાવવા માટે મોટા પાયે પ્રચાર કર્યો. રેલવે સ્ટેશનો સહિત વિવિધ સ્થળોએ ચાનો પ્રચાર કરવામાં આવ્યો અને લોકોને ચા પીવાની આદત પાડવા માટે અભિયાનો ચલાવવામાં આવ્યા.

પછી ભારતીયોએ ચાને સંપૂર્ણપણે પોતાના સ્વાદમાં ઢાળી દીધી. દૂધ, ખાંડ, આદુ, એલચી, લવિંગ અને અન્ય મસાલાઓ સાથેની ચા ઘરોમાં લોકપ્રિય બની. આ રીતે ભારતીય ચાએ પોતાની અલગ ઓળખ બનાવી.

આજે ચા એટલે ભારતની રોજિંદી ઓળખ

આજે આસામ, દાર્જિલિંગ અને નીલગિરી સહિત ભારતના અનેક વિસ્તારોની ચા દેશ-વિદેશમાં જાણીતી છે. Tea Board Indiaના 2024ના અભ્યાસ મુજબ ભારતમાં ઉત્પાદિત ચાનો મોટો હિસ્સો દેશના સ્થાનિક બજારમાં જ વપરાય છે અને અભ્યાસમાં સ્થાનિક વપરાશનો હિસ્સો આશરે 83 ટકા દર્શાવવામાં આવ્યો છે.

એટલે સવાલનો સીધો જવાબ એ નથી કે “ચા અંગ્રેજો ભારતમાં લાવ્યા.” વધુ સાચી વાત એ છે કે ભારતમાં ચા પીવાનો પરિચય અંગ્રેજોના મોટા પાયાના ઉદ્યોગ પહેલાંથી હતો, જ્યારે બ્રિટિશ શાસન દરમિયાન આસામ કેન્દ્રિત વ્યાવસાયિક ચા ઉદ્યોગ ઝડપથી વિકસ્યો. અને સુરતના 1689ના ઐતિહાસિક ઉલ્લેખથી લઈને આજના ચા-સ્ટોલ સુધી, ચાએ ભારતીય જીવનમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

૧૦૦ કિલો ખજૂરના ગણેશજી અને ૧૦ કિલો કાળી દ્રાક્ષના મૂષક! ગણેશોત્સવમાં આ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

0

ભક્તિ, આસ્થા અને કળાનો અદ્ભુત સંગમ જોવો હોય તો આ વખતે તમારે ગણેશોત્સવમાં વિશાખાપટ્ટનમ તરફ નજર કરવી જ રહી! શું તમે ક્યારેય એવી ગણેશ મૂર્તિ વિશે વિચાર્યું છે જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જાઓ અને જે સંપૂર્ણપણે શુદ્ધ ડ્રાયફ્રુટ્સમાંથી બની હોય? જો નહીં, તો આ સમાચાર તમારે વાંચવા જ રહ્યા. આજના સમયમાં જ્યાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, ત્યાં વિશાખાપટ્ટનમમાં એક એવી અનોખી અને ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીનો સ્પષ્ટ સંદેશ આપવાની સાથે-સાથે લોકોમાં ભારે કુતૂહલ જગાવી રહી છે.

વિશાખાપટ્ટનમના શીલા નગર વિસ્તારમાં ‘મિરેકલ યુથ એસોસિએશન’ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે એક અત્યંત આકર્ષક પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. અહેવાલો અને પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં ભગવાન ગણેશની મૂર્તિ સામાન્ય માટી કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી નહીં, પરંતુ પૂરા ૧૦૦ કિલો સૂકી ખજૂરમાંથી બનાવવામાં આવી છે. માત્ર બાપ્પા જ નહીં, પણ તેમના પ્રિય વાહન એવા મૂષકરાજને પણ ૧૦ કિલો કાળી દ્રાક્ષ (કિસમિસ) નો ઉપયોગ કરીને અત્યંત ઝીણવટપૂર્વક આકાર આપવામાં આવ્યો છે.

આ ગણેશજી હરિજન જગ્ગૈયાપાલેમ વિસ્તારમાં બિરાજમાન છે. દર્શનાર્થીઓ માટે સૌથી મોટો લહાવો એ છે કે અહીં આવનાર દરેક ભક્તને પ્રસાદ તરીકે સૂકી ખજૂરનું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ભક્તિભાવની સાથે કલાકારોની સર્જનાત્મકતાનો આ બેજોડ નમૂનો સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ ધાર્મિક તહેવારોની ઉજવણીને પર્યાવરણને જરાય નુકસાન પહોંચાડ્યા વિના કેટલી ભવ્યતા અને સુંદરતાથી ઉજવી શકાય છે.

