વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કન્યા કેળવણી’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સુરતના એક યુવા ઉદ્યોગપતિએ અદ્ભુત પહેલ કરી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના અને હાલ સુરતમાં ટેક્સટાઇલ તેમજ બિલ્ડિંગ વ્યવસાય સાથે જોડાયેલા 33 વર્ષીય પીયૂષ દેસાઈએ જરૂરિયાતમંદ 21,000 દીકરીઓની સ્કૂલ ફી અને શિક્ષણ સામગ્રી પાછળ રૂપિયા 15 કરોડથી વધુ રકમ ખર્ચ કરવાનો સંકલ્પ લીધો છે.
હીરાબાનો ખમકાર કાર્યક્રમ હેઠળ સહાય
આ મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સહાય ‘હીરાબાનો ખમકાર’ યોજના હેઠળ આપવામાં આવી રહી છે. પીયૂષ દેસાઈએ આ આંકડાઓ પાછળનો હેતુ સમજાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી પ્રત્યેક દીકરી દીઠ રૂપિયા 7,500 અને 21મી સદી હોવાથી 21,000 દીકરીઓને આ સહાય આપવાનો સંકલ્પ કરાયો છે. આ યોજના હેઠળ સુરત શહેરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતી, ખાસ કરીને જરૂરિયાતમંદ કે માતા-પિતા વિહોણી દીકરીઓની ફી ભરવામાં આવશે.
સરકારી શાળાની દીકરીઓ માટે પણ જોગવાઈ
ખાનગી શાળાઓની ફી ઉપરાંત, જે દીકરીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે, જ્યાં ફી ભરવાની હોતી નથી, ત્યાં પણ તેમને નિરાશ કરવામાં આવશે નહીં. પીયૂષ દેસાઈની ટીમ દ્વારા આવી દીકરીઓને જરૂરિયાત મુજબ સ્ટેશનરી અથવા અન્ય શૈક્ષણિક ચીજ-વસ્તુઓ માટે રૂપિયા 7,500ની આર્થિક મદદ કરવામાં આવશે.
કાર્યક્રમનો શુભારંભ અને લક્ષ્યાંક
આ યોજનાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે 251 દીકરીઓને સહાય આપીને કરવામાં આવ્યો હતો. ધનતેરસના શુભ દિવસે વધુ 151 દીકરીઓને સહાય આપવાનું આયોજન છે. પીયૂષ દેસાઈએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં 21,000 દીકરીઓને રૂપિયા 15 કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દીકરી બે કુળને તારે છે અને આવનારી પેઢીને શિક્ષિત તેમજ સંસ્કારી બનાવે છે, તેથી દીકરીનું શિક્ષણ એ સમાજ માટે સૌથી મહત્ત્વનું છે.
સહાય મેળવવાની પ્રક્રિયા
જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓ પીયૂષ દેસાઈની ઓફિસ, 502, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, રિંગ રોડ, સુરત ખાતેથી એક ફોર્મ મેળવી શકે છે. ફોર્મ ભર્યા પછી તેમની ટીમ આવેદન કરનાર દીકરીની જરૂરિયાતની ખરાઈ કરશે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ આર્થિક સહાય પૂરી પાડશે. આ રીતે સુરતનો આ યુવાન ઉદ્યોગપતિ હજારો દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કાર્ય કરી રહ્યો છે.