Friday, May 8, 2026

તમિલનાડુમાં ‘વિજય’ સરકાર નિશ્ચિત! કોંગ્રેસ-લેફ્ટના સમર્થનથી TVK બહુમતીની નજીક

2 Min Read

તમિલનાડુમાં હવે કોની સરકાર બનશે તેનો સસ્પેન્સ લગભગ ખતમ થઈ ગયો છે. અભિનેતા થી રાજકારણી બનેલા થલપતિ વિજયની પાર્ટી TVKને સરકાર રચવા માટે મહત્વપૂર્ણ સમર્થન મળી ગયું છે. કોંગ્રેસના સમર્થન બાદ હવે CPI, CPM અને VCK જેવી પાર્ટીઓએ પણ TVKને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રાજ્યમાં નવી સરકાર બનવાનો માર્ગ લગભગ સ્પષ્ટ માનવામાં આવી રહ્યો છે. 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડાની નજીક પહોંચેલા TVK ગઠબંધને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. વિપક્ષી દળોના સમર્થન બાદ વિજય પહેલીવાર સત્તાના ખૂબ નજીક પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં સરકાર રચવાનો દાવો કરી શકે છે.

118નો જાદુઈ આંકડો પાર
તમિલનાડુમાં હવે TVK ચીફ થલપતિ વિજયની સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 2-2 ધારાસભ્યો ધરાવતા VCK, CPM અને CPIએ કોંગ્રેસ-TVK ગઠબંધનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ભાજપે પણ મતદાનથી દૂર રહેવાના સંકેત આપ્યા છે. ત્યારબાદ વિજય માટે બહુમતી મેળવવાનો માર્ગ સરળ બની ગયો છે. રાજ્યપાલે તેમને 10 મે સુધીનો સમય આપ્યો હતો. હવે બહુમતી મળ્યા બાદ તેઓ ટૂંક સમયમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે આ રાજ્યપાલ સાથે વિજયની ત્રીજી મુલાકાત હશે.

ગુરુવારે પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી
આ પહેલા TVK પ્રમુખ વિજયે ગુરુવારે બીજીવાર રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરી હતી. તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ રાજ્યપાલે તેને નામંજૂર કર્યો હતો. રાજ્યપાલે અભિનેતા થી નેતા બનેલા વિજયને કહ્યું હતું કે તેઓ 118 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે જ ફરી આવે. જોકે, રાજ્યપાલે વિજયને આશ્વાસન આપ્યું હતું કે તેઓ અન્ય કોઈ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ નહીં આપે.

“અમારી પાર્ટી ટૂંક સમયમાં સરકાર બનાવશે. બહુમતીનો આંકડો પાર કરવા માટે જરૂરી સમર્થન અમારી પાસે ઉપલબ્ધ છે,” એમ TVK તરફથી જણાવાયું છે.

Share This Article