ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે અમરેલી જિલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં ગત રાત્રીથી સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા માત્ર એક જ આંચકાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી છે, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર વાંકિયા ગામ નજીક નોંધાયું હતું, જેની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ હતી.
જો કે બીજી તરફ સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સવારે ૪:૧૫ કલાકે ૧.૮, ૪:૧૬ કલાકે ૨.૩, ૪:૨૪ કલાકે ૧.૦, અને ૪:૫૭ કલાકે ૧.૪ની તીવ્રતાના આંચકા બાદ સવારે ૭:૦૦ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ શ્રેણીમાં સવારે ૭:૧૫ કલાકે ૩.૫૮ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ સવારે ૭:૫૧ અને ૮:૫૭ કલાકે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ચારેક દિવસ પહેલા નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યા આસપાસ અચાનક ધરા ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં ભૂકંપનો વધુ અનુભવ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નોંધાયેલો આ ભૂકંપનો 15મો આંચકા હતો.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય