Friday, Jul 31, 2026

એમ્બ્યુલન્સ નહીં… આ વખતે વંદે ભારત બની જીવનદાતા, જાણો શું હતો આ ખાસ મિશન

2 Min Read

દેશના આરોગ્ય અને રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રથમ વખત ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદય (લાઈવ હાર્ટ) સફળતાપૂર્વક પહોંચાડીને એક દર્દીને નવજીવન આપવાના અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સામાન્ય રીતે આવા અંગોના પરિવહન માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ વખતે સુપરફાસ્ટ ટ્રેન અને ગ્રીન કોરિડોરના સંકલનથી સમય સામેની આ જંગ જીતવામાં આવી હતી.

મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 20901) દ્વારા સુરતથી લાઈવ હાર્ટ અમદાવાદ લાવવામાં આવ્યું હતું. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ દર્દીમાં કરવામાં આવવાનું હતું. હૃદય જેવા મહત્વપૂર્ણ અંગને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવું અત્યંત જરૂરી હોવાથી સમગ્ર કામગીરી મિનિટે-મિનિટના આયોજન સાથે હાથ ધરવામાં આવી હતી.

ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચતા જ પ્લેટફોર્મ નંબર 1થી હોસ્પિટલ સુધી રેલવે સુરક્ષા બળ (RPF) અને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. પરિણામે ટ્રાફિકમાં કોઈ વિલંબ વિના લાઈવ હાર્ટને સીધું હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું.
આ સમગ્ર મિશનની સફળતા પાછળ ભારતીય રેલવે, તબીબોની ટીમ, અંગ પ્રત્યારોપણ કો-ઓર્ડિનેટર્સ, RPF અને ગુજરાત પોલીસ વચ્ચેનું ઉત્તમ સંકલન મુખ્ય કારણ બન્યું. આ ઘટના એ સાબિત કરે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોની સફર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીની તબીબી સેવાઓમાં પણ જીવન બચાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Share This Article