- ભરત ગાંધી ઇચ્છતા હતા કે ઘરમાં હાથશાળ ચલાવતા વણાટ ઉદ્યોગના આધુનિકીકરણ સાથે ઓળખ પણ બદલાવી જોઇએ અને દાયકાઓનાે પરિશ્રમ આખરે લેખે લાગ્યો હતો
- ભરત ગાંધી અને સાથે મિત્રો કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય હરોળમાં લઇ જવા માંગતા હતા, આજે સમગ્ર ચિત્ર બદલાઇ ચૂક્યું છે. કાપડનો કારખાનેદાર હવે પોતાની બ્રાન્ડ સાથે કાપડ વેચે છે, આનાથી મોટી સફળતા કઇ હોઇ શકે?
- વેપાર માટે ટ્રેડ સેન્ટર અને વિદેશ વેપાર માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ આ બન્ને સુવિધા સાકાર કરવામાં ભરત ગાંધીની નિર્ણાયક ભૂમિકા હતી
- ચેમ્બર ઓફ કોમર્સના બિિલ્ડંગ વૈશ્વિક કક્ષાની બનશે એવું કોઇએ વિચાર્યું પણ નહીં હોય, પરંતુ ભરત ગાંધી અને મિત્રોએ આ કલ્પના કરી હતી અને કલ્પના મૂર્તિમંત પણ કરી
- સુરતમાં વિશાળ અને પિલરલેસ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બનાવી શકાય એવી કોઇએ કલ્પના પણ કરી નહીં. આ વિચારના મૂળમાં પણ ભરત ગાંધી હતા
- ભરત ગાંધીના અનુગામી તરીકે રાજેન્દ્ર ચોખાવાળાને જવાબદારી સોંપવામાં આવી છે, ભરત ગાંધીની સમાન વિચારધારા ધરાવતા રાજેન્દ્ર ચોખાવાળા સો ટકા સફળ સુકાની પુરવાર થશે
સુરત સહિત ગુજરાતના વણાટ ઉદ્યોગને ‘‘ટેક્સટાઇલ’’ની ઓળખ અપાવનાર અને ઉદ્યોગને આધુનિક મશીનરીઓથી અદ્યતન બનાવવા તથા કાપડ ઉદ્યોગનું સરકારને મહત્ત્વ સમજાવવા વર્ષો સુધી સતત ઝઝૂમતા રહેતા હોનહાર વ્યક્તિત્વ ભરત ગાંધીના નિધનની ઘટનાએ સમગ્ર કાપડ ઉદ્યોગને ભારે આઘાત સાથે આંચકો આપ્યો હતો. ભરત ગાંધી કાપડ ઉદ્યોગની ગઇકાલ, આજ અને આવતીકાલના સાક્ષી હતા. ભરત ગાંધીએ સુરતનાં વર્ષો પુરાણા અને ઘરમાં જ વણાટનાં કારખાના પણ જોયા હતા અને હાથશાળ પણ.હાથશાળથી શરૂ કરીને કાપડ ઉદ્યોગને વૈશ્વિક હરોળમાં આધુનિક બનાવવામાં ભરત ગાંધીએ લોહીપાણી એક કર્યાં હતાં. એક સમયે સરકાર માટે પણ કાપડ ઉદ્યોગનું કોઇ જ મહતત્ત્વ નહોતું. સેંકડો લોકોને રોજગારી આપતો કાપડ ઉદ્યોગ સંગઠીત નહીં હોવાથી સરકાર પણ કાપડ ઉદ્યોગ માટે ઉદાસીન હતી. રાજ્ય કે કેન્દ્ર સરકારના બજેટમાં પણ કાપડ ઉદ્યોગ માટે કોઇ વિશેષ જોગવાઇ કરવામાં આવતી નહોતી. આવા સમયે ભરત ગાંધી કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ માટે મથી રહ્યા હતા. કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ અને સુરતમાં બનતા કાપડની નિકાસ થાય એ ભરત ગાંધીનું સપનું હતું.