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ (Rashifal) રજૂ કરેલ છે:

​મેષ (Aries):
રવિવારના દિવસે સૂર્યદેવની વિશેષ કૃપાથી આત્મવિશ્વાસ, ઊર્જા અને કાર્યક્ષમતામાં મોટો વધારો થશે. સરકારી કામકાજ કે અટકેલા મહત્વના કાર્યોમાં સકારાત્મક ગતિ જોવા મળશે. સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને વડીલો તરફથી માર્ગદર્શન પ્રાપ્ત થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત રહેશે, તેમ છતાં બિનજરૂરી મોજશોખ પાછળ ઉતાવળો ખર્ચ ન કરવો. પરિવાર સાથે સાંજનો સમય હાસ્ય-વિનોદ અને ઉત્સાહમાં પસાર થશે.


​વૃષભ (Taurus):
આજે પરિવારની જરૂરિયાતો અને ઘરના આયોજન પાછળ દિવસનો મોટો ભાગ વ્યસ્ત રહેશે. નાણાકીય બાબતોમાં સંતુલન જાળવવું અને ખોટા ખર્ચાઓ પર સમયસર અંકુશ રાખવો જરૂરી બનશે. સંબંધીઓ કે જૂના મિત્રો સાથે સુખદ વાર્તાલાપ થતાં મન હળવું અને પ્રસન્ન રહેશે. દાંપત્યજીવનમાં પરસ્પર પ્રેમ અને સમજણ વધશે જેથી વાતાવરણ સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે પૂરતો આરામ લેવો અને હળવો આહાર જાળવવો.


​મિથુન (Gemini):
બૌદ્ધિક ચર્ચાઓ અને રચનાત્મક વિચારો માટે આજનો દિવસ ખૂબ અનુકૂળ અને પ્રેરણાદાયી સાબિત થશે. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને પારિવારિક સ્નેહ વધુ ગાઢ બનશે. નવી યોજનાઓ ઘડવામાં દિવસ અનુકૂળ રહેશે, જે આવનારા દિવસોમાં આર્થિક લાભ કરાવશે. વિદ્યાર્થીઓ માટે આત્મમંથન અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. નાની અને લાભદાયી મુસાફરીનો ઉત્તમ યોગ બની રહ્યો છે.


​કર્ક (Cancer):
આજે શાંતિથી ઘરમાં સમય વિતાવવાની ઉત્તમ તક મળશે, જેનાથી માનસિક થાક દૂર થશે. આર્થિક આયોજનમાં સાનુકૂળતા રહેશે અને ભવિષ્યની બચત માટે મક્કમ પગલાં ભરી શકશો. મનમાં ચાલતી કોઈ જૂની ચિંતા કે દુવિધાનું આખરે યોગ્ય સમાધાન પ્રાપ્ત થશે. સ્વાદિષ્ટ ભોજન અને પારિવારિક સ્નેહથી ઘરમાં આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે. આધ્યાત્મિક વિચારો તરફ ઝુકાવ વધવાથી અંદરથી શાંતિ અનુભવશો.


​સિંહ (Leo):
રાશિ સ્વામી સૂર્યના શુભ પ્રભાવથી તમારું વ્યક્તિત્વ અત્યંત તેજસ્વી અને પ્રભાવશાળી જણાશે. સમાજમાં માન-સન્માન વધશે અને મહત્વના વ્યક્તિગત નિર્ણયોમાં સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સુંદર સંવાદ સધાશે અને દાંપત્યજીવનમાં વિશેષ મધુરતા જોવા મળશે. આર્થિક બાબતોમાં જૂના પ્રયાસોનું ધાર્યું અને સંતોષકારક ફળ મળશે. શારીરિક ઊર્જા અને ઉત્સાહ આખો દિવસ શ્રેષ્ઠ સ્તરે જળવાઈ રહેશે.


