રશિયા અને ઈરાને શુક્રવારે BRICS શિખર સંમેલન દરમિયાન અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો તથા આક્રમક કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. બંને દેશોએ BRICSને એવી વ્યૂહરચના તૈયાર કરવાની અપીલ કરી હતી, જેનાથી સમૂહ આવા પડકારો અને દબાણોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકે.
આ સ્થિતિમાં ભારત સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે BRICSની બેઠક પશ્ચિમ વિરોધી મંચમાં પરિવર્તિત ન થાય.
ઈરાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
BRICS બિઝનેસ ફોરમમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી ઈરાન પરનું દબાણ વધુ ગંભીર બન્યું છે.
તેમણે કહ્યું કે આ કાર્યવાહીને કારણે માત્ર ભૌતિક નુકસાન જ નથી થયું, પરંતુ એ પણ સ્પષ્ટ થયું છે કે આર્થિક સુરક્ષાને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષાથી અલગ કરી શકાય નહીં.
પેઝેશ્કિયાને વધુમાં કહ્યું કે જ્યારે કોઈ દેશના વેપાર, ઊર્જા માળખા અથવા નાણાકીય વ્યવસ્થા પર રાજકીય કે સૈન્ય દબાણ આવે છે, ત્યારે તેની અસર દેશની સરહદોની બહાર પણ જોવા મળે છે અને તેનાથી પ્રાદેશિક તથા વૈશ્વિક સ્થિરતા પ્રભાવિત થઈ શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવા દેશોના નેતાઓની ટીકા કરી હતી, જેઓ પોતાનું જૂનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે.
પુતિને આરોપ લગાવ્યો કે કેટલાક દેશો સીધા સૈન્ય બળનો ઉપયોગ કરવા સુધી પહોંચી ગયા છે. તેમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ માળખાને નુકસાન પહોંચાડવું, આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરને અટકાવવાનો પ્રયાસ કરવો અને દરિયાઈ જહાજો પર કબજો કરવાનો પ્રયાસ સામેલ છે.
તેમણે અન્ય દેશોના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરનારાઓ સામે ગેરકાયદેસર પ્રતિબંધો અને વધુ પ્રતિબંધોની ધમકી આપવાની પણ ટીકા કરી.
ભારત સામે મોટો પડકાર
રશિયા અને ઈરાનના નિવેદનોથી ભારત સામેના પડકારોની ઝલક મળી છે. ભારતે પોતાની ફ્લેક્સિબલ મલ્ટી-અલાઈનમેન્ટ નીતિ જાળવી રાખીને વિવિધ દેશો સાથેના સંબંધોમાં સંતુલન સાધવું પડશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર BRICSની ચર્ચાઓ પર નજર રાખી રહ્યું છે. ખાસ કરીને રશિયા અને ઈરાન પશ્ચિમી પ્રતિબંધોથી નારાજ છે, જ્યારે ચીન ડી-ડૉલરાઈઝેશન અને સરહદ પારની પેમેન્ટ સિસ્ટમ જેવા વિકલ્પોને આગળ વધારવામાં રસ ધરાવે છે. આ વ્યવસ્થાઓ પશ્ચિમના નિયંત્રણ હેઠળની SWIFT સિસ્ટમને પડકાર આપી શકે છે.
રશિયા અને ઈરાનની શું માંગ?
પુતિને વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મની માંગ કરી હતી. તેમણે ટ્રાન્સ-આર્કટિક ટ્રાન્સપોર્ટ કોરિડોર અને નોર્થ-સાઉથ ઈન્ટરનેશનલ કોરિડોર જેવા વૈશ્વિક પરિવહન માર્ગોને સાથે મળીને વિકસાવવાની તૈયારી દર્શાવી.
પેઝેશ્કિયાને કહ્યું કે ખાદ્ય અને ઊર્જા સુરક્ષા આર્થિક સુરક્ષાના બે મુખ્ય આધાર છે. તેમણે ઈરાનને તેના વિશાળ ઊર્જા ભંડાર અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિને કારણે BRICSની ખાદ્ય, ઊર્જા અને પરિવહન સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો.
ઈરાને સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા, શરૂઆતમાં 10 અબજ ડૉલરના રિ-ઈન્શ્યોરન્સ પૂલની રચના કરવા અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક મારફતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડિંગ કરવાની પણ ભલામણ કરી.
પુતિને પણ ન્યૂ ડેવલપમેન્ટ બેંકને સમર્થન આપતાં તેનો ઉપયોગ નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ માટે કરવાની વાત કરી.





