ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સહિતની પાર્ટીઓ પૂરજોશમાં તૈયારી કરી રહી છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે, અને તેને લઈને ગુજરાતભરમાં રાજકીય માહોલ ગરમ છે, ત્યારે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ઉમરેઠના MLA ગોવિંદ પરમારના અવસાન બાદ તેમની બેઠક પર પેટા ચૂંટણી પણ થવાની છે.
વડાપ્રધાનની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઉમરેઠ બેઠક પરની પેટા ચૂંટણી પહેલા જ વડાપ્રધાનની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર તેમજ વાવ થરાદમાં કાર્યક્રમમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આગામી 31મી તારીખે ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
પીએમના આ એક દિવસીય પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી કોબા નજીક આવેલા મહાવીર જૈન મંદિરના ક્રાર્યક્રમમાં તેમજ વાવ થરાદ જિલ્લામાં નાણી ગામે એયર સ્ટ્રીપ તૈયાર થયા બાદ પ્રથમ વખત મુલાકાતે પહોંચશે. વડાપ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ મહત્ત્વની બનશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાની અપેક્ષા સેવાઈ રહી છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી સતત ત્રીજા મહિને ગુજરાત આવશે.