Friday, May 8, 2026

NCRB રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા: મહિલાઓ સામે 4.41 લાખ ગુનાઓ, બાળકો વિરુદ્ધ ક્રાઇમમાં પણ વધારો

3 Min Read

NCRBની “ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024” રિપોર્ટ મુજબ, મહિલાઓ વિરુદ્ધ ગુનાના કુલ 4,41,534 કેસ નોંધાયા છે. જોકે આ આંકડો 2023ની સરખામણીએ થોડો ઓછો છે, છતાં ગુનાઓનું સ્વરૂપ હજુ પણ ગંભીર ચિંતાનો વિષય છે. રિપોર્ટ અનુસાર મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ કેસ પતિ અથવા સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવતી ક્રૂરતા એટલે કે ઘરેલુ હિંસાના રહ્યા છે. આવા કુલ 1,20,227 કેસ નોંધાયા, જે કુલ કેસોમાંથી 27.2 ટકા છે. ત્યારબાદ મહિલાઓના અપહરણના 67,829 અને છેડછાડના 48,303 કેસ સામે આવ્યા છે.

રેપના કેટલા કેસ નોંધાયા?
NCRBની રિપોર્ટ મુજબ વર્ષ 2024માં બળાત્કારના 29,536 કેસ નોંધાયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં POCSO એક્ટ હેઠળના કેસો પણ મોટી સંખ્યામાં સામેલ છે. મહાનગરોમાં મહિલાઓ વિરુદ્ધ 50,584 કેસ નોંધાયા, જેમાં ઘરેલુ હિંસા, અપહરણ અને યૌન ગુનાઓ મુખ્ય રહ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે ઘરેલુ હિંસા હવે માત્ર પારિવારિક મુદ્દો નથી રહ્યો, પરંતુ ગંભીર સામાજિક ગુનાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. મહિલાઓનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન, માનવ તસ્કરી અને યૌન શોષણના કેસો સતત વધી રહ્યા છે.

રેપના કેસોમાં ઓળખીતાઓ જ આરોપી
NCRBની “ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024” રિપોર્ટમાં રેપના કેસોને લઈને એક મહત્વની બાબત સામે આવી છે કે મોટાભાગના કેસોમાં આરોપી કોઈ અજાણ્યો નહીં પરંતુ પીડિતાનો ઓળખીતો હોય છે. રિપોર્ટમાં “Offenders Relation to Victims of Rape – 2024” નામથી અલગ ટેબલ આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર રેપના કેસોમાં આરોપીઓ સામાન્ય રીતે આ કેટેગરીના હોય છે:

  • મિત્ર અથવા ઓળખીતો
  • પાડોશી
  • સગા સંબંધીઓ
  • પરિવાર સાથે જોડાયેલા લોકો
  • લગ્ન અથવા સંબંધનો ખોટો વાયદો કરનારા આરોપીઓ
  • સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન ઓળખાણ ધરાવતા લોકો

અર્થાત્ NCRBના આંકડા દર્શાવે છે કે મહિલાઓ અને યુવતીઓ વિરુદ્ધના યૌન ગુનાઓમાં ઓળખીતાઓની ભૂમિકા સૌથી વધુ હોય છે. ઉપરાંત રિપોર્ટમાં ઘરેલુ હિંસા, અપહરણ અને યૌન ગુનાઓના કેસો મોટી સંખ્યામાં નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ 2024માં બળાત્કારના કુલ 29,536 કેસ નોંધાયા હતા.

બાળકો વિરુદ્ધ કેટલા ગુનાઓ નોંધાયા?
બીજી તરફ બાળકોના અપહરણ અને POCSO કેસોમાં વધારો ચિંતાજનક બન્યો છે. NCRBની રિપોર્ટમાં બાળકો વિરુદ્ધના ગુનાઓને લઈને ચોંકાવનારા આંકડા જાહેર કરાયા છે. રિપોર્ટ મુજબ દેશભરમાં બાળકો વિરુદ્ધ ગુનાના 1,87,702 કેસ નોંધાયા, જે 2023ની સરખામણીએ 5.9 ટકા વધુ છે.

સૌથી વધુ કેસ બાળકોના અપહરણ અને કિડનેપિંગના રહ્યા. કુલ કેસોમાંથી 75,108 કેસ એટલે કે 40 ટકા માત્ર અપહરણ અને એબડક્શન સાથે જોડાયેલા હતા. જ્યારે POCSO એક્ટ હેઠળ 69,191 કેસ નોંધાયા, જે કુલ કેસોના 36.9 ટકા છે.

રિપોર્ટ અનુસાર 2024માં કુલ 98,375 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 75 હજારથી વધુ છોકરીઓ હતી. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 7.8 ટકા વધુ છે. નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને ખોટી ઓળખ દ્વારા બાળકોને ફસાવવાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અનેક કેસોમાં માનવ તસ્કરી અને યૌન શોષણના નેટવર્ક પણ સામે આવ્યા છે.

રિપોર્ટ મુજબ માનવ તસ્કરીના 2,135 કેસ નોંધાયા અને 6,018 લોકો ટ્રાફિકિંગનો ભોગ બન્યા. મહાનગરોમાં પણ બાળકો વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Share This Article