Thursday, Oct 30, 2025

અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ વળ્યું, રાજ્ય પર કુદરતી આફતનું સંકટ ઘેરાયું

2 Min Read

ગુજરાત માથે ફરી એક વાર મોટી ઘાત આવી રહી છે. એક તરફ પ્રચંડ વાવાઝોડુ મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ધસી આવ્યું છે. બીજી બાજું ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે.

સોમવારે તે વેરાવળથી 570 કિ.મી.ના અંતરે હતું અને મંગળવારે સાંજના અહેવાલ મૂજબ તે 480 કિ.મી. દૂર હતું, એક દિવસમાં આશરે 100 કિ. મી.નજીક આવ્યું છે. વળી, આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે સામાન્ય માવઠાં વરસાવે છે તે પણ સક્રિય છે. આમ, ગુજરાતમાં માવઠાંની માઠી દશા હજુ જારી રહેશે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદનું (ઓરેન્જ એલર્ટ) અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જારી કરી છે.

ડિપ્રેશન મંગળવારે ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભણી કલાકના 7 કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું અને આ જ દિશામાં આગળ વધવાનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંત કેટલાક મોડેલો અનુસાર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ડિપ્રેશન લાવનાર અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું વાવાઝોડું કે જેનું નામકરણ મોનથા થયું છે તેના વચ્ચે બહુ ફરક નથી. ડિપ્રેશન એ લૉ પ્રેશરમાંથી જન્મતી વરસાદી સિસ્ટમ છે જેમાં ગોળગોળ ઘુમતા પવનની ચક્રાકાર ગતિ 63 કિ.મી.થી ઓછી હોય છે અને ગતિ આથી વધે તો તેને વાવાઝોડાનું નામ અપાય છે. આ વાવાઝોડુ 118 કિ.મી.થી વધુ ચક્રાકાર ગતિએ પહોંચે તો તે સુપર સાયક્લોન બને છે.

Share This Article