તમિલનાડુમાં TVK પ્રમુખ વિજયના મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CPM, CPI અને VCK પાર્ટીઓએ તેમને સમર્થન આપવા માટે તૈયારી દર્શાવી છે. 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ વિજય પોતે બે બેઠકો પરથી જીત્યા હોવાથી તેમને એક બેઠક છોડવી પડશે. જેના કારણે પાર્ટીની સંખ્યા 107 પર આવી જશે. કુલ ધારાસભ્યોની સંખ્યા 233 હોવા છતાં બહુમતી માટેનો આંકડો 118 જ રહેશે. આવી સ્થિતિમાં TVKને સરકાર બનાવવા માટે 11 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. કોંગ્રેસના 5 ધારાસભ્યો પહેલેથી જ સમર્થનમાં હોવાથી હવે માત્ર 6 વધુ ધારાસભ્યોની જરૂર છે.
2026ની વિધાનસભા ચૂંટણીમાં CPM, CPI અને VCKએ 2-2 બેઠકો જીતેલી છે. તેથી આ ત્રણેય પક્ષોના સમર્થનથી વિજય સરળતાથી સરકાર બનાવી શકશે. આવી સ્થિતિમાં 59 બેઠકો જીતનાર DMK અને 47 બેઠકો મેળવનાર AIADMK બંનેને વિપક્ષમાં બેસવું પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ CPM/CPI અને VCKએ વિજયને સમર્થન આપવાની વાત કરી છે. જોકે, ત્રણેય પક્ષોની બેઠક હજુ ચાલુ છે અને બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર CPIની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. CPIએ પોતાના બે ધારાસભ્યોના સમર્થન પત્ર TVK નેતા CTR નિર્મલ કુમારને સોંપી દીધા છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામો 2026
| પાર્ટી | બેઠક |
|---|---|
| તમિલગા વેત્રી કઝગમ (TVK) | ૧૦૮ |
| દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) | ૫૯ |
| અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) | ૪૭ |
| ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) | ૫ |
| પટ્ટાલી મક્કલ કાચી (PMK) | ૪ |
| ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) | ૨ |
| ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) | ૨ |
| વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) | ૨ |
| ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) (CPIM) | ૨ |
| ભારતીય જનતા પાર્ટી (BJP) | ૧ |
| દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK) | ૧ |
| અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ (AMMK) | ૧ |
| કુલ | ૨૩૪ |