Saturday, Mar 21, 2026

ભારતમાં માર્ગ અકસ્માતોનો નવો રેકોર્ડ: 2024માં મોતનો આંકડો 1.77 લાખને પાર

1 Min Read

નવી દિલ્હી: ભારતમાં રોડ અકસ્માતોમાં જાનહાનિએ 2024માં ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે દેશભરમાં માર્ગ અકસ્માતોમાં 1.77 લાખથી વધુ લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. માર્ગ પરિવહન મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં આ આંકડા રજૂ કર્યા, જોકે વાર્ષિક રિપોર્ટ હજુ પ્રકાશિત થયો નથી.

2023માં માર્ગ અકસ્માતોમાં આશરે 1.73 લાખ લોકોના મોત થયેલા.
ડીીએમકેના એ. રાજાના પ્રશ્નના જવાબમાં માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, “રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 2024ના વર્ષ દરમ્યાન દેશની તમામ શ્રેણીની સડકો પર કુલ 1,77,177 લોકોના મૃત્યુ નોંધાયા છે, જેમાં પશ્ચિમ બંગાળનો ઇ-ડીઆર પોર્ટલ પરથી મેળવેલો ડેટા પણ સામેલ છે.”

રાષ્ટ્રીય હાઈવેઝ પર થતા અકસ્માતોને લઈને અન્ય જવાબમાં ગડકરીએ જણાવ્યું કે, માત્ર રાષ્ટ્રીય રાજમાર્ગો પર જ 54,433 લોકોના મોત થયા છે, જે દેશભરમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોના લગભગ 31% છે.

વિશેષજ્ઞો સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે, તમામ ઘાતક અકસ્માતોની વૈજ્ઞાનિક તપાસ અને જવાબદાર એજન્સીઓની સ્પષ્ટ જવાબદારી નિર્ધારીત કરવાથી જ જાનહાનિમાં ઘટાડો શક્ય બનશે.

એક વિશેષજ્ઞે જણાવ્યું કે, “સરકારએ આ ગંભીર સમસ્યાને હલ કરવા માટે નાગરિક સમાજ અને મોટી સંખ્યામાં એનજીઓને જોડવા જોઈએ, માત્ર થોડાં સંગઠનો પર નિર્ભર રહેવાની જગ્યાએ કારણ કે સમસ્યા બહુ વિશાળ છે.”

Share This Article