અને લાંબી મથામણ વચ્ચે ભરત ગાંધીએ જબરજસ્ત હિંમત કરીને ઉધના વિસ્તારમાં પોતાની પાવરલૂમ્સમાં શુદ્ધ સિલ્ક કાપડનું ઉત્પાદન કરવાની પહેલ કરી હતી, મુંબઇની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ભરત ગાંધીએ પ્રારંભે મુંબઇની જે.જે. સન્સ પેઢીમાં ભાગીદારી પણ કરી હતી.એક તરફ મેનમેઇડ ફાઇબર યાર્નના ઠેકાણા નહોતા એવા સંજોગોમાં પ્યોર સિલ્ક કાપડનું ઉત્પાદન કરવાનું સપનું આસાન નહોતું. પરંતુ કંઇક નવું કરવાનું મિશન લઇને ઉદ્યોગમાં ઝંપલાવ્યું હોવાથી ભરત ગાંધીએ પોતાની ‘‘બેટ સન્સ ટેક્ષટાઇલ’’ નામની મિલનું આધુનિકીકરણ કરીને કાપડ ઉદ્યોગને એક નવી જ દિશા આપી હતી.
ભરત ગાંધી માત્ર પોતાના પૂરતા સીમિત નહોતા. તેઓ સમગ્ર કાપડ ઉદ્યોગ માટે ક્રાંતિની મિસાલ હતા અને સુરતના કાપડ ઉદ્યોગને દુનિયાની હરોળમાં મૂકવાનું એક માત્ર લક્ષ્ય હતું. તેઓ કહેતા હતા કે દુનિયાના દેશો ઉચ્ચ કક્ષાનું કાપડ બનાવી શકતા હોય તો આપણે કેમ નહીં?

ભરત ગાંધી અને સાથી મિત્રોની લાંબી લડાઇ સતત મંત્રાલયના આટા ફેરા અને રાજકીય આગેવાનોને રોજગારી આપતા સુરતના કાપડ ઉદ્યોગની મહત્તા સમજાવવામાં સફળ રહેતા. આખરે ક્રમશઃ રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ અમદાવાદની કોટન મિલો બાદ સુરતના કાપડ ઉદ્યોગની મહત્તા સમજાઇ હતી અને કાપડ ઉદ્યોગના આધુનિકીકરણ માટે ‘‘ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડ’’ની જોગવાઇ કરવામાં આવી હતી. આ ફંડ મળવાથી સુરતના કાપડ ઉદ્યોગના આધુનિકીકરણનો માર્ગ મોકળો થવા સાથે નવાં-નવાં સંશોધનો થવા માંડ્યા અને સુરતના કાપડ ઉદ્યોગની વૈશ્વિક હરોળમાં ગણના થવા માંડી. અલબત્ત, આ બદલાવ રાતોરાત આવ્યા નહોતા. દાયકાઓની મહેનતના અંતે આજે આકાશને આંબતા અને કરોડોનું ટ્રાન્ઝેકશન કરતા સુરતના કાપડ ઉદ્યોગના વિકાસ પાછળ સ્વ. ભરત ગાંધી જેવા અનેક લોકોએ પરસેવો વહેડાવ્યો હતો. કદાચ કાપડ ઉદ્યોગમાં કરોડોનો વેપાર કરતી વર્તમાન પેઢીને ભરત ગાંધી સહિતના આ ઉદ્યોગના પાયામાં ધરબાયેલા લોકોની ઓળખ પણ નહીં હોય. ભરત ગાંધીએ દુનિયાના કાપડ ઉદ્યોગને સમજવા યુરોપ, જર્મની, ઇટાલી, કોરિયા, જાપાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર, હોંગકોંગ, ચીન જેવા અનેક દેશોની મુલાકાત લઇને દુનિયામાં પેદા થતા કાપડ ઉદ્યોગનો અભ્યાસ કર્યો હતો અને તેમના સતત પ્રયાસને કારણે જ સુરતના કાપડ ઉદ્યોગમાં નવીનીકરણનો દોર શરૂ થયો હતો. એક સમયે માત્ર કાપડ વણીને સંતોષ મેળવતા તળ સુરતીઓ આજે માત્ર ગ્રે-કાપડ બનાવતા નથી, બલ્કે કાપડને પ્રિન્ટ કરાવીને પોતાની ઓળખ સાથે વેપાર કરે છે. મતલબ સુરતી હવે માત્ર ‘‘વણાિટયો’’ રહ્યો નથી.

ભૂતકાળમાં સુરતીઓનું કાપડ ઉદ્યોગમાં ભારે શોષણ થતું હતું. ડાઇંગ મિલોવાળા કાપડનું પુરેપુરું વળતર તો ઠીક બલ્કે ‘‘તમારું કાપડ બરાબર નથી’’ એવા બહાના કાઢીને મોટી રકમ કાપી લેતા હતા. પરંતુ હવે એ દિવસો ભૂતકાળ બની ગયા છે.
ખેર, ભરત ગાંધી માત્ર કાપડ ઉદ્યેગના આધુનિકીકરણ પુરતા જ સીમિત રહ્યા નહોતા. તેમણે વેપારના સરળીકરણ માટે સુરત એરપોર્ટને ધમધમતું કરવા માટે પણ સરકારમાં સતત રજૂઆતો કરી હતી. આજે સુરત એરપોર્ટ ઉપરથી પ્રવાસ કરતા લોકોને એ વાતનો ખ્યાલ પણ નહીં હોય કે સુરત હવાઇપટ્ટીને એરપોર્ટનું સ્થાન અપાવનારા અનેક લોકોની મહેનત હતી. સુરત આજે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો ભોગવી રહ્યું છે. ભૂતકાળમાં અહીંયા હેલિકોપ્ટર ઉતારવાની પણ પૂરતી ક્ષમતા નહોતી.
ભરત ગાંધીએ કાપડ ઉદ્યોગના આધુનિકીરણ ઉપરાંત ઉદ્યોગને કાયદાકીય રક્ષણ અને ઉદ્યોગના વિકાસ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સમગ્ર વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવા સાથે ટ્રેડ સેન્ટર અને દુનિયાની હરોળનું એિક્ઝબિશન સેન્ટર પણ ઊભું કર્યું, તેની પાછળ પણ તેમની દીર્ધ દૃષ્ટિ હતી. સરથાણા ખાતેનું કન્વેન્શન સેન્ટર સુરતનુ નજરાણું બની ગયું છે. વિશાળ એરિયા અને પિલરલેસ વળી સંપૂર્ણ એરકન્ડીશન્ડ સેન્ટર માત્ર પ્રદર્શનો જ નહીં. પરંતુ વિવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમી રહ્યું છે.ભરત ગાંધી કન્વેશન સેન્ટરનું સંચાલન કરતી કમિટીના ચેરમેન હતા અને અંતિમ પળ સુધી કન્વેન્શન સેન્ટરને વધુ ને વધુ સુવિધાયુક્ત બનાવવા મથામણ કરતા હતા.

ભરત ગાંધીના નિધન બાદ તેમના ખાલી પડેલા સ્થાને ચેરમેન તરીકે ભરત ગાંધીના વિચારધારાના સમકક્ષ કહી શકાય એવા રાજેન્દ્ર ચોખાવાળાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજેન્દ્ર ચોખાવાળાએ પણ ભરત ગાંધીના અધૂરા સપનાં પૂરાં કરવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રાજેન્દ્ર ચોખાવાળા માત્ર કાપડ ઉદ્યોગ પૂરતા સીમિત નહીં રહેતા ટેકનીકલ અને અેન્જિનિયરીંગ ક્ષેત્રમાં પણ નિપૂંણ હોવાથી ભરત ગાંધીના આદર્શો સાથે ઉદ્યોગને સતત દિશા ચોક્કસ આપતા રહેશે. રાજેન્દ્ર ચોખાવાળાએ માત્ર ૩૮ વર્ષની ઉમરે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની જવાબદારી સંભાળી હતી. બી.કોમ. અને માર્કેટિંગ મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ સાથે ડી.બી.આઇ.એમ. થયેલા રાજેન્દ્ર ચોખાવાળાની વેપાર ઉદ્યોગ અને સામાજિક આગેવાની ‘કુનેહ’થી સુરતના લોકો સુપેરે પરિચિત છે. એક હકીકત છે કે કાયદાના નિષ્ણાત રાજેન્દ્ર ચોખાવાળા મુશ્કેલીના સમયે પણ રસ્તો કાઢવામાં પારંગત પુરવાર થશે.