જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી મળી આવેલા 7 થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ મોતના કેસમાં વન વિભાગને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સિંહબાળના મોત મામલે સંડોવણીની શંકાના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગ હાલ આરોપીની સઘન પૂછપરછ કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આરોપી બાવન ચાવડાને પોરબંદર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સિંહબાળના મોતની ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વન વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
આરોપીની શોધખોળ માટે કુતિયાણા વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ વન વિભાગની ત્રણ અલગ-અલગ ટીમોએ મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ટેકનિકલ વિશ્લેષણ, માનવ બાતમી અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન વન વિભાગે અનેક મહત્વપૂર્ણ કડીઓ મેળવી હતી, જેના આધારે ફરાર આરોપીની ઓળખ કરીને તેને ઝડપી લેવામાં સફળતા મળી છે.
પૂછપરછ બાદ રિમાન્ડની કાર્યવાહી
ધરપકડ કરાયેલા આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા સિંહબાળના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછ પૂર્ણ થયા બાદ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કેસમાં વધુ કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 24 જૂનના રોજ જૂનાગઢ નજીક રબારી નેસ વિસ્તારમાં એક 7 થી 8 માસના નર સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે વન વિભાગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.