શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈરાનમાં જન્મેલી કોઈ અભિનેત્રી ભારતીય ભક્તિ ગીત દ્વારા રાતોરાત લાખો લોકોના દિલમાં વસી શકે? બોલિવૂડમાં આવા જાદુઈ કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ફિલ્મ ‘હનુમાન અંશ’ના લોકપ્રિય ગીત ‘પાર્વતી’એ એક ઈરાની સુંદરીને સીધી જ સુપરસ્ટારડમ અપાવી દીધી છે. આ માત્ર કોઈ સામાન્ય સફળતાની વાર્તા નથી, પણ એક એવી વિદેશી અભિનેત્રીની કથા છે જેનું હૃદય સંપૂર્ણપણે હિન્દુસ્તાની છે, અને જે બાળપણમાં હિન્દુ ભજનો ગાતી હતી!
આ યુવા પ્રતિભાનું નામ છે અગ્નિ અગ્યારી, જે મૂળ ઈરાનના પારસી પરિવારમાંથી આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન અંશ’નું ‘પાર્વતી’ ગીત યુટ્યુબ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં અગ્નિની નાનકડી પણ પ્રભાવશાળી ઝલકે તેને સ્ટાર બનાવી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, તેને આ ગીતમાં તેના અભિનયના કારણે નહીં, પરંતુ હેન્ડપેન અને કાહૂન (ક્લેપ બોક્સ) જેવા વાદ્યો વગાડવાની આવડતના કારણે લેવામાં આવી હતી. મેકર્સને ગીત માટે એક એક્ટર કરતા મ્યુઝિશિયનની વધુ જરૂર હતી, જ્યાં અગ્નિની સંગીતની તાલીમ કામ લાગી. તેણીએ આ ગીતમાં ખુદની જ સાડી પહેરીને શૂટિંગ કર્યું હતું.
પોતાની આ અણધારી સફળતા વિશે અગ્નિ જણાવે છે કે તેને લાગે છે કે તેનો ભારત સાથે ગયા જન્મનો કોઈ જૂનો સબંધ છે. તેહરાનમાં ઉછરેલી હોવા છતાં, તેને બાળપણથી ભારતીય ફિલ્મો અને સંગીત પ્રત્યે ભારે લગાવ હતો. તે નાનપણમાં ‘ઓમ જય જગદીશ હરે’ ભજન પર્શિયન ભાષામાં લખીને દેવી સરસ્વતીની તસવીર સમક્ષ ગાતી હતી. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં સ્થાયી થયેલી અગ્નિ, શાહરૂખ ખાન અને કરીના કપૂર જેવા દિગ્ગજો સાથે જાહેરાતો ઉપરાંત સંજય લીલા ભણસાલી પ્રોડક્શનની ‘દો દીવાને શહેર મેં’ અને ‘લવ લોટરી’ જેવી ફિલ્મો તથા ‘બડે અચ્છે લગતે હૈં-3’ જેવા ટીવી શોમાં પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે.








