Thursday, Jun 18, 2026

ઓનલાઈન બેંકિંગ છતાં SBIએ પેન-કાગળ પર ખર્ચ્યા ₹986 કરોડ

3 Min Read

આજના ડિજિટલ યુગમાં જ્યાં બેંકો ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, નેટ બેંકિંગ અને પેપરલેસ કામગીરી માટે પ્રોત્સાહિત કરી રહી છે, ત્યાં બીજી તરફ બેંકોનો સ્ટેશનરી પર થતો ખર્ચ આશ્ચર્યચકિત કરનારો છે. રોકાણ પ્લેટફોર્મ ગ્રોની FY25ની નવી રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ એક જ વર્ષમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (પેન, કાગળ, ચેકબુક વગેરે) પર ₹986.4 કરોડ ખર્ચ્યા છે.

ડિજિટલ બેંકિંગ છતાં કાગળ પર કરોડોનો ખર્ચ
આજે મોટાભાગના લોકો મોબાઇલ એપ દ્વારા પૈસા ટ્રાન્સફર કરે છે, QR કોડ સ્કેન કરે છે અને માને છે કે બેંકિંગ હવે સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. ભારતીય બેંકો આજે પણ ફોર્મ, પાસબુક, બેંક સ્ટેટમેન્ટ અને ચેકબુકની છપાઈ સહિતના કાગળ આધારિત કામકાજ પર દર વર્ષે સેંકડો કરોડ રૂપિયા ખર્ચી રહી છે. ગ્રોએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2024-25 (FY25) દરમિયાન ભારતીય બેંકો દ્વારા પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પર કરાયેલા ખર્ચના આંકડા જાહેર કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલી આ રિપોર્ટના આંકડા હાલમાં ભારે ચર્ચામાં છે.

SBIનો સ્ટેશનરી ખર્ચ સૌથી વધુ
રિપોર્ટ મુજબ, દેશની સૌથી મોટી સરકારી બેંક State Bank of India સ્ટેશનરી ખર્ચમાં પ્રથમ સ્થાને છે. SBIએ એક વર્ષમાં પ્રિન્ટિંગ અને સ્ટેશનરી પર ₹986.4 કરોડ ખર્ચ્યા. જોકે આ રકમ મોટી લાગે છે, પરંતુ SBIના વિશાળ નેટ પ્રોફિટની સરખામણીએ તે તેના કુલ નફાના માત્ર 1.22% જેટલી છે.

HDFC Bank બીજા ક્રમે, ICICI Bank વધુ કરકસરવાળી
SBI પછી દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC Bank આવે છે, જેણે સ્ટેશનરી પર ₹922.5 કરોડ (કુલ નફાના 1.26%) ખર્ચ્યા છે જ્યારે ICICI Bank આ મામલે વધુ કરકસરવાળી સાબિત થઈ છે. ICICI બેંકે માત્ર ₹318.5 કરોડ ખર્ચ્યા, જે તેના કુલ નફાના માત્ર 0.58% જેટલા છે.

IDFC First Bankએ નફાના પ્રમાણમાં બનાવ્યો રેકોર્ડ
આ રિપોર્ટનો સૌથી ચોંકાવનારો આંકડો IDFC First Bank સાથે જોડાયેલો છે. કુલ ખર્ચની દ્રષ્ટિએ તે મોટી બેંકો કરતાં પાછળ છે, પરંતુ પોતાના નફાની સરખામણીએ સ્ટેશનરી પર સૌથી વધુ ખર્ચ કરનાર બેંક બની છે. IDFC First Bankએ એક વર્ષમાં સ્ટેશનરી પર ₹122.7 કરોડ ખર્ચ્યા. એટલે કે બેંકે પોતાના દરેક ₹100ના નેટ નફામાંથી આશરે ₹8.05 માત્ર પેન, કાગળ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ જેવા ખર્ચ પાછળ વાપર્યા. આ પ્રમાણ કોઈપણ મોટી લિસ્ટેડ બેંક કરતાં સૌથી વધુ છે.

મુખ્ય બેંકોનો સ્ટેશનરી ખર્ચ

SBI₹986.4 કરોડ
HDFC Bank₹922.5 કરોડ
ICICI Bank₹318.5 કરોડ
IDFC First Bank₹122.7 કરોડ

ડિજિટલ બેંકિંગના વધતા પ્રભાવ છતાં, આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીય બેંકિંગ સિસ્ટમ હજુ પણ કાગળ આધારિત પ્રક્રિયાઓ પર નોંધપાત્ર રીતે નિર્ભર છે.

Share This Article