વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તારમાં એક અનોખી પહેલ કરીને ફરી એકવાર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં ગ્રામજનોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને જર્જરિત કૂવાના પુનઃનિર્માણમાં સહયોગ આપ્યો છે.
તાજેતરમાં ગોપાલ ઇટાલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામના આગેવાન શૈલેષભાઈ કથીરિયાના નિવાસસ્થાને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગામલોકોએ તેમને નવનિર્મિત કૂવો બતાવ્યો અને તેમના આર્થિક સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.
ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જૂના અને જર્જરિત કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. પરંતુ આવા કામ માટે કોઈ સરકારી જોગવાઈ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કૂવાનું કામ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને પોતાના પગારમાંથી કુલ દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અગાઉ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પચાસ હજાર રૂપિયા પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગોપાલ ઇટાલીયા છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ સંબંધિત મુદ્દે તેમણે ખેડૂતોને ખુલ્લું સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, મતવિસ્તારમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી જાહેર કરીને પારદર્શક વહીવટનો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.
તેમની આ કામગીરીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકોએ વિકાસકાર્યો અંગે ખુલ્લી માહિતી આપવાની અને વ્યક્તિગત સ્તરે લોકોની જરૂરિયાતમાં સહયોગ કરવાની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી છે. નવા ખાખરા હડમતીયા ગામમાં કૂવાના નિર્માણ માટે કરાયેલા આ યોગદાન બાદ ગોપાલ ઇટાલીયાની આ પહેલની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.