ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને વિરામ મળ્યો છે. હવે ધોની આગામી IPL સિઝનમાં મેદાન પર ખેલાડી તરીકે નહીં, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના મેન્ટર તરીકે નવી જવાબદારી નિભાવતા જોવા મળશે. CSK ફ્રેન્ચાઇઝીએ ધોનીને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
278 મેચમાં 5,439 રન બનાવ્યા
ધોનીએ વર્ષ 2008થી 2025 સુધી IPLમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કુલ 278 મેચ રમીને 242 ઇનિંગ્સમાં 38.30ની સરેરાશથી 5,439 રન બનાવ્યા હતા. તેમના નામે 24 અડધી સદી નોંધાયેલી છે. IPLમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન રહ્યો હતો, જ્યારે તેમનો સ્ટ્રાઇક રેટ 137.45 હતો.
264 છગ્ગા અને 375 ચોગ્ગા ફટકાર્યા
ધોનીએ IPL કારકિર્દી દરમિયાન કુલ 264 છગ્ગા અને 375 ચોગ્ગા ફટકાર્યા હતા. છગ્ગા ફટકારવાના મામલે તેઓ લીગના ટોચના ખેલાડીઓમાં સામેલ રહ્યા છે.
CSKને પાંચ વખત બનાવ્યું ચેમ્પિયન
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી. ટીમે 2010, 2011, 2018, 2021 અને 2023માં ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે મેન્ટર તરીકે ધોની યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપશે અને ટીમને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે








