ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત; બસમાં 30થી 35 મુસાફરો સવાર હતા, SDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં મંગળવારે (17 નવેમ્બર) વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે પર ગૂલર બજાર નજીક મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હરિદ્વારથી જોશીમઠ જઈ રહી હતી બસ
પ્રાથમિક માહિતી અનુસાર, બસ હરિદ્વારથી જોશીમઠ તરફ જઈ રહી હતી. વહેલી સવારે આશરે 4:30થી 5:30 વાગ્યાની આસપાસ ગૂલર બજાર નજીક ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ પુલની રેલિંગ તોડીને અંદાજે 100 મીટર નીચે નદીના પ્રવાહમાં ખાબકી હતી. બસમાં આશરે 30થી 35 મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
SDRF અને પોલીસની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્મતની જાણ થતાં જ SDRFની બ્યાસી અને ઢાલવાલા પોસ્ટની ટીમો પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઊંડી ખીણ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને સ્ટ્રેચરની મદદથી રસ્તા સુધી લાવી એમ્બ્યુલન્સ મારફતે ઋષિકેશની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, સાત મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક ઘાયલનું AIIMS ઋષિકેશમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટિહરીનાં જિલ્લા મેજિસ્ટ્રેટ નિતિકા ખંડેલવાલ અને SSP શ્વેતા ચૌબે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડમાં સર્જાયેલી આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.