​કન્યા (Virgo):
આજે વધુ પડતા વિચારો અને માનસિક તણાવથી દૂર રહીને શરીરને આરામ આપવો જરૂરી છે. આધ્યાત્મિક કાર્યો, ધ્યાન કે સત્સંગમાં સમય પસાર કરવાથી અદ્ભુત આંતરિક શાંતિ મળશે. પારિવારિક ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, તેથી બજેટ મુજબ જ આગળ વધવું. વિરોધીઓ કે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોની વાતોને અવગણવી હિતાવહ રહેશે. નિયમિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.


​તુલા (Libra):
મિત્રો અને સ્નેહીજનો સાથે મિલન-મુલાકાત થવાથી દિવસ ખૂબ આનંદદાયક અને ઉત્સાહવર્ધક રહેશે. સામાજિક મેળાવડા કે શુભ પ્રસંગોમાં તમારી હાજરી પ્રશંસાપાત્ર અને આકર્ષક બનશે. આવકના નવા સ્ત્રોત કે નવી વ્યવસાયિક દિશા વિશે સકારાત્મક વિચારો આવી શકે છે. જૂની ગૂંચવાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળતાં રાહતનો શ્વાસ લેશો. દિવસભર મન પ્રફુલ્લિત, તાજગીસભર અને ઉત્સાહી રહેશે.


​વૃશ્ચિક (Scorpio):
ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી અટકેલા મહત્વના પારિવારિક કાર્યો સરળ બનશે. આગામી સપ્તાહના વ્યવસાયિક કે નોકરીના કામકાજનું આયોજન કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સમાજમાં તમારી છબી વધુ મજબૂત બનશે અને લોકો તમારા અભિપ્રાયને માન આપશે. પારિવારિક વાતાવરણ સહયોગી અને શાંતિપૂર્ણ રહેશે. માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસ ઉત્તમ રહેશે.


​ધન (Sagittarius):
ધાર્મિક પ્રવૃત્તિઓ, તીર્થદર્શન કે પૂજા-પાઠમાં મન વિશેષ લાગશે અને પુણ્યકાર્યો થશે. ભાગ્યનો સારો સાથ મળવાથી અગાઉ કરેલા અથાક પ્રયાસોનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે. પરિવાર સાથે કોઈ રમણીય કે ધાર્મિક સ્થળે જવાનો સુંદર યોગ રચાઈ રહ્યો છે. સંતાનો તરફથી કોઈ સારા અને ગૌરવપૂર્ણ સમાચાર મળી શકે છે. મનમાં સકારાત્મક વિચારો અને આશાવાદ વધશે.


​મકર (Capricorn):
આજે કોઈપણ પ્રકારના વાદ-વિવાદ કે ઉગ્રતાથી દૂર રહી શાંતિથી દિવસ વિતાવવો સલાહભર્યું છે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી દરમિયાન વિશેષ સાવધાની અને ધીરજ રાખવી જરૂરી છે. નાણાકીય જોખમ લેવાથી બચવું અને કોઈને ઉધાર આપતાં પહેલાં વિચાર કરવો. જીવનસાથીના સહકારથી પારિવારિક વાતાવરણ સંતુલિત અને શાંત રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સભાનતા રાખવી અને સમયસર આરામ લેવો.


​કુંભ (Aquarius):
વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને પરસ્પર પ્રેમ તેમજ વિશ્વાસ વધુ દ્રઢ બનશે. ભાગીદારીના વિષયોમાં સારો સુમેળ રહેશે અને ભવિષ્યની યોજનાઓ મજબૂત બનશે. તમારી સર્જનાત્મકતા અને લોકપ્રિયતામાં સારો વધારો થતો જોવા મળશે. મનગમતી પ્રવૃત્તિઓ કે શોખ પાછળ સમય વિતાવવાથી ઉત્સાહ અને તાજગી મળશે. આર્થિક સ્થિતિ સંતોષકારક અને સ્થિર રહેશે.


​મીન (Pisces):
દિનચર્યાને સુવ્યવસ્થિત રાખવાથી શારીરિક તાજગી અને માનસિક શાંતિનો અનુભવ થશે. ઘરમાં સજાવટ કે સ્વચ્છતા પાછળ સમય વિતાવીને મનને હળવું રાખી શકશો. નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળશે અને તબિયતમાં સુધારો જણાશે. નકામી ચિંતાઓ છોડીને વર્તમાન ક્ષણનો પરિવાર સાથે આનંદ માણવો. વિદ્યાર્થીઓ માટે આગામી અભ્યાસનું યોગ્ય આયોજન કરવાનો સારો દિવસ છે.