કાનપુર: વંદે ભારત એક્સપ્રેસમાં પોતાના પરિવારજનોને બેસાડવા ગયેલા 12 લોકો માટે એક સામાન્ય વિદાયનો પ્રસંગ ભારે પડી ગયો હતો. ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ જતાં તેઓ પોતે જ ટ્રેનમાં ફસાઈ ગયા હતા. અંતે 139 કિલોમીટર દૂર ઇટાવા સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા, જ્યાં રેલવે તંત્રએ તેમની પાસેથી કુલ ₹36 હજારનો દંડ વસૂલ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનની છે. બનારસથી નવી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22415)માં કેટલાક લોકો પોતાના પરિવારજનોને બેસાડવા અને તેમનો સામાન કોચમાં ગોઠવવામાં મદદ કરવા ગયા હતા. જોકે, તેઓ ટ્રેનમાંથી બહાર નીકળે તે પહેલાં જ ટ્રેનના ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા હતા.
ટ્રેન ચાલુ થતાં જ અંદર ફસાયેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. ટ્રેન સ્ટાફને દરવાજા ખોલવા માટે વિનંતી કરવામાં આવી, પરંતુ દરવાજા ખૂલી શક્યા નહોતા. આ દરમિયાન કેટલાક લોકોએ હોબાળો પણ કર્યો હતો.
ઇટાવા સ્ટેશન પર ઇમરજન્સી સ્ટોપ
ઘટનાની જાણ ટ્રેન સ્ટાફ દ્વારા ટુંડલા રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમના નિર્દેશથી રવિવારે સવારે લગભગ 10:49 વાગ્યે ટ્રેનને ઇટાવા જંક્શન પર ઇમરજન્સી રોકવામાં આવી હતી.
ત્યાં સ્ટેશન અધિક્ષક, RPF અને GRPની ટીમે તમામ લોકોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
દરેક વ્યક્તિને ₹3,000નો દંડ
રેલવે નિયમોનું ઉલ્લંઘન કરીને માન્ય ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ વિના ટ્રેનમાં પ્રવેશ કરવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. દરેક વ્યક્તિ પાસેથી ₹3,000 લેખે કુલ ₹36,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
કાનપુરથી ઇટાવા વચ્ચેનું અંતર લગભગ 139 કિલોમીટર છે. આટલી ટૂંકી મુસાફરીમાં પરિવારજનોને વિદાય આપવા ગયેલા લોકોને ભારે આર્થિક દંડ ભરવો પડ્યો હતો.
રેલવે તંત્રએ લોકોને અપીલ કરી છે કે પરિવારજનોને ટ્રેનમાં બેસાડવા માટે કોચની અંદર પ્રવેશ ન કરે અને સ્ટેશન પર આવવા માટે માન્ય પ્લેટફોર્મ ટિકિટ લે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોમાં ઓટોમેટિક દરવાજા સુરક્ષાના હેતુથી કાર્યરત હોય છે.








