Wednesday, May 27, 2026

કચ્છના દરિયામાંથી ₹1000 કરોડનું કોકેઈન જપ્ત, બ્રાઝીલથી આવેલા ડ્રગ્સ કેસમાં ત્રણ ઝડપાયા

2 Min Read

ગુજરાતમાં ફરી એકવાર મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કચ્છના દરિયામાં મુદ્રા પોર્ટ તરફ આવી રહેલી એક બોટમાંથી ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંદાજે ₹1000 કરોડની કિંમતનું કોકેઈન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક શખસ દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલુ છે.

ગુજરાતના પોલીસ વડા (DGP)એ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઓપરેશનની માહિતી આપતા જણાવ્યું હતું કે મળેલી ગુપ્ત બાતમીના આધારે મુદ્રા તરફ આવી રહેલી બોટ પર નજર રાખવામાં આવી હતી. 25મી તારીખની રાત્રિથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 26મી તારીખે વહેલી સવારે બોટને ઝડપી લેવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન બોટમાંથી 6 બેગમાં ભરેલો કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 118 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹1000 કરોડ હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યો હતો. આ જથ્થો મોટી કાર્ગો બોટ મારફતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નાની બોટમાં ટ્રાન્સફર કરીને ભારતમાં પહોંચાડવાની યોજના હતી.

તપાસ એજન્સીઓએ બે નાઇજિરિયન નાગરિકોની અટકાયત કરી છે. સાથે જ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા ડ્રગ્સ રિસીવ કરવા આવેલા બે શખસોમાંથી સંબંધિત વ્યક્તિઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ કુલ ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં હોવાનું જણાવાયું છે.

ઝડપાયેલા ઓરીપોના નામ
જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો)
કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો)
બ્યારુહંગા જેમ્સ ( દિલ્હીથી પકડાયો)

તપાસ દરમિયાન બોટમાંથી સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની આશંકા વધુ મજબૂત બની છે. તપાસમાં ખુલ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં ડિલિવરી માટે મોકલવામાં આવવાનો હતો. જોકે, તે પહેલા જ ગુજરાત ATSએ સમયસર કાર્યવાહી કરીને આ મોટું નશીલા પદાર્થોનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના વધુ કડીઓ સુધી પહોંચી શકાય.

Share This Article