સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. રશિયાનું સૈન્ય પરિવહન વિમાન An-12 ક્રેશ થતાં તેમાં સવાર તમામ 19 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના મંગળવારે (17 નવેમ્બર) કેમેરોવો ક્ષેત્રમાં બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન કેમેરોવો શહેર નજીક યાગુનોવો ગામ પાસે નિર્જન વિસ્તારમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 19 લોકો સવાર હતા અને તમામનાં મોત થયાં છે. પ્રાથમિક તપાસમાં વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે દુર્ઘટના થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઘટનાની તપાસ માટે રશિયન એરોસ્પેસ ફોર્સની વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઉપરાંત, રશિયાની તપાસ એજન્સીએ પણ ફ્લાઇટ સુરક્ષાના નિયમોના સંભવિત ઉલ્લંઘન અંગે તપાસ શરૂ કરી છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.








